Nov 17, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-345

(૫૬) જગત ની સત્તા-અસત્તા,તથા ચૈતન્ય નું કર્તુત્વ અને અકર્તુત્વ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,જો આ જગત છે જ નહિ-તો તમારે બંધન જ નથી.એટલે તમે કેવળ સ્વચ્છ અને વ્યાપક "આત્મ-તત્વ" જ છો,માટે તમારે બીજા પદાર્થ માં અહંતા-મમતા ને અવકાશ રહેતો જ નથી.આ જગત કોઈએ કરેલું હોય અથવા કોઈએ ના કરેલું હોય,કે પછી 
તે જગત,ભલેને આત્મા ના સામીપ્ય-માત્રને લીધે દૃશ્યમાન (દેખાતું) 
થયું હોય,તો પણ તમારે તેમાં અહંતા-મમતા કરવી યોગ્ય નથી.

વાસ્તવિક રીતે જોતાં આ જગત કોઈ કર્તા એ કરેલું  છે-એમ નથી,તેમ તે કર્તા વગર થયેલું છે એમ પણ નથી,
હકીકત- એમ છે કે-જે અકર્તા (બ્રહ્મ) છતાં,માયાને લીધે કર્તા જેવો થયો છે,તેની "સત્તા" થી જગત થયું છે.
આ જગત-રૂપી જાળ-કર્તા વગરની હોય અથવા કર્તા-વાળી હોય તો પણ તમે તેનાથી એક થઈને બેસો નહિ.
આત્મા (બ્રહ્મ)એ સર્વ ઇન્દ્રિય થી રહિત છે-તેને કર્તા-પણું ઘટતું નથી.
તો પણ તેને કલ્પિત કર્તા-પણું પ્રાપ્ત થાય છે.
કાક-તાલીય ન્યાય (કાગનું બેસવું-ડાળ નું ભાંગવું-એ ન્યાય)ની પેઠે,આકસ્મિક-રીતે જ થયેલું આ જગત
અનિર્વચનીય  જ છે.માટે જે મૂર્ખ હોય તે જ તેમાં અહંતા-મમતા કરે.પણ સમજુ હોય તે તેમ કરે નહિ.

હે,રામ,આ જગત અત્યંત શૂન્ય છે તેવું પણ કહી શકાય તેમ નથી કારણકે તે નિરંતર દેખાયા કરે છે.
વળી તે નષ્ટ થઈને શૂન્ય થઇ જાય તેમ પણ કહી શકાય તેમ નથી,કારણકે નષ્ટ થયા પછી તે વારંવાર ઉત્પન્ન થાય છે.અને "શૂન્ય" થી  ઉત્પત્તિ થવી શક્ય જ નથી.
આ જગત,આત્મા ની પેઠે નિરંતર રહેનાર છે તેમ પણ નથી,કારણકે -
જે વસ્તુ -અનાદિ પૂર્વકાળ (ભૂતકાળ) માં અને અનંત-ઉત્તર કાળ (ભવિષ્યકાળ) માં પણ નથી હોતી -
તે વસ્તુ -વર્તમાન ક્ષણમાં હોય તો પણ ન હોવાપણા નું જ "અનુમાન" થાય છે.
આ પ્રમાણે જગત અનિર્વચનીય જ છે,માટે તમારા જેવા સમજુ પુરુષે અહંતા-મમતા કરવી યોગ્ય નથી.

સર્વ ઇન્દ્રિયો થી રહિત શાંત આત્મા,જો- પોતાના સામીપ્ય માત્ર થી સર્વદા જગત ઉત્પન્ન કર્યા કરતો હોય,
તો પણ એવી રીતે થતા જગતમાં અભિમાન ધરીને મુંઝાવું યોગ્ય નથી.

કાળ (સમય) અનાદિ અને અનંત છે,તેનો "સો વર્ષ" (મનુષ્ય નું આયુષ્ય) એ તો બહુ જ નાનો ભાગ છે,
તો  તે- સો વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલા,
આ મોટા આશ્ચર્ય-રૂપ મનુષ્ય દેહમાં આત્માએ અહંતા શા માટે ધરવી જોઈએ?
જો જગતના પદાર્થો સ્થિર લાગતા હોય તો પણ તે સ્થિર હોવાને લીધે જ "લેવા યોગ્ય કે છોડી દેવા યોગ્ય"
ઘટતા નથી.અને તેઓમાં આસ્થા (આસક્તિ) રાખવી પણ શોભતી નથી.
અને જો જગતના પદાર્થો અસ્થિર લાગતા હોય તો પણ તેમાં આસ્થા રાખવી શોભતી નથી.

હે,રામ,સત્યમાં -તો-આ આત્મા જ સ્થિર છે,અને દેહાદિક અસ્થિર છે.તેમ છતાં તે બંને ને એક કરી દેવાં-
તે પર્વત ને અને ફીણ ને એક કરી દેવા બરાબર છે, માટે તેમ કરવું શોભતું જ નથી.
જેમ દીવો પ્રકાશ નો કર્તા છે પણ પ્રકાશ પ્રત્યે -તે-ઉદાસીન રહેનાર છે
તેમ,આત્મા જગતનો કર્તા છે પણ,ઉદાસીન રહેનાર છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE