Jan 13, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-388

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,વિદ્વાન લોકોએ સર્વ શાસ્ત્ર માં "ધ્યેય" અને "જ્ઞેય" એમ બે પ્રકારનો વાસનાનો ત્યાગ કહેલો છે.

(૧) ધ્યેય-"આ દેહ અન્નાદિકનો છે -દેહ વિના અન્નાદિક કશાં કામનાં નથી,અને અન્નાદિક આ દેહનું જીવન છે,એટલે કે અન્નાદિક વિના આ દેહ કંઈ પણ નથી" એમ નિશ્ચય કર્યા પછી,મન ની સાથે પોતાના સ્વ-રૂપ નો વિચાર કરવામાં "હું દેહાદિક નો નથી અને દેહાદિક મારાં નથી" એવી દૃઢ ભાવના રાખવામાં આવે,અને
અંદર શીતળતા વાળી બુદ્ધિ થી "લીલા-માત્ર-જેવી-ક્રિયાઓ" કરવામાં આવે તો-તે-
"ધ્યેય"-નામનો વાસનાનો ત્યાગ કહેવાય છે.(જીવનમુક્ત)

(૨) જ્ઞેય-સર્વ જગતને બ્રહ્મ-રૂપ સમજવામાં આવે-અને ભૂમિકાઓના અભ્યાસ ના ક્રમથી-
મમતા-અહંતા-તથા વાસનાનો  પણ નાશ કરીને-પ્રારબ્ધની સમાપ્તિ ના સમયમાં,
દેહને ત્યજી દેવામાં આવે તે "જ્ઞેય" નામનો વાસના નો ત્યાગ કહેવાય છે.(વિદેહ-મુક્ત)

જે પુરુષે "ધ્યેય-વાસના" નો ત્યાગ કર્યો હોય-એટલે કે જે પુરુષ,દેહમાં હું-પણાની વાસના ને ત્યજી દઈને
લોક-સંગ્રહને (લોકોની સમૃદ્ધિ) માટે વ્યવહાર કરતો હોય-તે "જીવનમુક્ત" કહેવાય છે.અને
જે પુરુષે જ્ઞેય-વાસનાનો ત્યાગ કર્યો હોય-એટલે કે-જે પુરુષે મૂલાજ્ઞાન ની સાથે સઘળી કલ્પના-રૂપી વાસનાઓનો
ત્યાગ કરીને સઘળી વ્યવહારાદિથી રહિત થઈને શાંતિ પામ્યો હોય તેને "વિદેહ-મુક્ત" જાણવો.

હે,રામ,ધ્યેય અને જ્ઞેય -એ બંને ત્યાગો -સંતાપોથી રહિતપણા અને મુક્તિના  વિષયમાં સરખા જ છે.
એક વ્યવહારમાં રહે છે તો બીજો સમાપ્તિમાં (મનથી વ્યવહારની સમાપ્તિ રાખીને) રહે છે.
તો પણ બંને મહાત્માઓને -પરમ વિશ્રાંતિ-રૂપ નિર્મળ બ્રહ્મમાં રહેલા જ સમજવા.

તેઓ વચ્ચે અંતર એટલું જ છે કે-પહેલાને દેહ સ્ફુરે છે અને બીજાને દેહ સ્ફુરતો નથી.
પહેલો-દેહના સ્ફુરણ વાળો જીવનમુક્ત પુરુષ સંતાપોથી રહિત રહીને,વ્યવહાર કરે છે,અને
બીજો દેહના ભાન વિનાનો વિદેહ-મુક્ત પુરુષ કંઈ પણ (વ્યવહાર કરે તો પણ) વ્યવહાર કરતો નથી.

વ્યવહાર ને લઈને કાળના નિયમ પ્રમાણે આવી પડતા સુખ-દુઃખોમાં જેને હર્ષ-શોક થતો ન હોય,અને
ઇચ્છાથી તથા દ્વેષ થી રહિત થયેલો-જે પુરુષ પ્રિય કે અપ્રિય વસ્તુમાં "આસક્તિ રાખ્યા વિના" વ્યવહાર કરે છે,તે પુરુષ જીવનમુક્ત કહેવાય છે.
જેના મનમાંથી "આ ગ્રાહ્ય છે અને આ ત્યાજ્ય છે"  તથા "હું છું અને આ મારું છે" એવી કલ્પનાઓ-
નાશ પામેલી છે તે પુરુષ જીવનમુક્ત કહેવાય છે.

જેના મનમાં હર્ષ-ઈર્ષા-ભય-ક્રોધ-કાન-દીનતા નો અભિનિવેશ જ થતો ના હોય તે જીવનમુક્ત કહેવાય છે.
જે પુરુષ જાગ્રત અવસ્થામાં પણ મન ની સુષુપ્તિ-વાળાઓ ની પેઠે,પદાર્થો ની સઘળી આસક્તિઓ શાંત
કરીને વર્તે છે-તેમજ હર્ષ થી ભરપુર રહે છે-તે જીવન મુક્ત કહેવાય છે.

(૧૭) બંધ કરનારા અને બંધ નહિ કરનારા નિશ્ચયો નું વિવેચન

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,વિદેહમુક્ત લોકો તો બ્રહ્મ-રૂપ જ હોય છે,એટલા માટે તેમની સ્થિતિનું વર્ણન કરી શકાય નહિ.આમ હોવાથી હું અહી કેવળ જીવનમુક્ત ની સ્થિતિનું જ વર્ણન કરું છું તે તમે સાંભળો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE