Aug 15, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-251


વશિષ્ઠ કહે છે કે-પૂર્વે,મંદરપર્વતના શિખર પર ભૃગુ તથા કાળ નો જે સંવાદ થયો હતો તે તમે સાંભળો.
તે મંદરપર્વતના શિખર પર ભૃગુઋષિએ એક વખત ઘોર તપસ્યા કરવાનો પ્રારંભ કર્યો હતો-
ત્યારે તેમની પાસે તેમના મહા-બુદ્ધિમાન એવા “શુક્ર” (શુક્રાચાર્ય) નામના બાળ-પુત્ર રહ્યા હતા.
તે શુક્ર,પૂર્ણિમા ના ચંદ્ર જેવા કાંતિવાળા અને સૂર્ય સમાન પ્રકાશમાન હતા.
ભૃગુઋષિ તો કેવળ  નિશ્ચળપણે સમાધિમાં જ રહેતા ત્યારે બાળક શુક્રાચાર્ય વનમાં વિવિધ ક્રીડાઓ કરતા હતા.
જેવી રીતે સ્વર્ગ અને પૃથ્વી ની વચ્ચે-વિશ્વામિત્રે નિર્માણ કરેલા સર્ગમાં “ત્રિશંકુ” નામના રાજા રહ્યા છે.
તેવી રીતે,શુક્રાચાર્ય વિદ્યા અને અવિદ્યા ની વચ્ચે મોટી આપત્તિ પામ્યા હતા.

એક વખતે આકાશમાં ચાલી જતી એક અપ્સરા શુક્રાચાર્ય ની દ્રષ્ટિએ આવી.અને તે અપ્સરાને જોઈને
શુક્રાચાર્ય નું મન ક્ષોભ પામ્યું,અને અપ્સરા પણ શુક્રાચાર્ય નું સુંદર મુખ જોઈને કામ-વશ થઇ ગઈ.
અપ્સરા ને જોઈને મોહ પામી ગયેલા શુક્રાચાર્યે પોતાના મનને બોધ આપ્યો,
તો પણ તેમનું ચિત્ત,તે અપ્સરામાં એકાગ્ર  હોવાથી,તે “અપ્સરા-મય”  થયા.
(૬) શુક્રાચાર્ય નું સ્વર્ગ માં જવું અને ત્યાં તેમનું સન્માન
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,ત્યાર પછી તે અપ્સરાનું મન થી ધ્યાન કરતાં કરતાં શુક્રાચાર્યે,
પોતાનાં નેત્રો મીંચીને “મનોરાજ્ય” (મનથી રાજ્ય) કરવાનો પ્રારંભ કર્યો.

“આ મારી પાસે રહેલી અપ્સરા,આકાશમાર્ગે ઇન્દ્રના ભુવનમાં ચાલી જાય છે તેની પાછળ હું પણ દેવો જેમાં
વિહાર કરે છે,તેવા સ્વર્ગ માં આવ્યો છું.ત્યાં જુદા જુદા અસંખ્ય દેવો અને અપ્સરાઓ છે.ગંગા નદીને કિનારે,
વાડીમાં દેવો નાં અત્યંત સુશોભિત મકાનો છે.ઐરાવત હાથી છે.
પુણ્ય ને લીધે,પૃથ્વીમાંથી આકાશમાં તારારૂપે થયેલા મહાન પુણ્યવાન પુરુષો,મનોહર સુવર્ણ જેવા દેહવાળા છે,અને,વિમાન માં બેસનાર છે.ઇન્દ્રના ઉપવનમાં ઇન્દ્ર અને અપ્સરાઓ ક્રીડા કરી રહ્યા છે.
દેવો ની સ્ત્રીઓ (અપ્સરાઓ) ને મનોહર ગીતના શબ્દ અને વીણાના સૂરથી આનંદ આપી તેમને નચાવનારા,નારદ અને તુંબરૂ નામના ગંધર્વો છે. ફળો થી શોભતા કલ્પ-તરુઓ છે,
ત્રૈલોક્ય ને સર્જનાર  જાણે કે બીજા બ્રહ્મા હોય તેમ,ઇન્દ્ર એક આસન પર બેઠા હતા,
ત્યારે હું (શુક્રાચાર્ય) તેમને અભિનંદન કરું  છું.”
(શુક્રાચાર્યે પોતાના મનથી જ સ્વર્ગ માં પહોંચી ઇન્દ્ર ને અભિનંદન કરે છે!!!)
અને આકાશમાં જાણે બીજા શુક્રાચાર્ય હોય,તેમ તેમણે (શુક્રાચાર્યે) ઇન્દ્રને અભિનંદન કર્યું.
ત્યાર પછી ઇન્દ્રદેવે આદરથી ઉભા થઈને શુક્રાચાર્ય ની પૂજા કરીને પોતાની પાસે આસન પર બેસાડ્યા.
અને કહ્યું કે-હે,શુક્રાચાર્ય,તમારા આગમનથી સ્વર્ગ-લોક ને ધન્ય છે.માટે,હે,નાથ તમે ઘણા કાળ સુધી
અહીં નિવાસ કરો.બીજા  સઘળા દેવતાઓએ પણ શુક્રાચાર્યને અભિનંદન કર્યું તેથી શુક્રાચાર્ય ઘણો
સંતોષ પામ્યા અને પછી તો તે ઇન્દ્ર-દેવતાના અતિ-પ્રિય પાત્ર થઇ પડ્યા.
(૭) શુક્રાચાર્ય અને અપ્સરાનો અનુરાગ

વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ પ્રમાણે શુક્રાચાર્ય પોતાના તેજ થી (મન અને કલ્પના વડે) મરણના દુઃખનો
અનુભવ કરાયા વિના જ સ્વર્ગ-લોકમાં આવ્યા અને તેમને પોતાના પૂર્વ ભાવનું વિસ્મરણ થઈ ગયું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE