Aug 17, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-253


(૯) શુક્રાચાર્ય નું મરણ
વશિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે પોતાના પિતાની (ભૃગુ-ઋષિ) પાસે રહીને (અપ્સરાનો) વિચાર કરતા
શુક્રાચાર્ય નો ઘણા સંવત્સર નો સમય ચાલ્યો ગયો.ત્યાર પછી,કેટલેક કાળે,પવન અને તાપથી શિથિલ
થયેલો-તેમનો દેહ,મૂળમાંથી કપાઈ ગયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર પડી ગયો.
ત્યારે જેમ, વનમાં જેમ મૃગલો ફર્યા કરે છે તેમ-તેમનું ચંચળ મન સ્વર્ગ-ગમન આદિ અતિ-વિચિત્ર
દશાઓમાં ભમી રહ્યું.પછી તો જાણે ચક્રમાં પરોવેલું હોય,તેમ તેમનું એ આકુળ મન,ભોગની કલ્પનાથી,
ભ્રાંતિ પામીને,જન્મ-મરણ ની પરંપરા પામીને,સમંગા નદીને કાંઠે (ઉપર પ્રમાણે) વિશ્રાંતિ પામ્યું.
આ પ્રમાણે શુક્રાચાર્ય ને “દેહ ની નહિ ”  પણ મનથી જ- સંસૃતિ (જન્મ-મરણ) નો અનુભવ થયો.
તે બુદ્ધિમાન શુક્રાચાર્ય નો મંદરાચળ પર્વત પર (પોતાના પિતા ભૃગુ ઋષિ સાથેનો) જે દેહ હતો,
તેમાં માત્ર ચામડા અને હાડકાં જ બાકી રહ્યાં હતાં.ભૃગુ ઋષિના પુણ્ય પ્રતાપે
(ઉપર મુજબ) પૃથ્વી પર પડી ગયેલા તેમના દેહનું,પક્ષીઓ ભક્ષણ કરી ગયા નહિ.
તેમનું ચિત્ત (રૂપી શરીર) સમંગા નદીને કિનારે તપ કરતું હતું,
ત્યારે તેમનું મૃત -શરીર પવન અને તાપથી રાતું થઇ,તે પર્વત ની મોટી શિલા પર પડ્યું હતું,.
(૧૦) શુક્રાચાર્ય ના મરણથી,ભૃગુ નો કાળ પર ક્રોધ
વશિષ્ઠ કહે છે કે-ત્યાર પછી એક હજાર દિવ્ય વર્ષે -ભૃગુ ઋષિ-પરમાત્મા નો બોધ થાય તેવી
સમાધિમાંથી વિરામ પામ્યા ત્યારે તેમણે પોતાના પુત્રને નહિ જોતાં તેની કાયાનું પિંજર જોયું.
પુત્રના સુકાઈ ગયેલા શબને જોઈને ભૃગુ ઋષિ બીજો કોઈ વિચાર કર્યા વિના ઉભા થયા,અને
એમના મનમાં વિચારવા લાગ્યા કે આ મારો પુત્ર મરી ગયો કે શું?
અને જયારે તેમને ખાતરી થઇ કે-તે ખરેખર મરી  ગયો છે,
ત્યારે “મારા પુત્ર નું અકાળે પેલા “કાળે” (મૃત્યુ-દેવે) મરણ કર્યું છે” એમ વિચારીને તેઓ
ગુસ્સે થઈને કાળ ને શાપ આપવા તત્પર થયા.
તે સમયે-પ્રજાનો સંહાર કરનારો “કાળ” (મૃત્યુ-દેવ) હાજર થયો અને
ક્રોધે ભરાયેલા ભૃગુ-ઋષિને સાંત્વના કરીને કહ્યું કે-
હે,મુનિ, આ “લોક” ને જાણનાર મહાત્માઓ, બીજાઓ ભલે અપરાધ-રૂપ નિમિત્ત હોય
પણ તેથી મોહ પામતા નથી.તો નિમિત્ત વિના તો તેઓ કેવી રીતે મોહ પામે?

તમે અનંત તપ કરનાર બ્રાહ્મણ છો,અને અમે “નિયતિ” નું પાલન કરનાર છીએ.
તમે પૂજ્ય છો એમ માનીને હું તમારી પૂજા કરું છું.પણ તમારા શાપ વગેરેને ભયથી
હું તમારી પૂજા કરું છું એમ તમે સમજશો નહિ.
માટે હે બ્રહ્મ-શ્રેષ્ઠ,મને શાપ દઈને તમે તમારા તપનો નાશ કરો નહિ.
કલ્પ-કાળના મોટા અગ્નિ થી મારો નાશ થયો નથી તો તમે મને શાપ થી કેમ કરીને બાળી શકશો?
મેં,બ્રહ્માંડ ની કેટલીયે  પંક્તિઓ નો નાશ કર્યો છે,અસંખ્ય,રુદ્ર (શંકર) અને વિષ્ણુ નું પણ મેં ભક્ષણ કર્યું છે.
હે,મુનિ અમે કયે સ્થળે સમર્થ થતા નથી? અમે ભોક્તા છીએ અને તમે અને બીજાઓ અમારું ભોજન છે.
આ પ્રમાણે એકબીજાની ઈચ્છા તથા દ્વેષ વિના જ-એકબીજાની સ્વાભાવિક મર્યાદા રહી છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE