Oct 2, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-299



બ્રહ્મ છિદ્ર રહિત છે,કૂટસ્થ અને નિત્ય છે.તેમાં હજારો ટાંકણાઓથી પણ છિદ્ર-રૂપ આકાશ ઉત્પન્ન કરવું અશકય છે.અચંચળ એવા તે મહા-ચૈતન્ય માં જે "માયા-રૂપ-કલ્પિત-ઉપાધિ" વાળો અંશ છે,
તે આ "જગત-રૂપે" જણાતા ચમત્કાર ને ઉત્પન્ન કરે છે.અને તે જ આ જગત-રૂપે જણાય છે.
મહા-ચૈતન્યમાં આ "માયા-રૂપ-ઉપાધિ" અંશની કલ્પનાથી તે મહા-ચૈતન્યમાં ભેદ થાય છે તેમ સમજવું નહિ.

જેટલા જેટલા બ્રહ્માંડના અનુભવો છે,તે સઘળા,"મહા-ચૈતન્ય-રૂપી-સૂર્ય" ના "કિરણો ના સમૂહ" જેવા છે.
કિરણોના સમૂહ અને કિરણો-વાળા (કિરણો ઉત્પન્ન કરવા-વાળા) ની વચ્ચે શું ભેદ હોઈ શકે?
આ પ્રમાણે છે એટલે-"મહા-ચૈતન્ય-રૂપી-સૂર્ય" "નિર્વિકલ્પ" (વિકલ્પ વગરનો) જ છે એમ કહેવું યોગ્ય જ છે.
વિચાર કરવા થી (એ સમજાશે કે) એ "મહા-ચૈતન્ય"  (પરમાત્મા) નો જે સાક્ષાત્કાર  થાય છે-તે-જગત-રૂપ-અનુભવ નો "અસ્ત" છે.અને,સાક્ષાત્કાર નો જે અભાવ છે,તે -જગત-રૂપ-અનુભવ નો ઉદય છે.(ચૈતન્ય ના અભાવ થી જગત દેખાય છે)

જે "અહંકાર" છે તેનું ખરું સ્વરૂપ જાણવામાં આવ્યું ના હોય ત્યાં સુધી,તે "અહંકાર" ચૈતન્ય-માં મેલ-રૂપ છે,પણ,
જો તે અહંકારના ખરા સ્વરૂપ ને જાણવામાં આવે તો તે પરમાત્મા (મોક્ષ કે ચૈતન્ય) રૂપ જ થઇ જાય છે.
"અહંકાર એ શું છે?" એવો વિચાર કરવામાં આવે તો-તે અહંકાર-વગેરે સર્વ ટળી જઈને -
એક માત્ર ચૈતન્ય જ અવશેષ (બાકી) રહે છે.
જેમ, પ્રૌઢ (પુખ્ત) બુદ્ધિવાળા મનુષ્યને "આ પિશાચ નથી" એવો બોધ (એક વાર) આપવાથી,તેમને અપિશાચમાં
થયેલી પિશાચ ની ભ્રાંતિ ટળી જાય છે,પણ થોડી સમજણ વાળા બાળકોને "આ પિશાચ નથી" તેવુ ભલે સેંકડો વાર કહેવામાં આવે તો પણ તેમનો સંશય એમનો એમ જ રહે છે,
તેમ,અહંકારથી રહિત થયેલાઓને બ્રહ્મ માં થયેલી ભ્રાંતિ જગતની ભ્રાંતિ (વિચારથી) ટળી જાય છે.પણ,
અહંકાર-વાળાઓને "આ જગત નથી પણ બ્રહ્મ છે" એમ સેંકડોવાર કહેવા છતાં સંશય જ રહે છે.

"હું-પણું" (અહંકાર) ધોવાઈ જાય (ટળી જાય) તો પછી તે અહંકાર (હું-પણા) ને લીધે, કલ્પાયેલાં,
સ્વર્ગ-નર્ક-મોક્ષ-બંધન વગેરે તો ક્યાંથી રહે? (એ બધાની તૃષ્ણા રહેતી જ નથી)
જ્યાં સુધી હૃદયમાં "હું પણું" છે ત્યાં સુધી તૃષ્ણા પ્રફુલ્લિત થયા જ કરે છે.
નિત્ય એવા "ચૈતન્ય" ને દબાવીને "અહંકાર-રૂપી-મેઘ" જ્યાં સુધી રહ્યો હોય ત્યાં સુધી "અજ્ઞાન-રૂપી-અંધકાર"
રહ્યા જ કરે છે.અને કદી પણ પ્રકાશ (જ્ઞાન) થતો નથી.

આ "અહંકાર" મુદ્દલે (સત્યમાં) છે જ નહિ,અને જીવે પોતે જ મિથ્યા કલ્પી લીધેલ છે.અને તે જીવ ના દુઃખ માટે જ છે,હર્ષ (સુખ) ને માટે નહિ.આ મિથ્યા કલ્પાયેલા "અહંકાર" થી કાચી બુદ્ધિ-વાળાઓને "મોહ" થાય છે.
(જેવી રીતે દામ-વગેરે દૈત્યો ને થયો હતો-તેવી રીતે)
"આ દેહ એ હું છું" એવા ભારે "મોહ" થી,અધિક બીજું કોઈ "અનર્થભૂત-અજ્ઞાન" સંસારમાં થયું નથી અને થશે નહિ.

"અહંકાર-રૂપી-અંકુર" ને "વિચાર-વાળા-મન-રૂપી-હળ" થી ઉખેડી નાખવામાં આવે તો-
સંસારનો નાશ કરનારું એવું "જ્ઞાન-રૂપી-ધાન્ય" કોઈ પણ રીતે ના છેદાતાં,
હજારો શાખાઓથી વૃદ્ધિ પામીને ફળદાયી થાય છે.જે "અહંકાર" છે તે જ "અનંત-જન્મો-રૂપી-વૃક્ષોનો કાંટો" છે.
"આ મારું-આ મારું" એવા પ્રકાર ની "મમતા"ઓ રૂપ હજારો શાખાઓ ફેલાયેલી છે.
અને  "મારા" માં રહેલી વાસના જરાક પ્રત્યાઘાત થી તૂટી જાય તેવી છે,માટે,તેને

"વિચાર-રૂપી-પ્રત્યાઘાત" (ઠોકર) આપવો  જોઈએ.પણ,જે અધમ મનુષ્ય ને આ "અહંકાર-રૂપી-પિશાચ" વળગ્યો છે-તેને મનુષ્યના વળગાડ ને મટાડવા માટે કોઈ શાસ્ત્રો કે મંત્રો સમર્થ નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE