Aug 27, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-263


જેમ,પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડેલું હોય તો તેની ચળ-અચળ અવસ્થા થાય છે પણ,
આકાશમાં રહેલા સૂર્ય ની એવી અવસ્થા થતી નથી.તેમ,લોક-વૃત્તિ (વ્યવહાર) માં જ્ઞાની પુરુષ રહે છે.
જેવી રીતે સૂર્ય સ્વસ્થ હોવા છતાં,પ્રતિબિંબમાં અસ્વસ્થ છતાં ચંચળ-પણું બતાવે છે,
તેવી રીતે,આ લોકમાં કર્મનો જેણે ત્યાગ કરેલો છે,તેવો,જ્ઞાની વ્યવહારમાં અજ્ઞાની-પણું બતાવે છે.
આમ,જેની કર્મેન્દ્રિયો વ્યવહારમાં બંધાઈ છે,તો પણ જે બુદ્ધિ-ઇંદ્રિયો થી મુક્ત છે તે મુક્ત જ છે.અને
જે,કર્મેન્દ્રિયો થી મુક્ત થયેલો છે,પણ બુદ્ધિ-ઇન્દ્રિયો થી બંધાયેલો છે,તે બંધાયેલો જ છે.
જેમ,પ્રકાશ માટે તેજ એ કારણભૂત છે,તેમ સુખ-દુઃખ અને બંધન-મોક્ષમાં બુદ્ધિ-ઇન્દ્રિયો જ કારણભૂત છે.
માટે,હે,રામચંદ્રજી,તમે સકળ ઈચ્છાની શાંતિ કરીને,બહારથી લોકને ઈચ્છિત હોય તેવો આચાર કરો,તથા
અંતઃકરણ થી આચારનો ત્યાગ કરીને સમાન-પણે રહો.
તમે કર્મ-ફળ ના સંગ થી મુક્ત રહો,પરમાત્મા માં સ્થિતિ રાખો,અને
મન વડે કર્મ કરો,કારણકે,કર્મ કરવાં એ દેહનો સ્વભાવ છે.
આ સંસારના માર્ગમાં માનસિક તથા શારીરિક દુઃખો રહેલાં છે અને જન્મ-મરણ-રૂપી મોટા ખાડાઓ છે.
તેમાં મમતા-રૂપી અંધારો કુવો છે,તે સંતાપ આપનારો છે માટે તેમાં પડશો નહિ.

તમે સંસારના ભાવમાં નથી અને તમારામાં સંસારના ભાવ નથી-પણ
તમે શુદ્ધ-બુદ્ધ સ્વભાવ-વાળા આત્મા છો.માટે તમે અંતઃકરણથી સ્થિર થઈને રહો.
તમે નિર્મળ,શુદ્ધ બ્રહ્મ-રૂપ,સર્વાત્મા અને સર્વ-કર્તા છો,માટે
"આ અખિલ વિશ્વ શાંત અને અજ છે." એમ વિચાર-પૂર્વક અનુભવ કરીને તમે સુખી થાઓ.

મમતા-રૂપી મોટો અંધકાર મટી જઈ,તમે નિર્મળ તથા પૂર્ણ પદવી,પામીને
જો ચિત્તને શાંત કરવામાં સમર્થ થશો,
તો તેવા અપરિમિત બુદ્ધિવાળા,પરિપૂર્ણ  અને સત્ય બ્રહ્મ-ભૂત એવા તમને અમારા જેવા પણ નમસ્કાર કરશે.
(૧૬) શુક્રાચાર્ય નો પુનઃ પૂર્વ-દેહમાં પ્રવેશ-દૈત્યો નું આચાર્ય પણું અને જીવનમુક્તિ

વસિષ્ઠ કહે છે કે-તે પછી,હે,રામ,કાળે શુક્રાચાર્ય ના એ વચનો નો અનાદર કરીને કહ્યું કે-
(કાળ કહે છે કે) હે,ભૃગુ-ઋષિના પુત્ર,જેમ રાજા નગરીમાં પ્રવેશ કરે છે –તેમ,તમે સમંગા નદીના કાંઠાના
તપસ્વી દેહનો ત્યાગ કરીને,આ દેહમાં પ્રવેશ કરો.આ શુક્ર-દેહ તમને પ્રથમથી જ પ્રાપ્ત થયેલો છે.
અને આ દેહમાં પ્રવેશ કરીને તમારે દૈત્યોનું ગુરૂ-પણું કરવું.અને,
હજાર યુગનાં પરિમાણ વાળો,બ્રહ્માનો દિવસ પરિપૂર્ણ થાય ત્યારે તમારે દેહનો ત્યાગ કરવો.

જેમ,ઉપભોગ કર્યા પછી કરમાઈ ગયેલાં ફૂલોનો ફરીથી અંગીકાર થતો નથી,
તેમ,તમારે પણ પછી ફરી થી દેહ ધારણ કરવો પડશે નહિ.
આ તમારા પૂર્વ-દેહથી તમે જીવન-મુક્તિ પામ્યા છો.તેથી તમે હવે,
દૈત્યોના ગુરૂ થઈને રહો. તમારા બંને નું કલ્યાણ થાઓ.--આમ કહી કાળે ત્યાંથી વિદાય લીધી.
વસિષ્ઠ કહે છે કે-તે પછી “ઈશ્વરેચ્છાથી થતી ભાવિ કર્મગતિ કોઈ થી મટાડી શકાતી નથી”
એવો શુક્રાચાર્યે વિચાર કર્યો અને પછી જેમ,સુંદર લતામાં જેમ વસંત-ઋતુ પ્રવેશ કરે તેમ,
કાળ ના કારણથી સુકાઈ ગયેલા,દેહમાં પ્રવેશ કર્યો.
એટલે તે સમયે સમંગા નદીને કિનારે રહેનાર બ્રાહ્મણ નો દેહ જમીન પર પડી ગયો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE