More Labels

Nov 27, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-355

જેમ,સ્થાવરો પોતાના પ્રારબ્ધના ભોગ વિના બીજું કશું કરતા નથી-
તેમ,તેઓ (સત્પુરુષો) જ્ઞાનનાં સાધનો વિના બીજું કશું કરતા નથી.
જેમ,વૃક્ષો પોતાના ફળો-વગેરે થી બીજાઓને આનંદ આપે છે,
તેમ,તેઓ  (સત્પુરુષો) પોતાના સદાચારોથી બીજાઓને આનંદ આપે છે.
હે,રામ,એવા મહાત્મા પુરુષની સુંદર બુદ્ધિ-"શાંતિ-રૂપી-અમૃત"થી નિત્ય પુષ્ટ થતી જાય છે,અને તેથી તેઓને મોક્ષ ની પ્રાપ્તિ થાય  છે.


જેમ,ચંદ્ર કૃષ્ણ-પક્ષમાં પણ પોતાની શીતળતા ત્યજતો નથી,
તેમ,તે મહાત્મા પુરુષો આપત્તિ-કાળમાં પણ પોતાની સૌમ્યતા ત્યજતા નથી.
જેમ,વનનાં વૃક્ષો,નવા ગુચ્છો-વાળી લતાથી શોભે  છે-
તેમ,તે મહાત્મા-પુરુષો,મૈત્રી-આદિ ગુણોવાળી પોતાની પ્રકૃતિથી શોભે છે.

હે,રામ તે મહાત્મા-પુરુષો સર્વદા સમ-બુદ્ધિ-વાળા હોય છે,સંપૂર્ણ શાંત-રસ-મય જ હોય છે,
સૌમ્ય-વૃત્તિવાળા હોય છે, અને તેઓ પોતાની મર્યાદાનો કદી પણ ત્યાગ કરતા નથી.
આથી,વાસનાઓને ટાળનારી,એ લોકોની પદ્ધતિને નિરંતર અનુસરવું જોઈએ.અને
આપદાના (આપત્તિઓના) સમુદ્ર-રૂપી-સંસાર ની ખટપટમાં પડવું જોઈએ નહિ.

જે જે રીતે રજોગુણ નો ક્ષય થાય,અને આનંદ આપનારા સત્વગુણ નો ઉદય થાય,
તે તે રીતે શાંત મનથી આ જગતમાં વિહાર (અને વ્યવહાર) કરવો.
જે,વિષયોની વિવિધ ગતિઓનો -મૂઢ પુરુષો વારંવાર વિચાર કરે છે,
તેને ત્યાગીને જ્ઞાન-શાસ્ત્ર નો વિચાર કરવો.
અને તરત જ મનમાં પુરી કાળજી રાખીને -જુદી જુદી યુક્તિઓથી પદાર્થોના અનિત્ય-પણા નો વિચાર કરવો.

"આ લોક (પૃથ્વી) તેમજ પર-લોક (સ્વર્ગ-વગેરે) ના ભોગો માટે જગતમાં જે જે ક્રિયાઓ (કર્મો કે યજ્ઞો)
કરવામાં આવે છે,તેઓના ફળ-રૂપ પુત્ર,સ્ત્રી,ધન,અપ્સરા-વગેરે પદાર્થો એ એક જાત ની આપદા જ છે."
એમ,સમજુ પુરુષે ભાવના કર્યા કરવી જોઈએ.
મિથ્યા-વિષયો નું ચિંતન-એ અજ્ઞાનનો વિસ્તાર કરનાર છે -માટે તેને છોડી દેવું.અને-
અવિનાશી પદાર્થ-રૂપ પોતાના "સ્વ-રૂપ" નું સારી રીતે અનુસંધાન કર્યા કરવું.

વળી,સજ્જનો ના સમાગમ અને ઉપદેશથી "હું કોણ છું? અને સંસાર નો આ આડંબર કેમ થયો છે?"
એ વિષે પ્રયત્ન-પૂર્વક વિચાર કરવો,કર્મો માં ડૂબવું નહિ,અને દુષ્ટનો સહવાસ કરવો નહિ.
"સંસાર ના સર્વ પ્રિય પદાર્થો નો અવશ્ય નાશ થવાનો જ છે"એમ જોયા કરવું,અને સજ્જન ને અનુસરવું.
"અહંકાર-દેહ અને સંસાર" ની વાસનાને છોડી દઈને-સત્ય બ્રહ્મ નું જ અવલોકન કરવું.

જેમ,દોરામાં મણિઓ પરોવાયેલા હોય છે,તેમ નિત્ય-વિસ્તીર્ણ ,સર્વમાં રહેલા અને
સર્વના અધિષ્ઠાન-રૂપ,પર-બ્રહ્મમાં આ સઘળું બ્રહ્માંડ  પરોવાયેલું છે.
આકાશના શણગાર-રૂપ અને અત્યંત વિસ્તાર-વાળા સૂર્યમાં જે ચૈતન્ય છે-તે જ ચૈતન્ય
ધરતીમાં  રહેલા ઝીણા દરમાં રહેલા કીડામાં પણ છે.

જેમ,વાસ્તવિક રીતે જોતાં,ઘટાકાશ નો મહાકાશ થી કશો ભેદ નથી-
તેમ શરીરો માં રહેલા જીવો નો પરમાત્માથી કશો ભેદ નથી.
જેમ,સર્વ પ્રાણીઓના અનુભવમાં આવતા પદાર્થો અનેક છે પણ તે પદાર્થોમાં માત્ર છ જાતના રસો જ છે,
(છ જાતના રસો=મધુર-અમ્લ-લવણ-કટુ-કષાય અને તિક્ત)
તેમ,પ્રાણીઓ અનેક છે પણ તેઓમાં ચૈતન્ય (રૂપી રસ) એક જ છે.
સર્વદા એક પરમ સત્ય-પરબ્રહ્મ સિવાય,બીજું કશું છે જ નહિ-
માટે "આ જન્મ્યો-અને આ નાશ પામ્યો" એવી શરીરને જે પ્રતીતિ થાય છે -તે ખોટી જ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE