More Labels

Sep 19, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-286


"શરીર-રૂપી-માળા"માં રહેનારા,"વિષયો-રૂપી-માંસ" ની લાલચવાળા-અને-"કાર્ય-અકાર્ય-રૂપી-ઉગ્ર-પાંખોવાળા" એવા તે "ઇન્દ્રિયો-રૂપી-ગીધપક્ષીઓ" બહુ ઉત્પાત કર્યા કરે છે.
એ "ઇન્દ્રિયો-રૂપી-નીચ-ગીધપક્ષીઓ" ને જે પુરુષ "વિવેક-રૂપી-જાળ" થી પકડી લે છે-તેનાં "શાંતિ-વગેરે-અંગો" ને તે ગીધો ફાડી શકતાં નથી.(એટલે કે ઇન્દ્રિયોને વિવેક થી વશ કરવાથી શાંતિ મળે છે)

ઇન્દ્રિયો એ નાંખેલા "લાલચો-રૂપ-પાશો" (દોરડાં ની જાળ) વિવેકી ને બાંધી શકતા નથી.
ઉપર-ટપકે જોતાં વિષયો સારા લાગે છે,પણ તે વિષયો તેના પરિણામ માં અત્યંત ખરાબ છે.
જે પુરુષ તે વિષયોમાં રમે છે,તે પુરુષ તે ઇન્દ્રિયોના પાશ થી બંધાઈ જાય છે.પણ,
જે પુરુષ,આ "દુષ્ટ-દેહ-રૂપી-નગરી" માં "વિવેક-રૂપી-ધન" નો સંચય રાખે છે,તે પુરુષ કદી પરતંત્ર થતો નથી,તેથી તે, અંદર રહેનારા ઇન્દ્રિયો-રૂપી શત્રુઓથી પરાભવ પામતો નથી.અને સુખ-શાંતિ થી રહે છે.

જેના ચિત્તનો "ગર્વ" ક્ષીણ થયો હોય છે,અને જેણે ઇન્દ્રિયો-રૂપી શત્રુઓને પકડીને વશ કર્યા છે,
તે પુરુષના "શુદ્ધ-વિચારો" વધતા જાય છે અને તેની "ભોગ-વાસના" ક્ષીણ થઇ જાય છે.
જ્યાં સુધી,બ્રહ્મ-તત્વના દૃઢ અભ્યાસથી,મન જીતાયું ના હોય,ત્યાં સુધી "વાસનાઓ-રૂપી-પિશાચણી" ઓ,
અજ્ઞાનરૂપી-અંધકારથી ભરેલ "હૃદય-રૂપી-રાત્રિ" માં નાચ્યા કરે છે.

જ્ઞાનીને (વિવેકીને) પોતાના શરીર-રૂપી નગરી નું રાજ્ય ચલાવવામાં-
--શુદ્ધ થયેલું મન જ "મંત્રી" વગેરે નું કામ (સારાં કાર્યો ગોઠવી આપવાં-વગેરે) કરે છે.
--તે "મન" જ ઇન્દ્રિયો-રૂપી શત્રુઓને દબાવવામાં "સેનાપતિ" નું કામ કરે છે.
--તે "મન" ને રાજી કરવાથી,"સ્નેહ-વાળી-સ્ત્રી" નું કામ કરે છે.
--તે મન ધારેલું કામ કરી આપે છે-એટલે તે "નોકર" નું કામ કરે છે.
--તે મન શરીર નું પાલન કરીને "પિતા" નું કાર્ય કરે છે.
--તે મન વિશ્વાસ ને પાત્ર હોવાથી "મિત્ર" નું કામ કરે છે.

જેમ,પૂજ્ય-બુદ્ધિ થી જોયેલો અને પ્રેમ-બુદ્ધિ થી હિતેચ્છુ એવો "પિતા" પોતે મરણ પામીને,પુત્રને ધન આપે છે,તેમ,બ્રહ્મ-બુદ્ધિ થી જોયેલો,વિવેક-બુદ્ધિ થી હિતકારી બનેલો "મન-રૂપી-પિતા" પોતે નષ્ટ થઈને,
જ્ઞાની ને મુક્તિ-રૂપ-પરમ-સિદ્ધિ આપે છે.
હે,રામ,મન-રૂપી-મણિ વાસના-રૂપી-કાદવ થી ખરડાયેલો છે.તેને વિવેક-રૂપી-જળ થી ધોઈને,
આત્મ-દર્શન માં તેના અજવાળાની સહાયતા લો.

તે મન-રૂપી-મંત્રી,શુભ કાર્યોમાં પ્રવૃત્ત થયેલા જ્ઞાની-રૂપી રાજાને એવાં કાર્યો કરવાની  ની સહાયતા આપે છે-
કે જે કાર્યો થી,જન્મ-મરણ-રૂપી વૃક્ષો કપાઈ જાય છે.અને તેના પરિણામે "બ્રહ્માનંદ" નો આવિર્ભાવ થાય છે.
ઘણાઘણા ઉત્પાતો થી,ભરેલી "સંસાર-સંબંધી-ભયંકર-ભૂમિકાઓ" માં "વિવેક રહિત" થઈને રહેતો,અને
પામર વાસનાઓને વશ થયેલો પામર મનુષ્ય જેમ તે "ભૂમિકાઓ"માં પડે છે -તેમ તમે પડશો નહિ.

ઉદય પામેલી આ "સંસાર-રૂપ-માયા" સેંકડો અનર્થો થી ભરપૂર છે,અને "મોહ-રૂપ-ઝાકળ"  વરસાવનારી છે.
"એ (માયા) મને શું કરનારી છે?" એમ વિચારીને (અહમથી) તેની ઉપેક્ષા કરશો નહિ.
પણ જે રીતે પણ તે "માયા" નું વિસર્જન થાય તેમ જ તમે કરો.
પરમ "વિવેક" નો આશ્રય કરીને,બુદ્ધિ થી સત્ય-તત્વ નો નિશ્ચય કરીને અને
ઇન્દ્રિયો-રૂપી-શત્રુઓને સારી પેઠે જીતીને-તમે સંસાર-રૂપી સમુદ્રને તરી જાઓ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE