More Labels

Apr 9, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-475

સુરઘુ સ્વગત કહે છે કે -આ દેહમાં,કર્મેન્દ્રિયો,જ્ઞાનેન્દ્રિયો અને તે ઇન્દ્રિયોના ભોગો-તે હું નથી અને તે મારા નથી.આ સંસાર-રૂપી દોષના મૂળ-રૂપ જે મન છે-તે પણ જડ હોવાથી-તે હું નથી અને તે મારું નથી.
બુદ્ધિ અને અહંકાર પણ મનથી જ કલ્પાયેલાં છે-વાસ્તવિક નથી,તેથી તે હું નથી અને તે મારાં નથી.આ રીતે શરીરથી માંડીને મન-બુદ્ધિ-અહંકાર સુધીનાં સ્થૂળ-સૂક્ષ્મ ભૂતો નો સમુદાય હું નથી.કે તે મારાં નથી.

હવે જે અવશેષ-રૂપ (જે હું કે મારું પંચભૂતમાંથી બનેલ મનુષ્ય-રૂપ) રહ્યું તેનો વિચાર કરું.
અવશેષ તો ચેતન-સ્વ-રૂપ જીવ (મનુષ્ય) રહ્યો-પણ તે પ્રમાતા છે.અને -તે-પ્રમાતા-
(પ્રમાતા-પ્રમાણ અને પ્રમેય -એ ) ત્રિપુટીની અંદર આવી જાય છે.
અને આ  ત્રિપુટી -તો-સાક્ષી (આત્મા) થી જણાય તેવી છે,
માટે તે જીવ (મનુષ્ય) સ્વયંપ્રકાશ નહિ હોવાને લીધે આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી તેમ જણાય છે.

(નોંધ-દા.ત.સૂર્ય એ પ્રમાતા (જ્ઞાતા) છે,તેના કિરણો તે પ્રમાણ (જ્ઞાન) છે અને
તે કિરણો થી જે વસ્તુઓ-જેમકે ઘડો વગેરે પ્રકાશે છે તે પ્રમેય(જ્ઞેય) છે-
જીવના -આમ તો બે અર્થ છે-પણ અહી આત્મા જેમાં છે તેવું પ્રાણી કે મનુષ્ય  એવો અર્થ લેવો જોઈએ?!!!)

આ પ્રમાણે હું સાક્ષીથી (આત્માથી) જણાય તેવી સઘળી વસ્તુઓનો ત્યાગ કરું છું.
કેમકે માપમાં આવનારી જે જે વસ્તુઓ છે તે -હું  નથી.
સર્વનો ત્યાગ કરતાં -તો જ્યાં કોઈ જાતના વિકલ્પ નથી-એવું શુદ્ધ ચૈતન્ય (આત્મા-પરમાત્મા) અવશેષ રહે છે.માટે તે  (શુદ્ધ ચૈતન્ય-કે-આત્મા-પરમાત્મા) જ હું છું.
આ તો આશ્ચર્ય થયું.મને આત્માની પ્રાપ્તિ થઇ ગઈ!! ઘણા કાળ સુધી યત્ન કરતાં કરતાં આજ હું સફળ થયો.

હું એ ચૈતન્ય-શક્તિ છું કે જે ચૈતન્યશક્તિ વિષયો-રૂપી રોગથી રહિત છે.સઘળી દિશાઓમાં ભરપૂર છે અને
ભૈરવી આકાર ધારણ કરનારી છે.તે મનની સઘળી વૃત્તિઓમાં રહેલી છે,સૂક્ષ્મ છે,ઇષ્ટોથી તથા અનિષ્ટોથી
રહિત છે,બ્રહ્મ-લોક સુધીનાં સઘળાં ભુવનોની અંદર રહેલી છે.અને સઘળી શક્તિઓની ડાબલી-રૂપ છે.
તે નિરતીશય આનંદથી ભરપૂર છે અને દીવાની જેમ સર્વને પ્રકાશ આપનારી છે.

તે ચૈતન્ય-શક્તિ સઘળાં બ્રહ્માંડો-રૂપી મોતીઓમાં એક-રૂપે રહેનારા લાંબા તાંતણા જેવી છે.
કલ્પનાથી તે સઘળા.આકારો-વિકારો વાળી છે,પણ વાસ્તવિક રીતે તે આકારો-વિકારો થી રહિત છે.
સઘળા પ્રાણીઓના સમૂહપણાને પામેલી છે,સદા સર્વપણાને પામેલી છે,અને સર્વ (ચૌદ) લોકોના
પદાર્થોને પોતાના વિશાળ ઉદરમાં ધરી રહેલી છે.

આ જગત-રૂપી જે કલ્પના જોવામાં આવે છે તે સઘળી એ અનુભવરૂપ ચૈતન્ય શક્તિમય જ છે.
સુખ-દુઃખ ની દશાઓ તથા તેથી થતી ગતિઓ મિથ્યા આભાસમાત્ર જ છે.
આ મારો આત્મા સર્વમાં વ્યાપક છે અને મારી બુદ્ધિનો સાક્ષી પણ એ જ છે.
એ આત્મા જ કલ્પનાથી આ શરીર-રૂપ થઈને "હું રાજા  છું" એવો ભ્રમ કરતો હતો.

મન,એ આત્માની કૃપાથી જ,દેહ-રૂપી ગાડીમાં (રથમાં) બેસીને "સંસારના સમૂહો-રૂપી લીલા" ઓમાં જાય છે,
ત્યાં તે નાચે-કૂદે છે.આ મનનો નાશ  થતા શરીર -આદિ -કે જે તુચ્છ છે,તે નાશ પામે તો -પણ તેમાં મારું કંઈ નાશ પામતું નથી.હાય,મને પ્રજાના નિગ્રહ-અનુગ્રહ કરવા વિશેની ચિંતાઓ વૃથા જ થઇ હતી.
નિગ્રહ-અનુગ્રહ,એ તો દેહ ને લીધે જ છે,અને એ દેહ તો કંઈ જ નથી,અહો,હું એ સમજી ચૂક્યો છું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE