Jul 17, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-222


(૧૧૧) ચિત્ત ને જીતવાનો ઉપાય અને ચૈતન્ય સાથે એકાગ્રતા
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ ચિત્ત-રૂપી મોટા વ્યાધિ (રોગ) ની ચિકિત્સા અને ઔષધ હું તમને કહું છું તે તમે સાંભળો.બાહ્ય-વસ્તુ નો ત્યાગ કરીને,પોતાના પુરુષાર્થ થી,પ્રયત્ન કરીને -તે-ચિત્ત-રૂપી-ભૂત જીતાય છે.
જે મનુષ્ય-મનપસંદ વસ્તુ નો ત્યાગ કરીને,ચિત્તના રોગો (રાગ-દ્વેષ-વગેરે) થી શૂન્ય થઈને રહે છે,
તે મનુષ્ય મન ને જીતી શકે છે.
જેવી રીતે શીતળ (ઠંડું) લોઢું એ તપાવેલા (ઉના) લોઢાને કાપી નાખે છે,
તેવી રીતે,શાસ્ત્ર અને સત્સંગ થી ધીરજવાન અને શાંત ચિત્ત થી ચિંતાથી તપી ગયેલા ચિત્તને કાપી નાખવું.જેમ,બાળક ને પ્રેમ-ભય વગેરે ઉપાયો થી સારે માર્ગે દોરવામાં આવે છે તેમ,
ચિત્ત-રૂપી-બાળક ને પણ (પ્રેમ-ભય વગેરે ઉપાયો થી) સારે માર્ગે દોરી શકાય છે.
આમ,સંસારમાં આસકત થયેલા મન ને પોતાના પુરુષાર્થ થી પરમાત્મા સાથે જોડી દેવું જોઈએ.
જેવી રીતે મલ્લ (કુસ્તીબાજ) એ યુદ્ધમાં બાળક ને કોઈ શ્રમ વગર જીતે છે,
તેવી રીતે,વિષયાસક્ત મન ને “બ્રહ્મ-રૂપ-ભાવના” (નો પુરુષાર્થ) કરવાથી – શ્રમ વગર જીતી શકાય છે.
અને તેને જીત્યા પછી પ્રયત્ન વિના જ બ્રહ્મ-પ્રાપ્તિ થાય છે.
પોતાને સ્વાધીન અને સુસાધ્ય –એવા ચિત્તને જે મનુષ્ય જીતવાને સમર્થ થયા નથી તેવા ને ધિક્કાર છે.
પ્રિય વસ્તુ ના ત્યાગ-રૂપી પુરુષાર્થ થી જ મનની શાંતિ સાધ્ય છે,અને મન ની શાંતિ વિના શુભ ગતિ નથી.
“આત્મ-સંવેદન” થી મન ને સહેલાઈ થી મારી શકાય છે,અને એમ જો મન ને મારવામાં આવે તો-
આ જીવન-મુક્ત દેહમાં મોહ-વગેરે શત્રુ થી રહિત,અચળ અને આદિ-અંત થી રહિત એવા-
બ્રહ્માનંદ ની પ્રાપ્તિ થાય છે.મોક્ષ ના સાધન-રૂપ “મન ની શાંતિ” થયા વિના-
શાસ્ત્ર-મંત્ર-ગુરૂ-વગેરે અન્ય સાધનો “તૃણ-રૂપ” છે (તણખલા જેવા છે એટલે કે તેનો કોઈ ફાયદો નથી)

જયારે “અસંકલ્પ-રૂપી-શસ્ર” થી મૂળ સહિત,ચિત્તનું છેદન થાય છે,ત્યારે જ,શાંત બ્રહ્મ ની પ્રાપ્તિ થાય છે.
સંસાર-રૂપી અનર્થ નું શાસન એ પોતાના “મન ના સંવેદન” થી જ (કલ્પનાથી જ) મળે છે,
અને તેને દૂર કરવામાં શાંતિ-વગેરે સાધનો સિદ્ધ છે તો પછી,જીવનમુક્ત થવામાં પુરુષ ને શો કલેશ છે?
માટે,દૈવ (નસીબ) નો અનાદર કરો,એ દૈવ તો મૂઢોએ કલ્પી કાઢેલી કલ્પના છે.
તમે પુરુષાર્થ કરીને સંકલ્પ થી કલ્પિત ચિત્તને –અચિત્ત-પણાને પમાડો.અને પર-બ્રહ્મ-રૂપી કોઈ પણ
મહા-પદવી ને પામીને તથા તે ચિત્ત ને ચૈતન્યમાં લય કરીને,તમે ચિત્તથી પર થઈને રહો.
પ્રથમ ચૈતન્ય ની ભાવના કરો, અને તેની સ્થિરતા માટે-પરમ-સાવધાન-વાળી બુદ્ધિ થી યુક્ત થાઓ.
અને આમ ચિત્ત નો લય થવાથી,તમે અવ્યગ્રતા થી આત્માને ધારણ કરો.
હે,રામ, જેમ,દિગ્મૂઢ-દશામાં અવળી થયેલી બુદ્ધિને પણ મનુષ્ય પરમ પ્રયત્ન થી જીતી શકે છે-
તેમ,મન પણ પુરુષાર્થ થી જીતી શકાય છે.ધૈર્ય થી મનો-જય (મન પર જય) થાય છે.
અને એ મનો-જય આગળ ત્રૈલોક્ય નો વિજય પણ તૃણ-રૂપ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE