Aug 26, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-262



શુક્રાચાર્ય કહે છે કે-
જુઓ,જેનો સંદેહ શાંત થયો છે અને કલ્પના-જાળ વિરામ પામી છે,તેવો આ દેહ વનમાં કેવો શાંતિથી સૂતો છે? ચિત્તની રંજાડ થી ક્ષોભ પામેલું કાયા-રૂપી વૃક્ષ એવી રીતે હાલે છે કે તે મૂળમાંથી ઉખડી જાય છે,
(એટલે કે જીવ ને નીચી યોનિમાં પાડે છે)
પણ ચિત્ત-રૂપી અનર્થ થી મુક્ત થયેલો આ દેહ તો ,જાણે,પરમાનંદમાં રહેલો હોય તેવો દેખાય છે.
આશા ના મૂળ કારણ-રૂપ-મોહ નો નાશ કરવા,અ-ચિત્ત-અવસ્થા આવતી નથી
ત્યાં સુધી પ્રાણીના કલ્યાણનો માર્ગ હું જોતો નથી.
જે પુરુષના મન નો નાશ થયેલો છે,તે શાંત બુદ્ધિ વાળા પુરુષો જ,
બ્રહ્મ ના સાક્ષાત્કાર રૂપી-બુદ્ધિ થી,સુખ ની સીમા ને પામ્યા છે.
સર્વ દુઃખ ની દશાથી મુક્ત થયેલા તથા તાપ વગરના થઈને રહેલા
અને મન થી રહિત થયેલા આ મારા દેહને હું વનમાં જોઉં છું તે સારું થયું.
રામ કહે છે કે-હે ભગવન,જે સમયે શુક્રાચાર્યે પોતાનો પૂર્વ-દેહ દીઠો,તે પહેલા તેમણે વારંવાર,ઘણાં શરીર ભોગવ્યાં હતાં,તો પણ ભૃગુ-ઋષિએ ઉત્પન્ન કરેલા તે દેહ વિષે,તેમને અતિશય મોહ અને ખેદ થયો,
તેનું કારણ શું?
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,ભૃગુ થી ઉત્પન્ન થયેલું,શુક્ર નું શરીર –એ પૂર્વ-જન્મમાં કરેલાં સત્કર્મોનું,
"ફળ ભોગવવા માટેની  ઉગ્ર વાસના"થી થયું હતું.અને એ રીતે  શુક્ર ની "વાસના" જીવ-દશાને પામી હતી.

તે વાસના “ઇદમ-પ્રથમતા” (સંદર્ભ-ઉત્પત્તિ પ્રકરણ-૯૪) ના ક્રમથી,
માયા-સબળ બ્રહ્મ માંથી –આ કલ્પ માં પ્રથમ શરીર-ભાવને પામી.
અને પછી ભૂતાકાશના પદમાંથી પ્રાણવાયુમાં ગઈ,
પછી,તે વૃષ્ટિ દ્વારા,અન્નાદિ-ભાવમાં મળી અને પ્રાણાપાન પ્રવાહથી,ભૃગુ ના હૃદય માં પ્રવેશી.
ત્યાં ક્રમથી વીર્ય-રૂપે થઇને,તે ભૃગુ થી,શુક્રાચાર્ય-રૂપે ઉત્પન્ન થઇ.
તે શુક્રના દેહને તેના પિતા ભૃગુએ બ્રાહ્મ-સંસ્કાર કર્યા હતા,અને કાળે કરીને તે હાડ-પિંજર-રૂપ પામ્યો હતો.
આ પ્રમાણે શુક્રાચાર્ય નો તે  પ્રથમ દેહ હતો,તેથી તે દેહને માટે તેમણે ખેદ કર્યો.
અને સમંગા નદીના  કિનારાવાળો બ્રાહ્મણ દેહ-કે જે પણ રાગ-ઇચ્છાથી રહિત હતો,
તો પણ તે દેહને માટે પણ શુક્રાચાર્યે ખેદ કર્યો.
દેહ નો સ્વભાવ જ એવો છે,
દેહ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય,તો પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી
તે દેહનો એવો ક્રમ  છે કે-આસક્તિ કે અનાસક્તિ થી પણ લોક ની પેઠે વ્યવહાર કરવો.
જેઓ સર્વ ગતિને જાણનારા જ્ઞાની છે કે જેઓ પશુના જેવા અજ્ઞાની છે,
તે-સર્વ લોકો –જાળની પેઠે,આ લોકના વ્યવહારમાં રહેલા છે.
વ્યવહારમાં જેવી રીતે અજ્ઞાની રહે છે,તેવી જ રીતે પંડિત રહે છે.
પણ તે બંને ને  "બંધન કે મોક્ષ" આપવામાં વાસના-માત્ર નો ભેદ છે.
ધીરજવાન પુરુષ પણ અજ્ઞાનીની પેઠે,જ્યાં સુધી પોતાનું શરીર રહે છે,
ત્યાં સુધી દુઃખ ની અવસ્થામાં દુઃખ,અને સુખ ની અવસ્થામાં સુખ બતાવે છે.
પણ તેમાં તેઓ પોતાની બુદ્ધિને આસક્ત રાખતા નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE