Nov 6, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-334



કોઈ સમયે,શુદ્ધ પરમાત્મા માં મન નો રંગ લાગવાથી --
"સુવર્ણ-મય જેવું અને જેની અંદર બ્રહ્મા હોય છે-એવું"  ઈંડું પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે,
કોઈ સમયે,માયાથી કલ્પાયેલો પુરુષ,માયાથી કલ્પાયેલા પાણીમાં પોતાનું વીર્ય નાખે છે અને તે વીર્ય થી પાણીમાંથી કમળ અથવા મોટું બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે,
કોઈ સમયે,પૂર્વ-કલ્પ નો વરુણ આ કલ્પ-માં બ્રહ્મા થાય છે,કોઈ સમયે પૂર્વ-કલ્પ નો વાયુ આ કલ્પ-માં બ્રહ્મા થાય છે.

હે,રામ,આ પ્રમાણે,આ વિચિત્ર પ્રકારની અનેક સૃષ્ટિઓમાં બ્રહ્મા ની ઘણીઘણી વિચિત્ર ઉત્પત્તિઓ થઇ ગઈ છે.બાકી,સત્યમાં (પરમ-અર્થમાં) એ સૃષ્ટિઓ અસત્ જ છે.
આ સઘળી સૃષ્ટિ કેવી છે? તો તેના ઉદાહરણ માટે મેં તમારી પાસે,બ્રહ્મા ની "ઉત્પત્તિ" કહી -
તેમાં કોઈ નિયમ નથી.અને આ જ પ્રમાણે સઘળી સૃષ્ટિઓ ની "સ્થિતિ" વિષે સમજી લેવું.

"આ જે સંસાર છે-તે મન નો જ વિલાસ છે" એમ તમને સમજાવવા માટે મેં તમને સૃષ્ટિ થવાની પદ્ધતિ કહી.
વળી,જીવોની સાત્વિક-આદિ  જે જાતિઓ છે,તેઓ પણ આ જ રીતે થયેલી છે,
એમ સમજાવવા માટે પણ,તમને સૃષ્ટિ થવાની આ પદ્ધતિ કહી.
વારંવાર સૃષ્ટિ થયા કરે છે,વારંવાર તે સૃષ્ટિનો નાશ થયા કરે છે,વારંવાર સુખ-દુઃખ,
જ્ઞાનીઓ-અજ્ઞાનીઓ થયા કરે છે.અને વારંવાર બંધન-મોક્ષ ની કલ્પનાઓ થયા કરે છે.
વળી,વારંવાર સૃષ્ટિ સંબંધી,ભૂત-ભવિષ્ય-વર્તમાનના પદાર્થોમાં સ્નેહ દ્રષ્ટિઓ થાય છે.

જેમ,પ્રકાશ કરનારા દીવાઓ વારંવાર  ઠરી જાય છે અને વારંવાર પ્રગટ થાય છે,
તેમ,બ્રહ્માદિક ના શરીરો વારંવાર મટી જાય છે અને વારંવાર પ્રગટ થાય છે.
અને આમ થવામાં "કાળ" (સમય) ની અધિકતા જ કારણ-રૂપ છે.

ફરીફરી સતયુગ થાય છે,ત્રેતાયુગ થાય છે,દ્વાપરયુગ થાય છે અને કળિયુગ થાય છે.
એક ચક્ર ની પેઠે જગત વારંવાર આવર્તન પામ્યા જ કરે છે.
જેમ દરેક પ્રાતઃકાળે ફરી દિવસ થાય છે
તેમ,પ્રત્યેક સૃષ્ટિમાં મન્વન્તરોનો આરંભ થાય છે,અને કલ્પો ની પરંપરાઓ થાય છે.
કાળ (સમય)ના દિવસ-રાત્રિ-કલાકો અને મિનીટો (પહોર અને ઘડી) વગેરે ના સપાટામાં આવતું જતું,આ સઘળું જગત વારંવાર થાય છે, અને છતાં કંઈ પણ વારંવાર થતું નથી.

હે,રામ,જ્ઞાનીની દૃષ્ટિ થી,આ સઘળું જગત બ્રહ્મ જ છે.એટલા માટે 'સંસાર છે જ નહિ' એમ કહેવાય છે.
અજ્ઞાનીની દૃષ્ટિ થી આ સંસારનો  કદી અંત થતો નથી,એટલે સંસાર સર્વદા છે એમ (ખોટું) પણ કહેવાય છે.
મીમાંસક લોકો "આ જગત કદી પણ "આવું" હોય એમ થતું નથી" એમ કહીને તેને "નિત્ય-પ્રવાહ-રૂપ" માને છે,-જેને પણ ખોટું કહેવાય તેમ નથી.

"જગતના સર્વ પદાર્થો વીજળીની પેઠે ક્ષણે-ક્ષણે નાશ પામવાના સ્વભાવ-વાળા છે"
એટલે "આ જગત એ ક્ષણિક છે" એમ બૌદ્ધ-લોકોનું કહેવું પણ ખોટું કહી શકાય તેમ નથી.
"ચંદ્ર-સૂર્ય આદિના પ્રકાશવાળી સઘળી દિશાઓમાં પર્વતો-પૃથ્વી-સમુદ્રો-વગેરે સ્થિર જોવામાં આવે છે"
એટલા માટે "આ જગત પોતાની જુદી સત્તા-વાળું છે" એમ સાંખ્ય-લોકો નું માનવું પણ સાચા જેવું છે.

પરમ-વ્યાપક એવા પર-બ્રહ્મની અંદર તે તે (ઉપર બતાવેલ) વાદીઓ એ (મન ના) સંકલ્પો ની જાળથી કલ્પનાઓ કરેલી છે,અને તે જુદાજુદા પ્રકારોમાં (કલ્પનાથી) ના સંભવે તેવો એકેય પ્રકાર નથી.
પરંતુ એટલું છે કે-અસંગ અને અદ્વિતીય બ્રહ્મમાં સંકલ્પો ની જાળ  ઉઠવી એ અસંભવિત જ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE