Oct 19, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-316



આમ,સૃષ્ટિ બનવાના આરંભમાં (શરૂઆતમાં)
--ચૈતન્ય (બ્રહ્મ)-એ સ્વયં-પ્રકાશ હોવા છતાં પણ 'શૂન્ય' જેવું પ્રતીત થાય છે.
  (શૂન્ય જેવું અનુભવમાં આવે છે) કે જેને  'આકાશ' કહેવાય છે.
--'મન-રૂપ-ચૈતન્ય' (મન બનેલું તે ચૈતન્ય) પોતાની અંદર જ પોતે જ બનાવેલા એ આકાશમાં
  'બ્રહ્મા' નો સંકલ્પ કરીને પોતાને જ 'બ્રહ્મા' થયેલું દેખે છે.અને
--તે 'બ્રહ્મા' -એ પ્રજાપતિઓ (દક્ષ-વગેરે) સહિત 'જગત' ની કલ્પના કરે છે.
  (નોંધ-અહીં બ્રહ્મ (ચૈતન્ય) અને બ્રહ્મા નો ભેદ સમજવો જરૂરી છે)

હે,રામ,ચૌદ લોકમાં રહેનારા અનેક પ્રાણીઓના કોલાહલ થી ઘૂઘવતી આ 'સૃષ્ટિ' એ મન ની જ બનાવેલી છે,
મન-રૂપ જ છે અને તે સૃષ્ટિ પોતાની સત્તાથી રહિત છે.
આ સૃષ્ટિ એ સંકલ્પ થી ઉઠેલી નગરી જેવી છે,ભ્રાંતિ-માત્ર છે,
અને અધિષ્ઠાન થી જરા પણ છૂટી પાડી શકાય  તેમ નથી

સૃષ્ટિ બનવાના આ પ્રપંચમાં
--પ્રાણીઓ ની કેટલીક જાતિઓ મોટા મોહમાં પડેલી છે,
--કેટલીક જાતિઓને જ્ઞાન પ્રાપ્ત થયું છે, તો
--કેટલીક પ્રાણીઓની જાતિઓ મોક્ષ ને માટે યત્ન કરવા છતાં પણ વૈરાગ્યની દૃઢતા નહિ હોવાને લીધે,
 વારંવાર વચમાં જ ભ્રષ્ટ થઇ જાય છે,

પૃથ્વીમાં રહેનારી પ્રાણીઓની જાતિઓમાં જે 'મનુષ્ય-જાતિ' છે તે 'બ્રહ્મ-વિદ્યા' ના ઉપદેશનું પાત્ર છે-
કારણકે-એ મનુષ્ય-જાતિ ઘણી ચિંતા-વાળી છે,દુઃખોથી ઘેરાયેલી છે.
મોહ-દ્વેષ-ભય થી છુટકારાની આતુરતા ને લીધે,તે મનુષ્ય-જાતિમાં 'વૈરાગ્ય' થવાનો સંભવ છે.
પણ તે જાતિઓમાં 'તમોગુણ' વાળાં મનુષ્યો -અત્યંત આસકત હોવાથી તો વૈરાગ્ય ના ઉપદેશને પાત્ર જ નથી.

એટલા માટે તેમના (તે તમોગુણ વાળા મનુષ્યો ને વૈરાગ્ય નો બોધ આપવાના) નિરૂપણને છોડી દઈને,
સત્વગુણ અને રજોગુણ વાળાં મનુષ્યોને બોધ આપવાનું આગળ (પછીથી)  હું નિરૂપણ કરીશ.

વળી જે પર-બ્રહ્મ આદિથી અંત થી તથા ભ્રાંતિ થી રહિત છે,સર્વ-વ્યાપક અને નિર્દોષ હોવા છતાં,
તે જે રીતે 'જીવ-રૂપ' થયું છે તેનું નિરૂપણ પણ આગળ (પછી થી) કરીશ.
આ ઉપરાંત,તે અવિચળ સ્વ-રૂપ-વાળા પરમાત્માના 'એક પ્રદેશ'માં 'જીવ-રૂપે-ચંચળતા' થઈને
તે શી રીતે ઘાટી થાય છે,તે પણ હું આગળ ના પ્રકરણ માં (પછીથી) કહીશ.

રામ પૂછે છે કે-પરમાત્મા અખંડ અને પૂર્ણ છે,તો તેમાં 'પ્રદેશ' નું હોવા-પણું સંભવે જ કેમ?
એ પરમાત્મામાં વિકારનો સંભવ અને બીજા પદાર્થ નું સંક્રમણ ઘટે જ કેમ?

વસિષ્ઠ કહે છે કે-જીવની અને બ્રહ્મ ની એકતા વાસ્તવિક છે.
તે વિષયમાં શિષ્યો ની બુદ્ધિને વ્યુત્પન્ન (સમજાવવા) કરવા માટે
એ પરમાત્મા ના  'એક પ્રદેશ'  માં ચલન થવા -વગેરે ને 'વ્યવહાર' શાસ્ત્રમાં 'કલ્પેલો' છે.
એટલે વાસ્તવિક રીતે તેમાં કશો વિરોધ હોઈ (કે થઇ) શકે જ નહિ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE