Feb 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-433

એ સુવર્ણ-મય ઘરની અંદર સમાધિમાં સ્થિર થયેલો પ્રહલાદ,એ બ્રહ્માની જેમ શોભતો હતો.વિષ્ણુ ભગવાને તેને દીઠો.એ વખતે એ સ્થળમાં જે બીજા દૈત્યો હતા તે વિષ્ણુ ના તેજથી ત્રાસ પામીને ત્યાંથી દૂર થઇ ગયા.
વિષ્ણુ ભગવાને પોતાના પાર્ષદો અને અમુક દૈત્યો સાથે પ્રહલાદના ઘરમાં પ્રવેશ કર્યો,અને પ્રહલાદ પાસે જઈને "હે મહાત્મા જાગ્રત થા" એમ કહીને પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો.

પ્રહલાદ ધીરે ધીરે જાગ્રત થવા લાગ્યો,બ્રહ્મ-રંઘ્રમાંથી ઉઠેલી પ્રાણ-શક્તિએ પ્રહલાદ ના દેહને ભરી દીધો,અને તે પ્રાણની શોભા પ્રગટ થતાં,તરત જ પ્રહલાદ ના શરીરમાં ચારે બાજુ પ્રાણશક્તિ વ્યાપ્ત થઇ ગઈ.ઇન્દ્રિયો,પોત-પોતાનાં નવે ગોલકોમાં પ્રવૃત્ત થતાં,લિંગ-શરીર-રૂપી-દર્પણમાં,પ્રતિબિમ્બિત  થયેલું,પ્રહલાદનું ચૈતન્ય,દૃશ્યગામી બન્યું!!!

હે,રામ,જેમ દર્પણમાં પ્રતિબિમ્બિત થયેલું મુખ,બે-પણા ને પ્રાપ્ત થાય છે,
તેમ દૃશ્યગામી થયેલું પ્રહલાદનું ચૈતન્ય,મન-પણાને પ્રાપ્ત થયું.
અને આમ થતાં પ્રહલાદનાં નેત્રો,ધીરે ધીરે ખૂલવા માંડ્યાં.
પ્રાણ-અપાન વાયુઓએ "નાડીઓના છિદ્રો"માં ગતિ કરવા માંડતાં,પ્રહલાદના શરીરમાં ગતિ થઇ.
આ પ્રમાણે પ્રહલાદ જાગ્રત થયો એટલે વિષ્ણુ ભગવાને તેને નીચે પ્રમાણે કહ્યું.

વિષ્ણુ ભગવાન કહે છે કે-હે મહાત્મા,તારી રાજ્ય-લક્ષ્મીનું ને તારા દેહનું સ્મરણ કર.
તું સમય વિના જ આ દેહનો અંત શા માટે કરે છે ?
તું કે જે "આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે"એવા સંકલ્પોથી રહિત છે.તો,તને શરીર છતાં,પણ,
પ્રિય કે અપ્રિય પદાર્થોમાં શી આસક્તિ થવાની છે?
માટે હવે ઉઠ. આ કલ્પ પૂરો થાય ત્યાં સુધી તારે આ દેહથી જ આ જગતમાં રહેવાનું છે.
દૈવ ના યોગને -ને- યથાર્થ નિયમને,અમે સંપૂર્ણ રીતે જાણીએ છીએ.

તું -કે -જે-જીવનમુક્ત છે,તેણે તારા આ શરીર ને,આ રાજ્યમાં રહીને જ,આ કલ્પ પૂરો થાય ત્યાં સુધી,
કોઈ ઉદ્વેગ નહિ રાખતાં,વ્યવહાર માં લગાવવાનું છે.
કલ્પ-ને અંતે જયારે આ શરીર વીંખાઈ જશે,ત્યારે,
જેમ ઘટાકાશ,મહાકાશ માં મળી જાય,તેમ તારે,સ્વ-રૂપ-ભૂત-વ્યાપક-પર-બ્રહ્મ માં નિવાસ કરવાનો છે.
કલ્પ-ના અંત સુધી,રહેનારું અને જેણે આ જગતના સર્વ વ્યવહારોની પદ્ધતિ જાણેલી છે,
તેવું તારું આ શરીર,જીવનમુક્ત ના વિલાસોવાળું થયેલું છે.

હજી જગતનો પ્રલય થવાને ઘણી જ વાર છે,હજી બારે સૂર્યો ઉગ્યા નથી,પર્વતો પીઘળી ગયા નથી,
અને જગત બળવા લાગ્યું નથી,(Global Warming!!) તે છતાં તું શરીર નો નકામો ત્યાગ શા માટે કરે છે?
હજી ત્રૈલોક્યની ભસ્મ થી ભૂરો થયેલો,ઉન્મત્ત પવન વાતો નથી,
તે છતાં તું શરીર ને વિના કારણ શા માટે ત્યજી દે છે?
હજી પ્રલય ના મેઘો ની વીજળીઓ,બ્રહ્માંડ માં ચમકવા લાગી નથી,તે છતાં શરીર ને કેમ ત્યજી દે છે?
હજી બ્રહ્માંડની ભીંતો,પૃથ્વી ના કંપથી,કડાકા કરતા પર્વતો વાળી અને બળતા અગ્નિ થી ધખધખ થઈને
તુટવા માંડી નથી-તે છતાં તું શરીર ને પ્રયોજન વિના શા માટે છોડી દે છે?

હજી જગત,વૃદ્ધિ પામેલા પ્રલય-વાળું,અને જેમાં બ્રહ્મા-વિષ્ણુ-રુદ્ર નામના ત્રણ દેવ જ અવશેષ રહ્યા હોય -
તેવું થયું નથી,તે છતાં,અમસ્થું,તું શરીર ને શા માટે છોડી દે છે?
હજી પર્વતો ને ફાડી નાખીને તેઓના ધડાકાઓ (ધરતીકંપો) કરાવનારાં,
સૂર્ય નાં કિરણો આકાશમાં ભ્રમણ કરવા લાગ્યાં નથી,તે છતાં શરીર ને તું શું કામ છોડી દે છે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE