Jul 23, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-228


પરમાત્મા તો એક છે,શાંત છે અને તેમનામાં જન્મ-મરણ (સંસૃતિ) છે જ નહિ.
એ સંસૃતિ તો સંકલ્પ-માત્ર થી સિદ્ધિ પામી છે,અને એથી જ આ સંસાર "સંકલ્પ" થી સિદ્ધ (બનેલો) છે.
અને (કોઈ એવા બીજા) "સંકલ્પ" થી જ તે સંસાર નો નાશ થાય છે.
ભોગ અને આશા ના રૂપ ને પામેલી તે અવિદ્યા,
પુરુષે પોતાના ઉદ્યમથી સિદ્ધ કરેલા, અસંકલ્પ-માત્ર થી (કોઈ પણ કલ્પના-- ના કરવા-પણાથી) લય પામે છે.

“હું બ્રહ્મ નથી”એવો દૃઢ સંકલ્પ કરવાથી બંધન થાય છે અને “સર્વ-બ્રહ્મ-રૂપ છે” તેવા દૃઢ સંકલ્પ થી
મુક્તિ મળે છે.માટે સંકલ્પ ને જીતીને –જેમ ઈચ્છા માં આવે તેમ કરો.

સંસાર-રૂપી,બંધનમાં નાખનારી અવિદ્યા,એ “સંકલ્પ-વિકલ્પ” ની જાળ માત્ર છે,
તે અસત્ય છે છતાં અજ્ઞાની મનુષ્ય તે સત્ય હોય તેવી કલ્પના કરે છે અને તેને દૃઢપણે વળગી રહે છે.
બાકી –હકીકતમાં તો -તે ચપળ અવિદ્યા એ કશું જ સુખ આપનારી નથી.

“હું નિર્બળ છું,હું દુઃખી છું,હું હાથ-પગથી યુક્ત શરીર છું”એવી રીતની ભાવનાના વ્યવહારથી "બંધન" થાય છે.
જયારે,”હું બળવાન છું,હું દુઃખી નથી,મારે દેહ નથી કે મારે બંધન નથી”
એવી રીતની ભાવનાના વ્યવહારથી "મુક્ત" થવાય છે,
”હું દેહથી પર છું” એવો જેને નિશ્ચય થાય છે,તેની અવિદ્યા ક્ષીણ થાય છે-એમ કહેવાય છે.
જેમ,આકાશ ની શ્યામતા (કાળાશ) તે વાસ્તવિક રીતે હોતી નથી –તેમ છતાં,અજ્ઞાની મનુષ્યો તે આકાશમાં
શ્યામતા ની કલ્પના કરે છે,પણ જ્ઞાની મનુષ્યો તેવી (અવિદ્યાની) કલ્પના કરતા નથી.
રામ કહે છે કે-હે,બ્રહ્મન,જે આ આકાશ ની શ્યામતા જોવામાં આવે છે તે શાથી થયેલી છે? તે કહો.
વશિષ્ઠ કહે છે કે-આકાશ શૂન્ય છે,અને તેના શૂન્ય ના ગુણ ની પેઠે,તેમાં રહેલી શ્યામતા વાસ્તવિક રીતે નથી.(શૂન્ય માં કંઈ રહી શકે નહિ ,હોઈ શકે નહિ-કે તેનો કોઈ રંગ પણ હોઈ શકે નહિ)
જયારે મનુષ્ય ની દૃષ્ટિ પહોંચતી નથી,ત્યારે નેત્રમાંથી અંધકાર જ ઉત્પન્ન થાય છે.
અને તે અંધકાર -એ આકાશમાં શ્યામતા-રૂપે દેખાય છે.
આકાશના વર્ણ (શ્યામતા)ની પેઠે,ઉત્પન્ન થયેલા–જગત-રૂપી ભ્રમ નું-સ્મરણ ના કરવું તે જ વધારે સારું છે.
જેવી રીતે, “મારો નાશ થયો છે” એવા સંકલ્પથી થયેલા દુઃખ થી મનુષ્ય નો નાશ થાય છે,
જયારે,“હું જાગ્રત છું” એવા સંકલ્પ થી સુખ ની પ્રાપ્તિ થાય છે,
તેવી રીતે,મૂઢ-પણા ના સંકલ્પ થી મન મૂઢ-પણાને પામે છે,ને જ્ઞાન ના સંકલ્પ થી જ્ઞાન-પણાને પામે છે.
એ જ પ્રમાણે અવિદ્યાનું સ્મરણ કરવાથી તેનો ઉદય થાય છે
પણ તે નાશવંત હોવાથી,તેનું વિસ્મરણ કરવામાં આવે તો તેનો નાશ થાય છે.
તે અવિદ્યા સર્વ “ભાવ” ને ઉત્પન્ન કરનારી છે,અને સર્વ પ્રાણી ને મોહ કરનારી છે
પણ,આત્મ-સ્વરૂપ ની પ્રાપ્તિ થવાથી તેનો નાશ થાય છે.
જેવી રીતે રાજાની આજ્ઞા નો તેના સર્વ કારભારીઓ અંગીકાર (સ્વીકાર) કરે છે,
તેમ મન જેવી ઈચ્છા કરે છે તે પ્રમાણે બીજી સર્વ ઇન્દ્રિયો પ્રવર્તે છે.
એટલા માટે જે મનુષ્ય અંતઃકરણ માં બ્રહ્મ-ભાવના રાખી
પોતાના મનથી –વિષયો માં કોઈ પણ અનુસંધાન કરતાં નથી,તે શાંતિ ને પામે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE