Oct 13, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-310



હે,રામ,બ્રહ્મની સ્થિતિ આ પ્રમાણે છે,બીજા કોઈ પ્રકારની નથી,છતાં તમારા સમજવામાં બ્રહ્મની બીજી કોઈ સ્થિતિ હોય,તો ભલે તમે સુખી છતાં પણ દુઃખી થાઓ.અને તમે કામ-ક્રોધ-વગેરે દ્વંદ્વો થી રહિત હોવા છતાં કર્તા થાઓ,
તો હાથે કરીને પોતાની ભૂલ થી જ દુઃખી થશો તો તેનો કોઈ ઈલાજ નથી.
હે,રામ, હું બીજું પણ કહું છું તે તમે સાંભળો.

તમે પોતાનામાં કર્તા-પણા ના અભિનિવેશ થી વારંવાર ઘણા પ્રકારના કર્મો કરશો,તો,પણ,વિષયો થી,
આ શરીરના પંચમહાભૂતો ને પુષ્ટ કરવા સિવાય તમને બીજું કયું (સ્વ-રૂપ નું જ્ઞાનનું) ફળ મળવાનું છે?
તમે શાસ્ત્ર અને સત્સંગ વાળા છો,તેથી તમને "અકર્તા-પણા" માં જ વિશ્વાસ બેસે તો વધુ સારું.
તમે પોતાના અકર્તા-પણાના પર વિશ્વાસ રાખી,વાયુ-વગરના સમુદ્ર પેઠે નિશ્ચળ-સ્વચ્છ-સ્વસ્થ  થાઓ.

"આ સંસારમાં પૂર્ણ-પણું પ્રાપ્ત કરાવે એવું સાધન ઘણા યત્નથી અને દિશાઓ ના છેડાઓ સુધી ભમીને,
ખોળતાં પણ મળે તેમ નથી-પણ માત્ર -પોતાના -વિચાર- થી જ મળે છે"
આવો નિશ્ચય રાખીને,તમે મનથી બાહ્ય-પદાર્થો ના સમુહમાં (જગતમાં) દોડો નહિ,પણ તમે તમારા
"સ્વ-રૂપ" ના જ વિચારો કરો.તમે દેહ-રૂપ (રામ) નથી પણ વાસ્તવિક રીતે ચિદાનંદ-સ્વરૂપ જ છો.

(૩૮) જ્ઞાની ને કર્તા-પણું,ભોક્તા-પણું,બંધન કે મોક્ષ નથી

વસિષ્ઠ કહે છે કે-હે,રામ, આ પ્રમાણે છે,એટલા માટે તત્વવેત્તા પુરુષો નું જે 'કર્તા-પણું'
(સુખ-દુઃખ દેનારા કર્મો-સમાધિ-વગેરે ક્રિયાઓનું કરવા-પણું) જોવામાં આવે છે તે મુદ્દલે છે જ નહિ (સાચું નથી)
પણ મૂર્ખ લોકોનું કર્મ માં જે 'કર્તા-પણું' જોવામાં આવે છે -તે છે-જ (તે સાચું છે જ) કારણકે-
"અમુક પદાર્થ લેવા યોગ્ય છે" એવી "ઈચ્છા-રૂપ-વાસના" નામનો 'મન ની વૃત્તિ નો જે નિશ્ચય' છે-
તે જ 'કર્તા-પણું' કહેવાય છે.

મનની એવા પ્રકારની (વાસનાની) ચેષ્ટાને લીધે જ તેવા પ્રકારનું (વાસના પ્રમાણે નું) ફળ ભોગવવું પડે છે.
પુરુષ પોતાની વાસના પ્રમાણે ક્રિયા કરે છે,અને ક્રિયા કર્યા પ્રમાણે નું ફળ ભોગવે છે,
માટે જો વાસનાથી ક્રિયા (કર્મ) કરવામાં આવે છે તો-જ-'કર્તા-પણું' થાય છે.
અને 'કર્તા-પણું' હોય તો જ 'ભોક્તા-પણું' થાય છે-તેવો સિદ્ધાંત છે.

કહ્યું છે કે-'પુરુષ શરીરથી ક્રિયા કરતો હોય કે ના કરતો હોય,તો પણ મનમાં જે વાસના હોય તે પ્રમાણે
સ્વર્ગ-નર્ક નું ફળ ભોગવવું પડે છે.'
આમ હોવાથી જેમણે 'આત્મ-તત્વ' ને જાણ્યું નથી,એવા પુરુષો ક્રિયા કરતા હોય કે ના હોય,તો પણ,
તેઓ વાસના-વાળા હોવાને લીધે,તેમને 'કર્તા-પણું' છે.
જયારે તત્વવેત્તાઓ વાસના વગરના હોવાથી તેમને 'કર્તા-પણું' નથી.

જેણે,'તત્વ' (આત્મ-તત્વ) ને જાણ્યું હોય તેવા પુરુષની  વાસના શિથીલ થઇ ગયેલી હોય છે,એટલા માટે,
તે પુરુષ ક્રિયા કરતો હોય તો પણ,તે ક્રિયાના "ફળ નું અનુસંધાન" (ફળનો વિચાર) કરતો નથી.
તત્વવેત્તા પુરુષો તો 'આસક્તિ-વગરની-બુદ્ધિ-વાળા' હોવાને લીધે,કેવળ શરીરનું ચલન માત્ર (ક્રિયા) કરે છે.
અને તેમ કરતાં કદાચ તે ચલન-રૂપ-કર્મનું ફળ થાય તો પણ 'આ સઘળું આત્મા જ છે' એમ સમજીને
તેનો અનુભવ કરે છે,માટે તેવો પુરુષ ક્રિયા કરતો હોય તેમ છતાં 'અકર્તા' છે.
અને આસક્તિવાળો અજ્ઞાની પુરુષ,તો ક્રિયા ના કરતો હોય તો પણ મનમાં વાસનાને લીધે 'કર્તા' જ છે.

મન જે કામ કરે તે જ કર્યું કહેવાય,અને મન જે કામ ના કરે તે ના કર્યું કહેવાય,એટલે મન જ કર્તા છે,દેહ નહિ.
સંસાર ચિત્ત (મન) થી જ આવેલો છે,તે ચિત્તમય અને ચિત્તમાત્ર અને ચિત્તમાં જ રહ્યો છે.
એવા 'જ્ઞાન' થી (એ જાણીને),તત્વવેત્તા પુરુષના 'વિષયો અને વાસના' વગેરે  સર્વ શાંત થયેલા છે.
અને એટલા માટે જ તે તત્વવેત્તા પોતે-એકલો જ છે.(વાસના ના સંબંધવાળો નથી)
તેમનું મન પરમ-શાંતિને પામીને બ્રહ્મ માં જ લીન થઇ જાય છે.અને તેઓ બ્રહ્મ-પણાથી જ રહે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE