Feb 4, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-410

હે,રામ,બલિરાજા એ પ્રમાણે વિચાર કરીને,"ફરીથી વિશ્રાંતિ" માટે પોતાના મનને ગલિત કરવા લાગ્યો,પણ એટલામાં તો દૈત્યોથી તે  વીંટળાઈ  ગયો.અને તેમના પ્રણામોને સ્વીકારવામાં આકુળ થયેલાં નેત્રોવાળા તે બલિરાજાએ એ દૈત્યો ને જોઈ લીધા અને ત્યાર પછી તેણે મનમાં વિચાર કર્યો કે-

"હું નિર્વિકલ્પ ચૈતન્ય-રૂપ છું,તો -પછી-મારે ગ્રહણ કરવા યોગ્ય કયો પદાર્થ છે? "જો આ ગ્રહણ કરવા યોગ્ય છે" એવી આસક્તિથી મન કોઈ પદાર્થને ઝડપે,તો તે રંગ-રૂપ-વાળી  મલિનતા ને પ્રાપ્ત થાય છે,પણ પદાર્થો ને (આસક્તિ વગર) માત્ર જોવાથી મન,તેવા (મલિનતાના) મળને પ્રાપ્ત થતું નથી.

અહો,હું મોક્ષને શા માટે ઈચ્છું છું? કારણકે-પ્રથમ તો મને બાંધ્યો જ છે કોને?
હું મુદ્દલે બંધાયો નથી,છતાં મોક્ષને ઈચ્છું છું,
આ તો કેવળ બાળકો ની રમત જેવું જ થાય છે.એ તે કેવી (મૂર્ખ) વાત?

હકીકતમાં મને બંધન પણ નથી અને મોક્ષ પણ નથી.મારી મૂર્ખતા ટળી ગઈ છે.
(એટલે) હવે મારે ધ્યાનના વિલાસથી કે સમાધિથી શું મેળવવાનું છે?
"ધ્યાન અને ધ્યાનના અભાવ" ની ભ્રાંતિ ને ત્યજી દઈને
મારું આત્મ-તત્વ,પોતાના સ્વ-ભાવને લીધે,(જગતને) ઉદાસીન-પણા (અનાસક્તિ)થી જોયા કરે છે.

માટે,તે (જગતને) જોવામાં-કોઈ વસ્તુ તેની (આત્મ-તત્વની) સામે સ્ફુરે તો ભલે સ્ફુરે,
એમ થવાથી મને કાંઇ હાનિ કે વૃદ્ધિ થવાનાં નથી.
હું હવે,ધ્યાન ને ઈચ્છતો નથી કે ધ્યાન ના અભાવને પણ ઈચ્છતો નથી.
હું તો સઘળા સંતાપોથી રહિત છું,અને સર્વમાં "સમ-ભાવે" જ રહેલો છું.
હવે,મને સમાધિ ના આનંદ ની પણ ઈચ્છા નથી કે જગતની સ્થિતિ ની પણ ઈચ્છા નથી.
તેથી,મારે ધ્યાન નું પણ શું કામ છે? અને વૈભવનું પણ શું કામ છે?

મને દેહનો સંબંધ નહિ હોવાથી હું મર્યો પણ નથી અને મને પ્રાણનો સંબંધ નહિ હોવાથી હું જીવતો પણ નથી.
હું સ્થૂળ,સુક્ષ્મ કે કોઈનો વિકાર નથી.આ દેહ-રાજ્ય વગેરે મારાં નથી.હું મને જ પ્રણામ કરું છું,
હું તો બ્રહ્મ (ચૈતન્ય) છું,આ જગતનું (મારું) રાજ્ય રહે તો ભલે રહે અને જાય તો ભલે જાય.
રાજ્ય રહે કે ના રહે પણ હું તો શાંત-પણે મારા "સ્વ-રૂપ"માં (સમતાથી) જ રહીશ.

મારે ધ્યાન કરીને શું કરવાનું છે? કે રાજ્યના વૈભવને ભોગવીને શું કરવાનું છે?
જે આવતું હોય તે ભલે આવે અને જે જતું હોય તે ભલે જાય,હું કોઈનો નથી અને મારું કોઈ નથી.
મારે હવે જો કર્તાપણા ના અભિમાન-પૂર્વક કંઈ કર્તવ્ય નથી-
તો હું આ ચાલતું રાજ્ય નું કામ,આસક્તિ વિના (સમતા રાખી) શા માટે કરું નહિ?"

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,જ્ઞાનીમાં ઉત્તમ અને પૂર્ણતાવાળા એ બલિરાજાએ -ઉપર પ્રમાણે નિશ્ચય કર્યો,
અને જેમ સૂર્ય કમળ ને જુએ છે,તેમ તેણે દૈત્યો ને જોયા.
જેમ પવન પુષ્પોની સુગંધ નું ગ્રહણ કરે છે-તેમ,બલિરાજાએ સહુ દૈત્યોના પર જુદીજુદી દૃષ્ટિ કરવાની
વિચિત્રતા થી,સઘળા દૈત્યો ના પ્રણામો સ્વીકાર્યા.
પછી તે બલિરાજા "ધ્યેય" નામની વાસનાના ત્યાગ-વાળા માંથી સઘળાં રાજ-કાર્યો કરવા લાગ્યો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE