More Labels

Dec 17, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-370

જીવનમાં જો એક રમણીય પદાર્થ મળે તો પણ તેનાથી ય વધારે રમણીય પદાર્થ મળ્યા વગર રહી જાય છે,
જો એક સ્થિર પદાર્થ મળે તો તેના કરતાં ય વધારે  સ્થિર પદાર્થ મળવાનો રહી જાય છે,
માટે જે રમણીય કે સ્થિર પદાર્થ મળવાથી જે પ્રસન્નતા થાય છે તેના અંતે ચિંતા જ રહે છે.
આમ હોવાથી પદાર્થ મેળવવાની ઈચ્છા કરવી કે તે પદાર્થ મેળવીને રાજી થવાનું-એ વ્યર્થ જ છે.

જો વિચિત્ર સંપત્તિઓ મેળવીને મન રાજી થતું હોય તો પણ -હું તો એમ જ ધારું છું કે-તે સંપત્તિઓ ઘણા કષ્ટો વેઠ્યા પછી મળે છે અને આવી સંપત્તિઓનું રક્ષણ કરવા છતાં-
અંતે તે અવશ્ય જતી રહે છે.માટે તે સંપત્તિઓ સાચી (સારી) નથી,પણ એક પ્રકારની મોટી આપદાઓ જ છે.

આ જગત કેવળ મનના વિલાસ-રૂપ જ છે અને સમુદ્રમાં દેખતા ચંદ્ર ના પ્રતિબિંબ ની પેઠે ચંચળ છે.
તેમાં "આ મારું છે" એ ચાર અપૂર્વ અક્ષરો શાથી પ્રાપ્ત થયા છે?
આ જગતની સ્થિતિ કાકતાલીય ન્યાય ની પેઠે અકસ્માત (સંબંધ વિના જ) બનેલી છે-
તેમાં,મન-રૂપી ધુતારાએ "આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે" એવી ભાવના ખોટી રીતે વ્યર્થ જ કરી લીધી છે.

જેમ પતંગિયું-અગ્નિની શિખાઓમાં આસક્ત થાય છે
તેમ,હું આ-દેશકાળ ના વિભાગ-વળી અને ધગધગતી "વિષય-સુખ" નામની જવાળાઓમાં આસક્ત થયો છું.
અને તેનું પરિણામ કેવું છે? તે વિષે હું વિચારતો નથી.
નિરંતર ભડ-ભડ બળતા રૌરવ-નરકના અગ્નિઓમાં લોટવું,એ કદાચ સારું,
પણ આ  ઘડીવારમાં બળતરા આપનારી અને ઘડીવારમાં ઠંડક આપનારી,
સંસારની વૃત્તિઓમાં લોટવું -એ તો સારું નથી જ.
કેમકે નિરંતર થતો દુઃખ નો ભોગ,અભ્યાસ પડી જવાને લીધે સહી શકાય છે,
પણ વચમાં અભ્યાસ છૂટી જાય અને ફરીથી દુઃખ આવે તો-તે-સહન થઇ શકતું નથી.

આ સઘળો સંસાર દુઃખ-ભોગોની પરાકાષ્ઠા-રૂપ કહેવાય છે,તો તેમાં મધ્યમાં પ્રાપ્ત થયેલા દેહમાં -
સુખ તો કેમ જ મળે? જે મનુષ્ય ને ખડગ નો પ્રહાર થયો હોય (વધુ દુઃખમય સ્થિતિમાંથી પસાર થયો હોય)
તે મનુષ્ય ચાબખા ના પ્રહારને (થોડી ઓછી દુઃખમય સ્થિતિને) ખડગના પ્રહાર કરતાં મધુર માને છે-
તેવી રીતે,મોટા સ્વાભાવિક દુઃખરૂપ સંસારમાં પડેલા લોકો,ધન-વગેરેની ખટપટોનાં દુઃખ ને મધુર માની લે છે.

કાષ્ટની તથા ઢેફાંની સ્થિતિ (જડ) જેવી સ્થિતિ-વાળા દેહમાં હું ઉત્તમ-અધમ-પણાની કલ્પના કર્યા કરું છું,
તેથી હું પણ અત્યંત વિચાર-વિનાના મૂર્ખ લોકોમાં ગણાવા યોગ્ય જ થઇ ગયો છું.
આ સંસાર-રૂપી વૃક્ષ સંકલ્પો-રૂપી હજારો અંકુરો વાળું છે,શરીરો અને ભવનો આદિ-રૂપ હજારો શાખાઓ વાળું છે,સુખ-દુઃખ-રૂપી ફળો-વાળું છે,અને રાગ-દ્વેષાદિ-રૂપી અનેક પલ્લવો વાળું છે.
મન જ તેનું મોટું મૂળ છે.હું ધારું છું કે-સંકલ્પો નો ઉપશમ (નિવૃત્ત) કરીને-એ મન ને જ સુકવી નાખું,
તો આ સંસાર-રૂપી વૃક્ષ પણ સુકાઈ જ જાય.

આ મન-રૂપી વાંદરાની લીલાઓ દેખાવ-માત્રમાં જ રમણીય છે,પણ પરિણામે વિનાશ ઉપજાવનારી છે.
એમ મારા જાણવામાં આવ્યું છે.તો હવે તેમાં હું રમીશ જ નહિ.
આશાઓ-રૂપી સેંકડો પાશોમાં પરોવાયેલી અને ચડતી-પડતી દશાઓ-રૂપી -અનેક સંતાપો આપનારી
સંસારની સ્થિતિઓને મેં ભોગવી લીધી હે-હવે તો હું વિશ્રામ જ લઈશ.

"હાય,હું માર્યો ગયો,હાય,હું ખરાબ થયો,હાય,હું મરી ગયો" એવી રીતે શોક કરવાનો વખત જતો રહ્યો છે,
હવે હું ખેદ કરીશ નહિ.હવે તો હું જાગ્યો છું,અને પ્રસન્ન થયો છું.કારણકે-
આ મન-રૂપી ચોર,હવે, મારી નજરે પડ્યો છે-કે જેણે મને લાંબા કાળ સુધી હેરાન કર્યો છે-એટલે
તે મન-રૂપી ચોરને હવે હું મારી જ નાખીશ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE