More Labels

Jan 23, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-398

જે ચિંતવન (મનન) છે તે જ ચિત્ત (મન)ની વૃત્તિ છે-એમ કહેવામાં આવે છે.એ ચિંતવન -આશાથી જુદું નથી,તેથી તમે-ચિત્ત (મન) ની "વૃત્તિ-રૂપી-આશા"નો ત્યાગ કરી નિશ્ચિંત થાઓ.
જેની જે વૃત્તિ (જેમ કે ચિત્ત ની વૃત્તિ) હોય-તેની તે વૃત્તિ નો જો અભાવ થાય તો તે તેનો ક્ષય (નાશ) જ છે.એટલા માટે ચિત્ત નો ક્ષય કરવા "ચિત્ત ની વૃત્તિ" નો ક્ષય કરો.

હે,મહાત્મા-રામ,તમે સઘળી તૃષ્ણાઓને શાંત કરીને -એટલેકે આશા નામના ભવ-બંધન ને તોડી નાખીને,જીવનમુક્ત થાઓ.મનમાં રહેનારી નીચ આશાઓ જ આત્માને બેડીની જેમ બંધન ના કારણ-રૂપ થાય છે.જો આશાઓ ગલિત થઇ જાય તો-કોણ મુક્ત ના થાય?

(૨૨) બલિરાજા નું આખ્યાન -બલિરાજાએ કરેલો વિચાર

વસિષ્ઠ કહે છે કે-અથવા-(નોંધ-આગળના પ્રકરણમાં બતાવ્યા મુજબ -આશાઓને ગલિત કરવાનું કહ્યું છે)
હે,રામ, તમે બલિરાજાની પેઠે અકસ્માત "વિચાર"ના ઉદયથી નિર્મળ જ્ઞાનને પ્રાપ્ત થાઓ.

રામ કહે છે કે-હે,ભગવન,તમારી કૃપાથી હું હૃદયમાં સર્વાત્મક બ્રહ્મને પ્રાપ્ત થઇ ચૂક્યો છું.
અને મને એ નિર્મળ-પદમાં વિશ્રાંતિ મળી છે.મારા મનમાંથી તૃષ્ણા-રૂપી મોટો અંધકાર જતો રહ્યો છે.
હું હવે પૂર્ણ-ચંદ્રની જેમ-જ્ઞાનથી ભરપૂર,સ્વસ્થ,શીતળતાવાળો,મોટા પ્રકાશવાળો,બ્રહ્માનંદ-વાળો થઈને,
સ્વ-રૂપમાંજ રહ્યો છું.આમ છતાં,હે,ગુરુ મહારાજ,આપનાં વચનો સાંભળીને હું તૃપ્ત જ થતો નથી.
માટે હજી પણ મારા જ્ઞાનની વૃદ્ધિ માટે,આપ બલિરાજાને જે પ્રકારથી જ્ઞાનની પ્રાપ્તિ થઇ હોય -
તે પ્રકાર-મને કહી સંભળાવો.સદગુરુઓ,નમ્ર શિષ્યને બોધ આપવામાં,પરિશ્રમ ને ગણકારતા નથી.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,તમને હું બલિરાજાનું ઉત્તમ વૃત્તાંત કહું છું તે તમે સાંભળો.
આ બ્રહ્માંડ ની અંદર "કોઈ દિશા-રૂપી-નાની-કુંજ"માં,પૃથ્વી ની નીચે,"પાતાળ" નામનો એક લોક છે.
કે જે દાનવો અને દાનવ-કન્યાઓથી ભરપૂર છે.અને ત્યાં દૈત્યો નો મોટો રાજકારભાર ચાલ્યા કરે છે.
એ પાતાળમાં વિરોચન નો પુત્ર "બલિ" નામનો દાનવ રાજ્ય કરતો હતો.

બ્રહ્માંડો-રૂપી-રત્નો ના ભંડાર-રૂપ,સર્વ પ્રાણીઓના રક્ષક અને ત્રૈલોક્યના પાલક-વામનજી (વિષ્ણુ નો અવતાર) ભગવાન એ બલિરાજાનું પાલન (અને રક્ષણ) કરતા હતા.(નોંધ-ભાગવતમાં આની કથા છે)
આ બલિરાજા બહુ પ્રતાપી હતો,અને ઇન્દ્ર-વગેરે લોકપાલોને તેણે રમતમાત્રમાં જીતી લીધા હતા.
અને એણે દશ કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું.અનેક યુગો વીતી ગયા- ત્યારે,દાનવોના આ રાજા ને ભોગોમાં
અરુચિ ઉત્પન્ન થઇ.અને આમ થતાં તે પોતાના મહેલના ગોખમાં બેઠે બેઠે પોતાની મેળે જ
સંસાર ની સ્થિતિ પર નીચે પ્રમાણે વિચાર કરવા લાગ્યો.

"મારી શક્તિ શત્રુઓથી કુંઠિત જ થતી નથી,પણ મારે આ ચક્રવર્તી રાજય કેટલા દિવસ સુધી કરવું?
ત્રૈલોક્યમાં મારે કેટલા દિવસ સુધી વિહાર કરવો? ત્રૈલોક્ય ને આશ્ચર્ય આપનારો અને ઘણા ભોગોથી મનનું
આકર્ષણ કરનારો આ મારો મોટો દેશ ભોગવવાથી મને શું ફળ પ્રાપ્ત થશે?
ભોગો નો આ સંપૂર્ણ ઉપભોગ ઉપરઉપરથી મીઠો લાગે એવો છે,
પણ અંતે નાશ પામીને મહાદુઃખ આપે એવો છે.તે મને શું સુખ આપે છે?
રોજ રોજ વળી-પાછો દિવસ ઉગે છે,રોજરોજ વળી રાત્રિ પડે છે,અને વળી પાછાં
એનાં એ જ કાર્યો કરવામાં આવે છે.વારંવાર એનાં એ જ કાર્યો કરવાથી લજ્જા પામવી જ યોગ્ય છે,
રાજી થવું એ યોગ્ય નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE