More Labels

Nov 23, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-351

પૃથ્વી માટી જ છે,વૃક્ષો લાકડાં જ છે,શરીરો માંસમય  જ છે.
નીચે પૃથ્વી છે અને ઉપર આકાશ છે તો તેઓમાં સારભૂત પદાર્થ કયો છે કે-તેનાથી સુખ પ્રાપ્ત થાય?
જ્યાં સુધી વિચાર ના કરીએ- ત્યાં સુધી સુખમય લાગતા-એવા જગત-સંબંધી વ્યવહારો-મોહમય જ છે.
તેમ જ તે વ્યવહારોના (વિષયોના)  સુખની અંતે,દુઃખ તથા મલિન-પણું જ રહેલું છે.
મનથી અને ઇન્દ્રિયોથી જે જે વિષયો ભોગવાય છે તેઓ જવા-આવવાના સ્વભાવવાળા હોવાથી અનિત્ય છે.

હાડકાંના ઢગલા-રૂપ દેહમાં "પોતા-પણા" નું અભિમાન રાખનારો પુરુષ રુધિર અને માંસની પૂતળીને
"આ મારી પ્રિયા છે"એમ માની ને પ્રેમથી તેનું આલિંગન કરે છે,પણ એ દુષ્ટ "કામ" નો જ મહિમા છે.
હે,રામ, અજ્ઞાની પુરુષને આ સઘળું જગત "સત્ય અને સ્થિર" લાગવાથી સંતોષ આપે છે,પણ,
વિવેકી પુરુષને તો સઘળું અસ્થિર અને અસત્ય જ જણાય છે.તેથી તે જગત તેને સંતોષ આપતું નથી.

ભોગો નહિ ભોગવ્યા છતાં-પણ જો ભોગોની તૃષ્ણા (ઈચ્છા) રાખવામાં આવે તો તે ઝેરની જેમ મૂર્છા આપે છે,
તો પછી,ભોગો જો ભોગવવામાં આવે તો તે ઝેરની જેમ મૂર્છા આપે જ -તે શું કહેવું પડે તેમ છે?
હે,રામ, માટે જ તે ભોગોની આસ્થા (ઈચ્છા) ને છોડી દઈને તમે આત્માની એકતા ને નિષ્ઠાથી ભજો.
ચિત્ત જયારે-દેહાદિક (અનાત્મ) પદાર્થોની ભાવનામાં લાગ્યું,ત્યારે જ આ જગત-રૂપી મિથ્યા-જાળ પ્રગટ થઇ છે.

રામ કહે છે કે-હે,મુનિ.પૂર્વ કલ્પ ના,કોઈ જીવનું મન આ કલ્પ માં બ્રહ્મની પદવી મેળવીને -
આ જગતને કેવી રીતે પ્રાણીઓથી ઘાટું બનાવે છે?

વસિષ્ઠ કહે છે કે-કમળમાંથી ઉત્પન્ન થયેલા "પહેલા-બાળક-બ્રહ્મા" એ કમળ-રૂપી શયનમાંથી ઉઠીને,
પ્રથમ "બ્રહ્મ-બ્રહ્મ"એવો શબ્દ કર્યો -તેથી તે "બ્રહ્મા" કહેવાય છે.
"સંકલ્પ-રૂપ અને મનથી જ જેનો આકાર કલ્પાયેલો છે" તેવા એ બ્રહ્માના સંકલ્પે પછી સૃષ્ટિ કરવાનો ઉદ્યમ કર્યો.તેમાં સહુ પ્રથમ તેજ નો સંકલ્પ થયો,અને બ્રહ્માએ તે પ્રકાશિત તેજમાં અત્યંત પ્રદીપ્ત પોતાના જ આકાર જેવો એક આકાર (સંકલ્પ-રૂપ અને મનથી કલ્પેલો) કલ્પ્યો અને તે સૂર્ય-રૂપે ઉદય પામ્યો.

પછી,જેમ,સમુદ્ર,તરંગોને ઉછાળે છે,તેમ મહાબુદ્ધિમાન બ્રહ્માએ તે તેજ ના અવશેષ રહેલા ભાગને વિભાગો પાડીને ઉછાળ્યા,કે જેમાંથી પોતાના (બ્રહ્માના) જેવી જ શક્તિઓ વાળા,તેમજ સંકલ્પ-માત્ર થી ઐશ્વર્યોને પામેલા,પ્રજાપતિઓ (કશ્યપ-મરીચિ આદિ) ઉત્પન્ન થયા.
આ પ્રજાપતિઓ પણ જે જે રીતે સંકલ્પો કરવા લાગ્યા,તે તે,વસ્તુઓને તે તે રીતે,તે વસ્તુઓને પામવા  લાગ્યા.અને અનેક જાતના પ્રાણીઓ ના સંકલ્પોથી અનેક પ્રાણીઓ તેમના જોવામાં આવ્યા.
કે જેમાં આગળ જતાં મૈથુનની ક્રિયા ચાલી-જેના પરિણામે પ્રાણીઓનો (મૈથુની-સૃષ્ટિનો) વિસ્તાર થયો.

પછી બ્રહ્માએ વેદો નું સ્મરણ કરીને ઘણાઘણા પ્રકારના યજ્ઞો ના પ્રકારો કલ્પ્યા,
અને પોતાને રહેવાના કમળમાં ચૌદ-લોકો-ની સ્થિતિ કલ્પી.
હે,રામ,આ રીતે, મન જ મોટા શરીર-વાળા બ્રહ્મા નું રૂપ લઈને ત્રણ-ગુણ-મય સ્વરૂપ વળી સૃષ્ટિને ઉત્પન્ન કરે છે.કે જે સૃષ્ટિ-પ્રાણીઓના સમૂહોથી વ્યાપ્ત છે,સમુદ્રોથી,પર્વતોથી,તથા વૃક્ષોથી ભરપૂર છે.

ચડતા-ઉતરતા-લોકો- ની રચનાવાળી છે.વળી તે સુખ-દુઃખ,જન્મ-મરણ અને જરા જેવી અનેક વ્યાધિઓ અને ચિંતાઓથી ઘેરાયેલી છે.રાગ-દ્વેષ-ભય વગેરેના ઉદ્વેગ-વાળી છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE