More Labels

Jan 20, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-395

તેં આ સંસારમાં મોહથી ઉત્પન્ન થયેલી,કેમ એવી ભાવના બાંધી છે કે-
જેનાથી -તું-શોક નહિ કરવા યોગ્ય (અશોચ્ય) માતપિતાના મરણનો શોક કરે છે.અનેક જન્મોમાં તારાં અનેક માબાપ થઇ ગયા છે માટે તારી એ જ મા હતી,અને તે જ પિતા હતો તેમ નથી.તેમ જ અનેક જન્મમાં અસંખ્ય પુત્રો થઇ ગયા છે,એટલે આપણે બે જ પુત્રો છીએ એમ પણ નથી.

આ જગત-રૂપી ભ્રમમાં "આ મા છે,આ બાપ છે,આ પુત્ર છે" એવી ખોટી જ ખટપટ ઉભી થયેલી છે.હે,ભાઈ,વાસ્તવિક રીતે જોતાં,તારા કોઈ મિત્રો-બાંધવો વગેરે મુદ્દલે છે જ નહિ.જેમ, બહુ તપી ગયેલા નિર્જળ દેશમાં પાણી ની છાંટો હોવાનો પણ સંભવ નથી-તેમ,અદ્વૈત પરબ્રહ્મમાં નાશ થવાનો કે તેમાં તેનો અંશ પણ હોવાનો સંભવ નથી.

હે,ભાઈ,છત્રો અને ચામરોથી ચળકતી આ જે રાજ્ય-આદિ-લક્ષ્મીઓ જોવામાં આવે છે-
તે એક જાતનું સ્વપ્ન જ છે અને તે બે-પાંચ દિવસ (થોડો કાળ) જ રહેનારી છે.(તેથી તે અસત્ય છે)
માટે તું પરમાર્થ દૃષ્ટિથી "સત્ય" વસ્તુનો વિચાર કર.
વાસ્તવિક રીતે જોતાં-તું પણ નથી કે હું પણ નથી.માટે તું "તારા-મારા" ની ભ્રાંતિ ને ત્યજી દે.
"આ જતો રહ્યો કે આ મરી ગયો"એવા ખોટા વિચારો પોતાના સંકલ્પ-માત્ર-રૂપી-સન્નિપાતમાંથી જ ઉઠીને
આગળ ખડા થયેલા જોવામાં આવે છે.એટલે -એ વિચારોમાં કોઈ પણ સત્યતા નથી.

"અજ્ઞાન-રૂપી-તડકા" થી છવાયેલા "આત્મા-રૂપી-મરુદેશ"માં (રણ પ્રદેશમાં) આ ચપળ અને અનંત રૂપોવાળું,"પોતાના-સંકલ્પ-રૂપી-વાસના નામનું-ઝાંઝવાનું જળ"  એ "શુભાશુભ-યોનિઓ-રૂપી-તરંગો"થી નાચ્યા કરે છે.

(૨૦) પુણ્યે,પાવનને અનેક જન્મો ની વાત કહી

પુણ્ય કહે છે કે-હે,ભાઈ,પિતા કોણ છે? માતા કોણ છે? મિત્ર કોણ છે અને બાંધવો કોણ છે?
પિતા,માતા,મિત્ર,શત્રુ,બાંધવો-આદિ "માણસો-રૂપી-રજ ની કણી"ઓ કેવળ,ભ્રાંતિ-રૂપી વંટોળ થી જ ઉઠયા કરે છે.તેમના પ્રત્યે સ્નેહ (આસક્તિ), દ્વેષ કે મોહ-વગેરેની દશાની મોટી ખટપટ પોતે કરેલી ભાવનાથી જ વિસ્તારવાળી થાય છે. ઝેરના કીડાઓ -ઝેરમાં અમૃત ની ભાવના કરે છે,તો તેઓને ઝેર એ અમૃત સમાન થાય છે.માટે એ સિદ્ધ થાય છે કે-ભાવના જ જગતની સ્થિતિ નું કારણ છે.

આત્મા એક જ છે-અને સર્વવ્યાપક છે
તો તેમાં "આ બંધુ છે અને આ બીજો છે" એવી કલ્પના,ભ્રાંતિ વગર ક્યાંથી આવવી ઘટે?
હે,ભાઈ, "લોહી,માંસ અને હાડકાં ના સમૂહમય આ જડ દેહ-રૂપી પિંજર થી જુદો-ચેતનવાળો  હું કોણ છું?"
એમ તું પોતે જ પોતાના ચિત્તથી વિચારી જો.

વાસ્તવિક રીતે જોઈએ તો,તું પણ કોઈ નથી અને હું પણ કોઈ નથી.
"આ પુણ્ય છે અને આ પાવન છે" (બંને ભાઈઓ) વગેરે રૂપે મિથ્યા જ્ઞાન જ રૂઢ થાય છે.
તું અનંત -વ્યાપક- વિસ્તારવાળું બ્રહ્મ-તત્વ જ છે.તો તારો પિતા કોણ હોય? કે માતા કોણ હોય?
બંધુ કોણ હોય કે શત્રુ કોણ હોય? તારે પોતાનું શું હોય? કે પરાયું શું હોય? એ તું જ કહે.

તારા આ જન્મ ઉપરાંત બીજા ઘણા ઘણા જન્મો થઇ ગયા છે,તેમાં પણ તું -એનો એ જ હતો,તો પછી,
જે બંધુઓ અને વૈભવો તે જન્મોમાં હતા,તે સર્વે નો તું શા માટે શોક કરતો નથી?
હે,ભાઈ,તારા ઘણાઘણા જન્મોમાં,આ જગતમાં સેંકડો માતાઓ.પિતાઓ.બંધુઓ અને મિત્રો વ્યતીત થઇ ગયા,તો તેઓમાંથી કોનો શોક કરીએ અને કોનો ન કરીએ?
જગતની સ્થિતિ જ આવી છે -તો પછી, કોઈનો ય અત્યંત શોક શા માટે કરવો જોઈએ?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE