More Labels

Jan 18, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-393

હે,રામ,તમે "પૂર્વજન્મ માં અન્ય હતા,આ જન્મમાં અન્ય છો અને ભવિષ્યના જન્મ માં અન્ય થશો." એવો જો તમને નિશ્ચય હોય તો-
"તમે બદલાતા આવ્યા તેમ સંસાર બદલાતો જ આવે છે." એમ સિદ્ધ થાય છે,માટે કયા પદાર્થ ને સાચો ગણીને શોક કરો છો? અને કદાચ-
"તમે આગળ જન્મ્યા હતા,હમણાં પણ જન્મ્યા છો અને ભવિષ્યમાં હવે પછી જન્મવાના નથી" એવો જો તમને નિશ્ચય હોય તો-પછી-"તમારો સંસાર ક્ષીણ થવા આવ્યો છે" એમ સિદ્ધ થાય છે.તો પછી તમે શોક શા માટે કરો છો?

ઉપર કહેલા કોઈ પણ પક્ષમાં શોક કરવો પ્રાપ્ત થતો નથી.આમ,હે,રામ,જગત સંબંધી ચાલતા ક્રમમાં દુઃખ ધરવું યોગ્ય નથી અને પ્રસન્ન થવું પણ યોગ્ય નથી.પણ આવી પડેલા કાર્યને અનુસરવું એટલું જ યોગ્ય છે.
તમે સુખ કે દુઃખને માનો નહિ પરંતુ સર્વમાં સમતા ધારણ કરો-કેમ કે પરમાત્મા સર્વ-વ્યાપક (સર્વમાં)છે.
તમે અંત વિનાના છો,સાચા સ્વ-રૂપવાળા છો,આકાશની પેઠે વ્યાપક છો,પ્રકાશ-રૂપ છે અને નિત્ય સિદ્ધ છો.
તમારા સ્વ-રૂપમાં અજ્ઞાનનો કે દુઃખાદિક નો અવકાશ નથી.
તમે અદૃશ્ય છો છતાં,માળામાં પરોવાયેલ મણકાની પેઠે -જગતના સર્વ પદાર્થોમાં રહેલા છો.
એક જન્મ ધારણ કરીને બીજો જન્મ ધારણ કરવો અને પછી ત્રીજો જન્મ ધારણ કરવો -એમ વારંવાર જન્મ્યા કરવું એ-સંસારની પધ્ધતિ અજ્ઞાનીઓ માટે છે જ્ઞાની માટે નહિ.હે,રામ, તમે તો જ્ઞાની છો -માટે નિશ્ચિંત રહો.

હે,રામ,સંસારનું સ્વરૂપ અજ્ઞાનથી વધે છે,અને તે સ્વરૂપ નિરંતર દુઃખોનું કારણ છે,તે સત્ય નથી.
જેમ,સ્વપ્ન માં સ્વપ્ન સિવાય બીજો કશો પદાર્થ નથી-તેમ ભ્રમમાં ભ્રમ સિવાય બીજું શું રૂપ હોય?
આ જગતનું સ્વરૂપ ભ્રાંતિમાત્ર છે-છતાં પણ તે સ્વરૂપ (આંખોથી) સ્પષ્ટ જોવામાં આવે છે,
એ સર્વે શક્તિઓવાળા પરમાત્મા ની એક જાતની શક્તિ (માયા) જ છે.

જેમ જળના તરંગો નો સમૂહ નિરંતર ચાલ્યા જાય છે,
તેમ,છેદાઈ જતું,વીંખાઈ જતું અને પરસ્પર ના આશ્રય થી રહેતું,આ જગત નિરંતર ચાલ્યા જ જાય છે.
એક યોનિમાં રહેલા જોવો બીજી યોનિમાં અને એક  દ્વીપમાં રહેલા લોકો બીજા દ્વીપમાં જાય છે.
નહિ માગનારા પુરુષો માગનારા થઇ જાય છે તો સદા માંગતા રહેતા પુરુષો કદીપણ ના માગે તેવા થઇ જાય છે.આમ ચડતી-ઉતરતી સેંકડો દશાઓરૂપી ભ્રાન્તિઓમાં સઘળાં પ્રાણીઓ ગોથાં ખાધા કરે છે.

આ સંસારમાં એક રૂપથી સ્થિર રહેનારો-સ્વચ્છ અને સંતાપ વિનાનો કોઈ પદાર્થ ક્યાંય જોવા મળતો નથી.
જે જે મોટા ભાગ્યશાળી અને ઘણા બંધુઓ વાળા લોકો હોય છે તે પણ કેટલેક દિવસે નષ્ટ થઇ ગયેલા જોવામાં આવે છે.આ સંસારમાં પરાયાપણું,અન્યપણું,તુંપણું,અને હુંપણું-વગેરે વાસનાઓ સાચી નથી.
હે,રામ, હવે તમારી "આ બંધુ છે,આ ઘર છે,આ હું છું,અને આ તું છે" વગેરે મિથ્યા દૃષ્ટિઓ ગલિત થઇ જાઓ.
તમે કોઈ આસક્તિ રાખો નહિ અને માત્ર ક્રીડાને માટે વ્યવહારમાં રહો.

તમે શત્રુ-મિત્ર વગેરે મિથ્યા વાસનાઓ ને અંતઃકરણમાંથી મૂળ સહિત કાપી નાખો અને
બહાર તેવા પ્રકારની "કૃત્રિમ-વાસના"ઓ દેખાડતાં (દેખાડીને) લીલા થી વિહાર કરો.
હે,ઉત્તમ નિયમોવાળા રામ,આ સંસારની પદ્ધતિમાં એવી રીતે વિહાર કરો કે-
તમે અજ્ઞાની મનુષ્ય ની જેમ વાસના ના બોજથી થાકી જાઓ નહિ.
જેમજેમ, વાસનાઓ નો ક્ષય કરનારો તમારો આ વિચાર વધતો જશે,
તેમતેમ,વ્યવહાર સંબંધી કાર્યો શાંત થતાં જશે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE