Jul 25, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-230


હે,રામ,સંસારના બંધનરૂપ તેવી એ વાસનાનો ત્યાગ કરો.અને સ્ફટિક જેવા સ્વચ્છ થઈને રહો.
જેમ,સ્ફટિક  વિચિત્ર પ્રતિબિંબ નું ગ્રહણ કરે છે તો પણ તે તેમાં આસકત નથી,
તેમ તમે પણ સર્વ કાર્યમાં રહેવા છતાં,રાગથી વિરક્ત (અનાસક્ત) રહો.
જો,તમે બ્રહ્મ-સ્વરૂપ ને જાણનાર તત્વ-વેતા ના સમાજમાં જશો,
ને,ત્યાં વારંવાર વિચાર કરીને બ્રહ્મ-ભાવ નો દૃઢ નિશ્ચય કરશો,
વળી,તેથી પ્રકાશ પામનારી તથા,નિરંતર સારાં આચરણ વાળી,ઉત્તમ બુદ્ધિ થી તમે વ્યવહાર કરશો,
તો જન્મ-મરણ ના વિભ્રમનો વિનાશ થશે,ને તમે અનુપમ પદ ને પામશો.
(૧૧૫) લવણ-રાજાને પડેલી આપત્તિ નું કારણ
રામ કહે છે કે-અહો,એ આશ્ચર્ય છે કે-કમળમાંથી ઉત્પન્ન થયેલા તંતુ વડે,પર્વત નું બંધન થાય છે.
અવિદ્યા નો અત્યંત અભાવ છે છતાં,સર્વ જગત તેનાથી વશ થઇ ગયું છે !
અવિદ્યા વડે,અસત્ છતાં સત્ ની પેઠે રહેલું,આ સંસારનું દુઃખ એ તૃણ-સમાન છે,છતાં વજ્ર જેવું જણાય છે.
હે,પ્રભુ,સંસાર ના કારણ-ભૂત એવી-તે- માયાનું સ્વરૂપ કેવું છે? તે કૃપા કરીને મને બોધ થાય એ માટે તમે કહો,
વળી,લવણ-રાજાને ચંડાળ-અવસ્થાનું દુઃખ ભોગવવું પડ્યું તેનું કારણ મને કહો.
દેહ અને દેહધારી એ બંને પરસ્પર સાથે જ રહેલા છે,તે બેમાંથી શુભ અંને અશુભ કર્મ-ફળનો ભોક્તા કોણ છે?
વળી,તે, દુઃખદાયી,ચંચળ અને ભારે આપત્તિ આપનાર,ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય કોણ હતો?
વશિષ્ઠ કહે છે કે-જે દેહને લાકડું કે ભીંત ની ઉપમા આપવામાં આવે છે-તે વાસ્તવિક રીતે છે જ નહિ,
પણ સ્વપ્નની પેઠે ચિત્તે તેને કલ્પેલો છે.
જીવ-પણાને પામેલ તે ચંચળ ચિત્તને આ સંસાર નો "આડંબર" જાણવો.
અનેક આકારથી (ચિત્ત-રૂપી) જીવ ને ધારણ કરનાર દેહધારી,કર્મ-ફળ ને ભોગવનારો છે.
અને તે દેહધારીનું,"અહંકાર-મન-કે જીવ" એવું નામ પડે છે.

જેણે, અનેક પ્રકારની,સંજ્ઞા થી કલ્પના કલ્પેલી છે,
તે અજ્ઞાની મન વિચિત્ર વૃત્તિ ને અનુસરી ને વિચિત્ર આકૃતિ-પણા ને પામે છે.
જ્યાં સુધી મન અજ્ઞાની છે ત્યાં સુધી,તે મન નિદ્રા-વાળું ગણાય છે,તેથી તે સ્વપ્નમાં સંભ્રમ જુએ છે
પણ જાગૃત થયા પછી તે સંભ્રમ ને જોતું નથી.
અજ્ઞાન-રૂપી નિંદ્રાથી ક્ષોભ પામેલા જીવને જ્યાં સુધી બોધ થયો નથી,
ત્યાં સુધી તે (જીવ) દુઃખ થી પણ ભેદન ના થાય તેવા સંસારના આરંભ ને (નિંદ્રામાં સ્વપ્ન ની જેમ) જુએ છે,
પણ,જ્ઞાન થી જાગૃત થયેલા મન નો સર્વ અંધકાર લય પામે છે.

"ચિત્ત,અવિદ્યા,મન,જીવ,વાસના તથા કર્માત્મા"-એવા નામથી કહેવાતો,"દેહ-ધારી" એ "દુઃખ નો ભોક્તા" છે.
દેહ તો જડ છે,તે દુઃખ ભોગવવાને યોગ્ય નથી,પણ દેહધારી જ અવિચારથી,દુઃખ ભોગવે છે.
ગાઢ અજ્ઞાન થી અવિચાર થાય છે,અને અજ્ઞાન જ દુઃખ નું કારણ છે.
જીવ,એક “અવિવેક-રૂપી” દોષ થી શુભ-અશુભ એવા વિષય-પણાને પામેલો છે.
અવિવેક-રૂપી રોગ થી બંધાયેલું તથા વિવિધ પ્રકારની વૃત્તિ-વાળું મન -
અનેક પ્રકારના "આકારના વિહાર" વડે,ચક્રની પેઠે ભમ્યા કરે છે.
આ શરીરમાં રહેલું મન,ઉદય પામે છે,રાડો પાડે છે,હિંસા કરે છે,નાચે છે,નિંદા કરે છે,
અને અહીં-તહીં દોડ્યા કરે છે-પણ તેને શરીર કંઈ કરી (રોકી) શકતું નથી,કે કંઈ કરતુ પણ નથી.

જેવી રીતે ઘરનો માલિક,એ ઘરમાં  વિવિધ પ્રકારનાં કામો  કરે છે,પણ તે જડ ઘર કશું કરતુ નથી,
તેવી રીતે દેહમાં રહેલો (ચિત્ત-રૂપી) જીવ જ સંસારમાં ચેષ્ટાઓ કરે છે,જડ દેહ કંઈ કરતો નથી.
સર્વ પ્રકારનાં સુખ દુઃખ અને સર્વ પ્રકારની કલ્પનાઓમાં મન છે- તે મન જ કર્તા છે.અને મન જ ભોક્તા છે.
આ પ્રમાણે માનવ-માત્ર એ મનથી થયેલો છે,એમ તમે સમજો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE