More Labels

Jun 29, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-206


હે,રામ,શૂન્ય,શાંત અને ભયંકર એવું એક વન હતું,તેમાં સો યોજન પણ એક “કણ-માત્ર” જણાતા હતા.
તે વનમાં હજાર હાથ-વાળો અને હજાર નેત્ર-વાળો એક પુરુષ (મન) હતો.તેની બુદ્ધિ આકુળ થયેલી હતી,
ને તે,ભયંકર અને વિશાળ આકૃતિનો હતો.
પોતાના હજાર હાથમાં તે પરિઘ (એક જાતનું  હથિયાર) લઈને પોતાના જ શરીર ના પાછળના ભાગમાં
પ્રહાર કરતો હતો.અને પોતાની મેળે જ અહીં તહીં દોડાદોડ (પલાયન) થતો હતો.(મન દોડાદોડ કરે છે)
કેટલાક યોજન સુધી દોડીને તે શ્રમને લીધે તેનું શરીર પરવશ થઇ ગયું.અને તેના હાથ,પગ વીંખાઈ ગયા.
અને તે પરવશ-પણાથી અંધારી રાત્રિના સમાન ભયંકર અને,આકાશ સમાન ગંભીર એવા અંધારા કૂવામાં
પડ્યો.ત્યાર પછી કેટલેક કાળે તે અંધારા કૂવામાંથી બહાર નીકળ્યો અને ફરીથી પોતાના પર પ્રહાર
કરીને ચારે બાજુ દોડવા માંડ્યું.
આવી જ રીતે તેણે કાંટાના વનમાં પ્રવેશ કર્યો,ત્યાંથી કેળાં ના વનમાં ગયો,ને ફરી કૂવામાં પડીને
તેમાંથી બહાર નીકળી ને ફરી પહેલાંની પેઠે જ પોતાના પર પ્રહાર કરીને દોડતો રહ્યો.
તે મનુષ્ય નો આવો આચાર ઘણી વાર જોયાં પછી મેં (વશિષ્ઠે) તેને પરાણે રોકીને પૂછ્યું કે-
તું કોણ છે?આ તું શું કરે છે? શા માટે આવા પોતાની જાત પર પ્રહાર કરે છે? ને આમ કરીને તું શું ઈચ્છે છે?
ત્યારે તેણે જવાબ આપ્યો કે-હું કોઈ પણ નથી,અને કંઈ પણ કરતો નથી,તમે મારા કાર્યમાં અંતરાય નાખ્યો છે,માટે તમે મારા શત્રુ છો.તમારા સુખ-દુઃખ માં તમે મને જોયો છે અને મારો નાશ થયો છે.
આમ કહી તેણે રુદન કરવા માંડ્યું.થોડી વારે રુદન બંધ કરીને પોતાના અંગ (શરીર) તરફ નજર કરીને,
અટ્ટહાસ્ય કર્યું ને ક્ષણમાત્રમાં પોતાના એક પછી એક સર્વ અંગો નો ત્યાગ કરીને
તે ક્યાંક બીજે જવા તત્પર થયો,
થોડીવાર પછી એ જ પ્રકારનો બીજો મનુષ્ય મારી જોવામાં આવ્યો કે જે પોતાના અંગ પર પ્રહાર કરતો હતો,અને દોડાદોડી કરતો હતો.કાંટાના અને કેળના વનમાં જતો હતો ને કૂવામાં પડી પાછો કુવામાંથી બહાર નીકળતો હતો.
તેને પણ મેં ઉભો રાખી પૂછ્યું તો તે વખતે પણ પહેલાના મનુષ્ય ના જેવું જ થયું.
વળી મેં તે જ પ્રકારનો ત્રીજો  મનુષ્ય જોયો જે પણ આગળ કહ્યું તેમ જ કરતો હતો.
મેં તેને પણ ઉભો રાખી પૂછ્યું તો તે અવિવેકી.મૂઢ બુદ્ધિવાળા મનુષ્યે મને કહ્યું કે-
હે પાપી,હે ભૂંડા બ્રાહ્મણ તું કંઈ જાણતો નથી.
અને આમ કહી ને તે પોતાના જ વ્યાપાર માં પ્રયાણ થયેલો મનુષ્ય ત્યાંથી ચાલ્યો ગયો.
એ પ્રમાણે તે અરણ્યમાં ફરતાં મેં એવા જ પ્રકારના બીજા પણ ઘણા મનુષ્યો ને જોયાં.
તેમાંના કેટલાક મારો પ્રશ્ન સાંભળીને સ્વપ્ન ના સંભ્રમ ની પેઠે શાંતિ પામી ગયા,
કેટલાક મારા વચનની ઉપેક્ષા કરીને નિંદા કરવા લાગ્યા,કેટલાકે કેળના વનમાં તો કેટલાકે કાંટા ના વનમાં
પ્રવેશ કરીને,કેટલાકે કૂવામાં પડીને  -પણ પછી-ઘણા સમય સુધી બહાર નીકળ્યા નહિ.
આમ પોતાના કામ્ય-કર્મ માં પરાયણ હતા ને ક્યાંયે શાંતિ ની સ્થિતિ ને પામેલા ના હતા.
હે,રામ,આ પ્રમાણે તે “મહાટવી” (મોટું જંગલ) વિસ્તાર પામેલી છે,
એ આજ સુધી છે,ને તેમાં એવા જ પુરુષો છે.
તે જંગલ તમે જોયું છે,પણ તમારી બુદ્ધિ અપ્રૌઢ હોવાથી,તેનું તમને સ્મરણ નથી.
તે જંગલ અતિ ભયંકર છે,કાંટા ને લીધે સંકટ વાળું છે અને ગાઢ અંધકાર ને લીધે ગહન છે.
આ લોકમાં શાંતિ માટે - નિવૃત્તિ નું સાધન હોવા છતાં,મનુષ્યમાં આત્મજ્ઞાન ના હોવાથી,
તે ઘોર જંગલ-ને,જાણે કે તે સુગંધી-ફૂલોવાળો બગીચો હોય તેમ તેનું સેવન કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE