Mar 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-448

વર્ષો-કલ્પો અને યુગો-વગેરે-રૂપ જે આ લૌકિક કાળ છે-તે તો સૂર્ય આદિ-ગ્રહોની ગતિ પરથી કલ્પાયેલો છે.
અને તે (લૌકિક કાળ) ઉપરથી પદાર્થોના પ્રતિબંધો અને ઉદય કલ્પાયેલા છે.
જેઓનાં ચિત્તોને ભ્રાંતિ થઇ હતી તેવા -ભૂતમંડળનાં અને કીરદેશનાં માણસોને,સૌને સમાન (એક પ્રકાર નો જ) પ્રતિભાસ થવાથી,તેમણે તારો ચાંડાળ-પણાનો આડંબર જોયો અને તે આડંબરનો અંત પણ જોયો હતો.
હે,ગાધિ,હવે તું વર્ણાશ્રમ સંબંધી પોતાનાં કર્મોમાં તત્પર રહીને,બુદ્ધિથી આત્માનો વિચાર કરજે,અને મનના મોહને ત્યજી દઈને અહીં જ રહેજે.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,મહાસમર્થ વિષ્ણુ ભગવાન એટલાં વચન કહીને,અંતર્ધાન થઇ ગયા.ત્યારે,(ભગવાન નું આવું કહેવા છતાં) તે ગાધિ-બ્રાહ્મણ ઘણી ચિંતાઓ-વાળી બુદ્ધિથી તે પર્વતની ગુફામાં જ રહ્યો અને વિષ્ણુ નું જ આરાધન કરતો રહ્યો..એટલે એક દિવસ વિષ્ણુએ ફરીથી ગાધિને દર્શન દીધાં, ત્યારે ગાધિએ તેમને પ્રણામ તથા માનસિક પૂજન કરીને,તેમની આજ્ઞા લઇ નીચે મુજબ કહ્યું.

ગાધિ કહે છે કે-હે,મહારાજ,મારી ચાંડાળ-પણાની સ્થિતિનું તથા જન્મ-મરણ-આદિ ઘણા અનર્થો-વળી,આ
સંસાર-રૂપી માયાનું સ્મરણ કર્યા કરતો,હું હજી ચિત્તમાં મૂંઝાયા કરું છું,માટે મારા મોહની નિવૃત્તિ માટે,
ઉપાય કહીને આપે તુરત જ જતું રહેવું નહિ,પણ સઘળો મોહ ટળી જાય,ત્યાં સુધી અહી જ બિરાજવું.
આપ મને કોઈ એક નિર્મળપણા-વાળા કાર્યમાં જોડો.

વિષ્ણુ ભગવાન કહે છે કે-હે,ગાધિ,આ જગત ઈન્દ્રજાળની જેમ માયાના આડંબર-રૂપ છે.અને આ જગતમાં
"સ્વ-રૂપ" ના વિસ્મરણ (અજ્ઞાન) ને લીધે સઘળા પ્રકારોનાં આશ્ચર્યો ની કલ્પના થવી સંભવે છે.
ભૂતમંડળ અને કીરદેશમાં તેં જે જોયું તે,સઘળું અજ્ઞાન-રૂપ નિમિત્ત થી જ સંભવે છે.
જેમ,નિંદ્રામાં અજ્ઞાનને લીધે કદી નહિ જોયેલા પદાર્થોનો ભ્રમ  થાય છે(એનો સર્વ લોકોને અનુભવ હોય છે જ) તેમ,એ સઘળું કે તેં જોયું છે-તે તારા અજ્ઞાનને લીધે થયેલી ભ્રાંતિ જ છે.

જેમ તેં પોતે ખોટો -ચાંડાળપણાનો અનુભવ સાચા જેવો જોયો,તેમ તે દેશના લોકોએ પણ તેને સાચા જેવો જોયો.આમ સંકલ્પો ની સમાનતા થવાને લીધે,કાળ,આદિની પણ સમાનતા થવી સંભવે છે.
હવે હું,તને તારા મનથી થયેલા ધિક્કાર નું નિવારણ કરનારી ખરી વાત કહું છું-તે સાંભળ.

ભૂતમંડળમાં પૂર્વે એક "કટન્જ" નામનો ચાંડાળ (ખરેખર- કે સાચો) રહેતો હતો,
તે તારા જોવામાં આવેલા જેવા જ સઘળા આકાર-વાળો હતો,એ ચાંડાળ તેં જોયેલા પ્રમાણે જ કુટુંબ થી રહિત થઈને કીરદેશ ગયો હતો,અને ત્યાંનો રાજા થયો હતો,પછી તેણે અગ્નિમાં પ્રવેશ પણ,કર્યો હતો.
તેં જળની અંદર જયારે ડૂબકી મારી ત્યારે તારા ચિત્તમાં જે એ કટન્જ રૂપે રહેવાનો ભ્રાંતિ-રૂપ આભાસ થયો હતો,તે કેવળ મારા સંકલ્પ (!!) ને લીધે જ થયો હતો.(ગાધિને માયા નાં દર્શન કરાવવા માટે)

મનુષ્યનું ચિત્ત સ્વપ્ન ની જેમ જાગ્રત સ્થિતિમાં પણ,અનેક પ્રકારના ભ્રમો ને દેખે છે.અને,
હે,ગાધિ,જેમ,ત્રિકાળદર્શી યોગીને ભવિષ્ય અને ભૂતકાળ ના પણ પદાર્થો નો દેખાવ નજરે પડે છે,
તેમ તને ભૂતકાળમાં થઇ ગયેલું કટન્જ નું આચરણ,વર્તમાનમાં ભ્રાંતિ થી જણાયું.
"આ ભ્રાંતિ કેવી રીતે થઇ ગઈ?" એવી શંકા રાખવી નહિ,કેમ કે-
આત્મજ્ઞાન વિનાના સર્વ લોકોને "પોતા-રૂપ નહિ -એવા દેહમાં"-- "હું છું" એવી- અને
જે ઘર,સ્ત્રી બાળકો-પોતાનાં નથી તેઓ "આ મારાં છે" એવા
જે મહા-પ્રબળ ભ્રમો થયા જ કરે છે,તેઓની આગળ તો તારી (આ ચાંડાળ ની) ભ્રાંતિ તો કશું પણ નથી !!!


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE