Jul 24, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-229


આ જગત પ્રથમ (ભૂતકાળમાં) નહોતું,ને વર્તમાન કાળમાં પણ નથી,અને જે પ્રતીત થાય છે તે –
નિર્વિકાર બ્રહ્મ જ છે.માટે મનન કરવા યોગ્ય –બ્રહ્મ સિવાય-બીજા કોઈ પદાર્થ જ નથી.
માટે પરમ પુરુષાર્થનો આશ્રય કરીને તમે પરમ બુદ્ધિથી,
ચિત્તમાંથી ભોગ (આસક્તિ) તથા આશા ની ભાવના ને જડ-મૂળ થી ઉખેડી નાખો.

હજારો આશાના પાશ થી,ઉદય પામનાર તથા જરા-મરણ ના કારણ-રૂપ એવો જે “મોહ” થાય છે-
તે માત્ર વાસનાથી જ ઉત્પન્ન થાય છે.
“હું અને મારું.મારું ઘર,મારું ધન,મારી સ્ત્રી,મારા બાળકો”
એ પ્રમાણે ઇન્દ્રજાળ ની રચનાથી "વાસના" જ નાચ્યા કરે છે.

એ વાસના એ જ શૂન્ય શરીરમાં અહંકારથી કલ્પનાઓ કરી છે,
પણ તત્વતઃ “હું,મારું” વગેરે કોઈ પણ "કલ્પના" એ  "સત્ય" નથી,
જેમ,અજ્ઞાન થી દોરીમાં સર્પ ની બુદ્ધિ નો ઉદય થાય છે,ને જ્ઞાન થી તેનો નાશ થાય છે,
તેમ,અજ્ઞાન થી સંસાર નો ઉદય અને જ્ઞાન થી સંસાર નો નાશ થાય છે.
જ્ઞાની ની દ્રષ્ટિએ તો-આકાશ-વગેરે સર્વ બ્રહ્મ-રૂપ જ છે.માટે તમે જ્ઞાની થાઓ.વાસનાનો ત્યાગ કરો.

દેહમાં આત્મ-ભાવ ની ભ્રાંતિ રાખીને તમે અજ્ઞાની ની પેઠે શા માટે રોદણાં રડો છે?
દેહ તો જડ અને મૂંગો છે,તેની સાથે તમારે શો સંબંધ છે? એ દેહમાં પરવશ-પણું રાખીને શા માટે
દુઃખ ને વહોરો છે? લાકડું અને (તેમાંથી નીકળતો) ગુંદર- એ બે જોકે એકબીજાની સાથે છે,
તો પણ એક બીજા ને સંબધ નથી,તેમ દેહ અને દેહધારી –એ બંને જો કે એક દેખાય છે છતાં નથી.
જેમ,ધમણ ને બાળી નાખવાથી તેમાં રહેલા પવન નો નાશ થતો નથી,
તેમ,દેહનો નાશ થવાથી આત્મા નો નાશ થતો નથી.
હે,રામ, હું સુખી છું કે દુઃખી છું-એમ માનવું તે માત્ર એક ભ્રાંતિ જ છે.માટે તેનો ત્યાગ કરો.અને
એક સત્ય વસ્તુ નો આશ્રય લો.
અહો,એ આશ્ચર્ય છે કે-બ્રહ્મ-રૂપી સત્ય વસ્તુને મનુષ્યો ભૂલી ગયા છે,
અને અવિદ્યા-રૂપી અસત્ય વસ્તુને સ્મરણમાં (યાદ) રાખે છે.
માટે હે,રામ,એ અવિદ્યા ને તમે અવકાશ આપો નહિ,કારણકે અવિદ્યા એ ચિત્તને હરાવે છે,અને
આ સંસાર બહુ કષ્ટ થી પાર કરી શકાય-તેવો થઇ પડે છે.
મન ના મનન થી વૃદ્ધિ પામેલી,દુઃખ દેનારી,અને મહામોહ-રૂપી ફળ આપનારી અવિદ્યા વડે,
રૌરવ નર્ક ની પણ કલ્પના થાય છે,અને પછી દાહ-શોષ વગેરે નરક ના અનુભવો પણ થાય છે.
જળ થી ભરેલા તળાવમાં તે ઝાંઝવાના જળ નો અનુભવ કરાવે છે,તે,આકાશમાં નગરનું નિર્માણ કરાવે છે,
તથા સ્વપ્ન-આદિ અવસ્થામાં સુખ-દુઃખ ના અનુભવ કરાવે છે.
સંસારની વાસના જો મનુષ્યના મનમાં પુરાઈ ના રહેતી હોય તો –જાગ્રત તથા સ્વપ્ન અવસ્થામાં –
દુઃખ પેદા થઇ મનુષ્ય ને -તે-શા માટે આપત્તિ માં નાખે?
મિથ્યા જ્ઞાન ની ઉત્પત્તિ થવાથી,સ્વપ્ન-રૂપ આ સંસારની ભૂમિ માં
અનર્થ રૂપ નરક ની યાતના જોવામાં આવે છે.
અવિદ્યામાં પરવશ થવાથી રાજાને પણ ચંડાળ જેવી અયોગ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE