Jan 24, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-399

ફરીફરીને કાંતા (સ્ત્રી) ને  આલિંગવી અને ફરીફરીને તેને ભોગવવી-
એ તો બાળકના જેવી રમત જ કહેવાય,માટે મહાત્મા પુરુષોએ તો એથી લજાવું જોઈએ.
ભોગવાઈ ભોગવાઈ ને તુરત જ સ્વાદ-રહિત થઇ જતા એવા,
તેના તે ભોગોને દિવસે દિવસે વારંવાર ભોગવવાથી સમજુ પુરુષ શા માટે લજવાય નહિ?
રાત્રિ-દિવસ આવે ને જાય છે,અને એનાં એ જ કાર્યો કરવામાં આવે છે,
તો હું ધારું છું કે એ રીતે વારંવાર ચૂંથણાં કરવાં એ તો સમજુ પુરુષને ઉપહાસ કરાવનાર છે.

અને આવાં નિત્ય વારંવાર થતાં એવાં કાર્યો થી એવું કયું ફળ પ્રાપ્ત થાય એમ છે ?
કે-તે પ્રાપ્ત થયા પછી બીજી (કે ફરીથી) કાંઇ કડાકૂટ જ કરવી પડે નહિ?
આ લોકનાં અને પરલોકનાં સુખને માટે કર્મોની આ મોટી ખટપટ મારે કેટલા કાળ (સમય) સુધી કર્યા કરવી?
અને એ કરવાથી કયું અવિનાશી ફળ મળે તેમ છે?
આ તો અંત વિનાની છોકરાં ની રમત જ જણાય છે.કે જેનું પરિણામ જોતાં કંઈ સાર નથી.

જેમને દુઃખોના સમૂહોમાં પડવાની ઈચ્છા હોય,તેઓ જ આ વ્યર્થ રમતની વારંવાર પુનરાવૃત્તિ કર્યા કરે છે.
આ કડાકૂટમાં મને કોઈ એકેય એવું  અતિ ઉત્તમ ફળ જોવામાં આવતું નથી કે-
તે ફળ પ્રાપ્ત થયા પછી,બીજું કશું કરવાનું બાકી રહે જ નહિ.
આ કડાકૂટમાં માત્ર ભોગ ભોગવવાનું જ સુખ મળે છે,અને તે સુખ તો ક્ષણિક છે,અને તુચ્છ છે.
એથી કાંઇ બીજા પ્રકારનું (કે મોક્ષનું) અવિનાશી સુખ મળે તેમ નથી.
(બલિરાજા વિચારે છે કે) તો હવે હું વિચાર કરી જોઉં-કે અવિનાશી સુખ શું છે? અને તે કેમ મને મળે?

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આમ વિચારીને બલિરાજા તરત એકાગ્ર થઈને ચિંતવન કરવા લાગ્યો.
મનમાં વિચાર કરતાં સ્મરણ પ્રાપ્ત થવાથી (યાદ થવાથી) તે પોતાના મન-મનમાં જ બોલ્યો કે-
"હા,મને યાદ આવ્યું.જગતની પૂર્વાપર પદ્ધતિને જોઈ લેનારા અને
આત્મતત્વને જાણનારા મારા મહાત્મા પિતા વિરોચન ને મેં પૂર્વે પૂછ્યું હતું કે-

'જેમાં સંસાર સંબંધી સઘળાં દુઃખોની અને સુખોની સઘળી ખોટી કડાકૂટો શાંત થઇ જાય,
તેવો સંસાર નો અંત ક્યાં કહેવાય છે? હે,પિતા,મન નો મોહ કયા સ્થળમાં શાંત થાય છે?
સઘળી તૃષ્ણાઓ કયા સ્થળમાં ટળી જાય છે?અને પુનરાવૃત્તિ વિનાની અખંડ વિશ્રાંતિ કયા સ્થળમાં મળે છે?
કયું સ્થળ પ્રાપ્ત થાય તો-આ સંસાર સંબંધી વિષયોમાંથી મળવાના સુખમાં તૃપ્તિ થઇ જાય? અને
કયું સ્થળ જોવામાં આવે તો-બીજું કંઈ જોવાનું રહે નહિ?

આ સંસાર સંબંધી ભોગો તો અનેકાનેક છે પણ તે સુખ આપતા નથી,
અને એટલું જ નહિ પણ તે સત્પુરુષોના મન ને  પણ ખળભળાવી દે છે,અને તેને મોહમાં પાડી દે છે.
હે.પિતાજી, આમ છે,એટલા માટે "અખંડ આનંદથી પ્રિય લાગે" એવું કોઈ સ્થળ (કે સ્થિતિ) બતાવો,
કે તેમાં રહીને હું લાંબી વિશ્રાંતિ પામું.'

તે વખતે મારા પિતાજી કલ્પવૃક્ષ ની નીચે બિરાજ્યા,કે જે કલ્પવૃક્ષ સ્વર્ગમાંથી બળાત્કારે હરી લેવામાં આવ્યું હતું અને આંગણામાં રોપવામાં આવ્યું હતું.મારું એ પ્રકારનું પૂછવું સાંભળીને મારા મોહને શાંત કરવા,મારા પિતાજીએ કલ્પવૃક્ષના વિસ્તીર્ણ-રસાયણો-રૂપ મધુર વચન મને કહ્યું હતું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE