Jul 19, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-224


રામ પૂછે છે કે-હે,બ્રહ્મન,મન અતિ ચપળ છે,તો તેની ચપળતા અને વેગ નું,કેમ કરીને નિવારણ થઇ શકે?
વશિષ્ઠ કહે છે કે-ચંચળતા વિનાનું મન ક્યાંય જોવામાં આવતું નથી.જેમ,ઉષ્ણતા એ અગ્નિ નો ધર્મ છે,
તેમ,ચંચળતા એ મન નો ધર્મ છે.
જગતના “કારણ-રૂપ” એવી “માયા”થી યુક્ત તે “ચૈતન્ય”માં જે "ચંચળ-સ્પંદ-શક્તિ” રહેલી છે-
તે જગતના “આડંબર-રૂપ-માનસી-શક્તિ”   (માયા) છે. એમ તમે સમજો.
જેમ,સ્પંદ તથા અસ્પંદ વિના વાયુ ની સત્તા નથી,તેમ,ચંચળતા-રૂપી સ્પંદ વિના ચિત્ત ની સત્તા નથી.
જે મન ચંચળતા વિનાનું છે તે મન મરેલું કહેવાય છે,અને તેને જ શાસ્ત્ર ના સિદ્ધાંત-રૂપ મોક્ષ કહે છે.
મન નો લય થવાથી દુઃખ ની શાંતિ થાય છે,અને મન નું મનન કરવાથી દુઃખ ની પ્રાપ્તિ થાય છે.
ચિત્ત-રૂપી રાક્ષસ જયારે ઉત્પન્ન થાય છે,ત્યારે તે દુઃખ પેદા કરે છે માટે તેને પ્રયત્નથી પાડી નાખો.
હે,રામ,જે મન ની ચંચળતા છે તેને જ વાસના-રૂપી અવિદ્યા કહે છે.માટે તેનો વિચાર કરીને નાશ કરો.

બાહ્ય વિષય ના અનુસંધાન નો ત્યાગ કરવાથી,જયારે અંતરમાં થી અવિદ્યા-રૂપી વાસનાનો
(કે જે વાસના મન ની સત્તા હેઠળ છે) લય થાય છે ત્યારે,પરમ-કલ્યાણ ની પ્રાપ્તિ થાય છે.
હે,રામ,સત્-અસત્ કે ચૈતન-જડ,એના અનુસંધાન માં જે મધ્ય ભાગ છે તે મન છે.
જડ,વસ્તુના અનુસંધાન થી,હણાયેલું (ઘવાયેલું) મન, (પોતાનામાં ) જડપણા ની વૃદ્ધિ ને લીધે,
અને તે જડપણા ના દૃઢ અભ્યાસને લીધે-જડપણા ને પામે છે.(એટલે અહીં મન=જડ ગણાય છે)
જયારે તે જ મન વિવેકના અનુસંધાનથી,પોતાનામાં રહેલા ચૈતન્યના અંશ ને લીધે,
અને ચૈતન્ય ના દૃઢ અભ્યાસને લીધે ચૈતન્ય-પણાને પામે છે. (એટલે અહીં મન=ચેતન ગણાય છે)
પુરુષાર્થ ના પ્રયત્ન થી,મન જે વસ્તુમાં પડે છે તે વસ્તુ (જડ કે ચૈતન્ય) ને પામે છે.અને
તે જ મન,અભ્યાસ થી તે વસ્તુ-રૂપ (જડ-કે ચૈતન્ય) જ થાય છે.
માટે,ફરીથી,પુરુષાર્થ નો આશ્રય કરીને મન વડે જ મન ને દબાવીને,શોક-રહિત પદ નો આશ્રય કરીને,
તમે કોઈ પણ જાતની “શંકા” નો ત્યાગ કરીને સ્થિર થઈને રહો.
હે,રામ,મન ની ભાવના વડે જ મન ને મગ્ન કરો.એથી જ બળ-પૂર્વક તરી જવાય છે,અને
આ એક જ ઉપાય છે-બીજો કોઈ ઉપાય નથી.
મન નો દૃઢ નિગ્રહ કરવામાં મન જ સમર્થ છે.કારણકે જે પોતે રાજા નથી તે બીજા રાજાને શિક્ષા કેમ કરી શકે?
સંસાર-રૂપી સમુદ્રના વેગમાં,તણાઈ જતાં,તૃષ્ણા-રૂપી મનુષ્યો ના ઝુંડ ને તરવા માટે મન એ જ
વહાણ-રૂપ છે.જે મનુષ્ય મન વડે જ મન-રૂપી પાશ (દોરડાનું બંધન) ને કાપી નાખીને,પોતાના આત્માને
મુક્ત કરતો નથી,તેનો બીજા કોઈ ઉપાય થી મોક્ષ થતો નથી.
સંસારિક વિષય થી યુક્ત,મન-રૂપી જે જે વાસનાનો ઉદય થાય છે,તેનો વિદ્વાનો ત્યાગ કરે છે,
અને જેથી અવિદ્યા (અજ્ઞાન-કે માયા) નો ક્ષય થાય છે.
માટે પ્રથમ,મન ની વાસના નો ક્ષય કરો,પછી ભેદ (સંકલ્પ-વિકલ્પ-વગેરે)ની વાસનાનો અને
ત્યાર પછી,ભાવ-અભાવ ની વાસના નો ત્યાગ કરી,નિર્વિકલ્પ-સુખ ને સંપાદન કરો.
ભાવના-માત્ર નું અભાવ-પણું (ભાવ (આસક્તિ-વગેરે) નું ના થવા-પણું) એ જ વાસના નો ક્ષય છે.
અને તેને જ મન નો કે અવિદ્યા નો નાશ કહે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE