More Labels

Nov 22, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-350

હે,રામ, જ્ઞાની પુરુષ તો સર્વોત્તમ પદમાં રહે છે કે જે સર્વોત્તમપદ આગળ તો -
આકાશ (કે જેમાં સૂર્ય ચંદ્ર ફરે છે) પણ એક નાની ગુફા જેવડું છે.
જેમ,વાદળાંઓ એ આકાશ ની સમીપ હોવા છતાં આકાશ ને રંગી શકતાં નથી,
તેમ,જગત-સંબંધી કોઈ પણ પદાર્થો તત્વવેત્તાને રંગી શકતા નથી (આસકત કરી શકતા નથી)
જેમ,પાર્વતીના નૃત્યને જોનારા મહાદેવને વાંદરાંઓના નાચમાં રુચિ થતી નથી,
તેમ,તત્વ ના આનંદમાં મગ્ન રહેનારા જ્ઞાની પુરુષને આ જગતના કોઈ પદાર્થમાં રુચિ થતી નથી.

જેમ,ઘડામાં રહેલા રત્ન ને -તે રત્ન જયારે બહાર હતું-તે વખતે પડેલાં પ્રતિબિંબો રંગી શકતાં નથી,તેમ,બ્રહ્મવેત્તા ને જગત સંબંધી કોઈ પણ પદાર્થો રંગી શકતા નથી.
અને તે સંસાર ની લીલા સંબંધી સુખોમાં જરા પણ રુચિ રાખતો જ નથી.
(૫૮) બૃહસ્પતિના પુત્ર કચે ગાયેલી કથા

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આ વિષયમાં જ હું તમને બૃહસ્પતિના પુત્ર કચે ગાયેલી
પુરાતન પવિત્ર ગાથા તમને કહું છું તે તમે સાંભળો.

મેરુ પર્વતના વનમાં રહેતો બૃહસ્પતિ નો પુત્ર "કચ" કોઈ સમયે બ્રહ્મ-વિદ્યાના પરિપાક ને લીધે
આત્મા માં વિશ્રાંતિ પામ્યો હતો.યથાર્થ જ્ઞાન થી પરિતૃપ્ત થયેલી તેની બુદ્ધિ--દૃશ્ય (જગત) માં રુચિ કરતી નહોતી.આત્મા સિવાય બીજું કંઈ પણ નહિ જોતો એ કચ એકલો રહેવાને કારણે જાણે જગતથી અલગ થઇ
ગયો હતો અને આત્મા ની મસ્તીમાં મસ્ત રહેતો હતો.

હર્ષ થી ગદગદ વાણીમાં તે નીચે પ્રમાણે ગાથા બોલ્યો હતો.
"આ સઘળું જગત,જેમ પ્રલયકાળમાં જળથી ભરપૂર થઇ જાય છે- તે (જગત) મારા આત્મા થી જ ભરપૂર છે.
તો હવે આ જગતમાં હું શું કરું? ક્યાં જાઉં? શું લઉં? શું છોડી દઉં?
અહો,આ સઘળું આત્મમય છે એમ જાણવામાં આવ્યું,એટલે મારાં કષ્ટો પોતાની મેળે જ ટળી ગયાં.
સર્વમાં આત્મા રહેલો છે અને આત્મામાં સર્વ રહ્યું છે,એટલું જ નહિ પણ જે કાંઈ દૃશ્ય (જગત) છે તે આત્મા જ છે.હું પણ આત્મા માં જ રહ્યો છું.અને હું આત્મા જ છું.જે કંઈ ચેતન કે અચેતન છે,તે સર્વ માં હું છું અને તે સઘળું હું છું.ચૈતન્યમય એવો હું -અપાર આકાશને પણ ભરપૂર કરી દઈને સર્વત્ર રહેલો છું.જેને એક અખંડ મહાસાગરની ઉપમા આપવામાં આવે છે,એવો હું પૂર્ણ અને પરમાનંદ-રૂપે રહેલો છું."

હે,રામ,મેરુ પર્વતની કુંજમાં રહેલો એ કચ -આ પ્રમાણે ગાથા ગાઈને-એવી જ ભાવના કર્યા કરતો હતો.
અનુક્રમે ॐ કારનું (ઘંટ ના શબ્દ) ઉચ્ચારણ કરતો અને ॐ કારની અર્ધ-માત્રા (કે જે તુરીય પદ ને જણાવે છે)ને,શુદ્ધ હૃદયમાં ચિંતવતો,એ કચ-કારણોમાં કે કાર્યોમાં નહિ રહેતાં,તુરીય-પદ (બ્રહ્મ) માં જ રહ્યો હતો.
કલ્પના-રૂપી કલંક ટળી જવાને લીધે,એ કચ શુદ્ધ થયો હતો.એના પ્રાણવાયુ નું ચલન નિરંતર હૃદયમાં જ
લીન રહેતું હતું,નિર્મળ આકાશ જેવો થયેલ તે કચ ઉપર કહી તે ગાથા ગાયા કરતો હતો.

(૫૯) બ્રહ્મા ના સંકલ્પ થી જગત ની કલ્પના અને શાસ્ત્રો ની ઉત્પત્તિ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આ જગતમાં નીચ પુરુષો જ "અન્નપાન (ખાવું-પીવું) અને સ્ત્રીઓના ઉપભોગ વગેરે જેવા ભોગોથી વધારે સારું કંઈ નથી" એમ સમજી ને તેમની જ ઈચ્છા કરે છે.આવા નીચ પુરુષો જેનાથી સંતુષ્ટ થાય છે,તેનાથી તો પશુ-પક્ષીઓ (મૂઢ પ્રાણીઓ) પણ સંતુષ્ટ થાય છે!!
આવા ભોગો આદિ-મધ્ય અને અંતમાં ખોટા જ છે,અને એવા ભોગો પર જે વિશ્વાસ રાખે છે- 
તેવાઓને તો મનુષ્ય-શરીરવાળા ગધેડા જ સમજવા-અને તેમનું નામ પણ લેવું જોઈએ નહિ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE