Aug 7, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-243



હે,રામ,તમે અદ્વિતીય છો,માટે એવી કોઈ બીજી વસ્તુ નથી કે જેને માટે (તમારો) આત્મા ઈચ્છા કરે!!
આ જગતમાં આત્મા વિના સાંભળવાનું,સ્પર્શ કરવાનું,જોવાનું,સ્વાદ લેવાનું તથા સુંઘવાનું કંઈ નથી.

જેમ આકાશમાં શૂન્યતા રહેલી છે-તેવી જ રીતે,સર્વ “શક્તિ”ના ઉત્પત્તિ સ્થાન રૂપ,વ્યાપક અને
રૂપ-રહિત,પરમાત્મામાં આ સર્વ જગતની “સર્વ શક્તિઓ” રહેલી છે.

હે રામ ચિત્તમાંથી જ આ  ત્રિલોકી-રૂપ લલના (વાસના) નો ઉદય થયો છે,
તથા તે સત્વ-રજસ-તમસ ગુણના (ક્રમથી) ભ્રમ ઉત્પન્ન કરનારી છે.
મન ની શાંતિ થયા પછી વાસનાનો ક્ષય થાય છે,
ત્યાર પછી “ક્રિયા-શક્તિ”ના નિવાસ-રૂપ “માયા” નો નાશ થાય છે.
હે,રામ,સંસાર-રૂપી આ એક ઉગ્ર ઘટમાળ (યંત્ર) છે,તેમાં તે યંત્ર ને ચલાવવા માટે વાસના-રૂપી દોરી છે.
તમે તે દોરીને પ્રયત્ન થી કાપી નાખો.
એ વાસના જ્યાં સુધી જાણવામાં આવી નથી,ત્યાં સુધી મહા-મોહ આપનારી છે.
અને તેને જાણ્યા પછી તે અનંત બ્રહ્મ-સુખ આપનારી છે.
કારણકે-તે વાસના પણ બ્રહ્મમાં થી જ ઉત્પન્ન થઇ છે,
અને તે બ્રહ્મની “લીલા-માત્ર” થી,સંસાર નું સુખ ભોગવ્યા પછી,
તે બ્રહ્મ નું સ્મરણ કરીને બ્રહ્મ માં જ લય પામે છે.
તેજમાંથી જેમ પ્રકાશ પેદા થાય છે,
તેમ તે રૂપ રહિત-નિરામય એવા પવિત્ર પદમાંથી સર્વ પ્રાણી ઉત્પન્ન થયેલાં છે.
જેવી રીતે જળમાં તરંગ છે તેવી રીતે બ્રહ્મમાં આ ત્રણે ભુવન રહેલા છે.અને તેમાંથી જ ઉત્પન્ન થયેલાં છે.
એ “બ્રહ્મ” છે તે જ પ્રાણી માત્ર ના “આત્મા” છે.અને તેમનું જ્ઞાન થવાથી જ આખા જગતનું જ્ઞાન થાય છે.
તે બ્રહ્મ જ ત્રણે ભુવનને જાણનાર છે,પણ શાસ્ત્ર ના વ્યવહાર માટે,
તે એક બ્રહ્મનાં જ –ચિત્ત-બ્રહ્મ-આત્મા-એવાં નામ વિદ્વાનો દ્વારા કલ્પાયેલાં છે.
પ્રિય-અપ્રિય વિષયોનો ઇન્દ્રિયો સાથે સંયોગ થાય,ત્યારે તે મિથ્યા છે એવી બુદ્ધિ જેની હોય,
તેને હર્ષ-શોક કે ક્રોધ રહેતા નથી અને જે આવો જીવનમુક્ત નો અનુભવ છે તે જ આત્મા છે.

આકાશની પેઠે અત્યંત સ્વચ્છ ચિદાત્મામાં આ જગત ભિન્ન હોય તેવી રીતે પ્રતિબિંબ પડે છે.
અને તે જગતમાં “બુદ્ધિની પ્રેરણા” થી લોભ-મોહ-વગેરે ભેદ થી તે ભેદો -એ ચિદાત્મા માં રહેલા છે.
માટે જો ભેદ ના હોય કે ભેદ ના રહે તો તે સર્વ પરમાત્મા જ છે.
હે,રામ,તમારે દેહ નથી,તમારી આકૃતિ નિર્વિકલ્પ-ચૈતન્ય-રૂપ છે.
તો પછી,લજ્જા-ભય-ખેદમાંથી તમને,મોહ કેમ ઉત્પન્ન થાય છે?
તમે દેહ નથી,તો પછી લજ્જા-વગેરે કે જે દેહમાંથી ઉતપન્ન થયેલા અને અસત્ છે
તેનાથી -મૂર્ખની જેમ દુર્બુદ્ધિ થઈને  પરાભવ કેમ પામો છો?
તમારો પોતાનો દેહ નાશવંત છે,અને જે અજ્ઞાની છે તેવા મનુષ્યના આત્મા નો પણ નાશ થતો નથી,
તો પછી,જ્ઞાની પુરુષના આત્મા નો તો કેમ નાશ થાય?
સુર્યના આધાર વિનાના માર્ગ માં પણ જે ચિત્તનો જવા-આવવાનો સંચાર થાય છે,એ ચિત્ત છે તે જ પુરુષ છે,
પણ શરીર એ પુરુષ નથી.શરીર હોય કે ના હોય,તો પણ તે શરીરનો નાશ થયા પછી,ચિત્ત-રૂપી પુરુષ,
એ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય,તો પણ તેનો આત્મા નાશ પામતો નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE