More Labels

Apr 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-485

પરમાત્મામાં લાગેલા મન વાળો પુરુષ,પોતાનું મન સારાં-નરસાં કર્મોની આસક્તિથી રહિત હોવાને લીધે,તેના શરીરથી બ્રહ્મ-હત્યા થાય તો પણ તેના પાપથી લેપાતો નથી,
અને શરીરથી અશ્વમેઘ યજ્ઞ કરે તો પણ તેના પુણ્ય થી લેપાતો નથી.
એટલે કે-તેવો જીવ,બહારની કોઈ પણ ક્રિયાઓ કરતો હોય તો પણ તે કદી કર્તા કે ભોક્તા થતો નથી.તેથી બહારની ક્રિયાઓ (કર્મો) કરવાથી કે ના કરવાથી તેને કોઈ લાભ કે હાનિ નથી.

હે,રામ,માટે શરીરની સાથે સંબંધ ધરાવનારી સઘળી વસ્તુઓને તથા સર્વે ક્રિયાઓને મનથી બહાર રાખવી,
અને સઘળાં દુઃખોને ઉત્પન્ન કરનાર આસક્તિને,અત્યંત ક્રૂર સમજીને ત્યજી દેવી.
એટલે- આસક્તિ-રૂપી મેલથી રહિત થયેલું મન,પરમાત્મામાં મળીને એક-રસ થઈ જાય છે.

(૬૮) આસક્તિ ને ટાળવાના ઉપાયો

રામ પૂછે છે કે-હે,મહારાજ,મનુષ્યને કયો અને કયા પ્રકારનો સંગ બંધન આપે છે
અને તે સંગ ને કયા ઉપાયથી ટાળવો? કયો સંગ મનુષ્યને મોક્ષ આપનારો કહેવાય છે?

વસિષ્ઠ કહે છે કે-દેહ અને આત્મા-કે જેઓ પરસ્પરથી અત્યંત વિરુદ્ધ સ્વભાવવાળા છે,
તેઓના પરસ્પર વિલક્ષણપણાનો વિચાર નહિ કરતાં,દેહમાં જ આત્મ-પણા નો વિશ્વાસ રાખવામાં આવે-
તો  એ સંગ,બંધ-ના કારણ-રૂપ કહેવામાં આવે છે.

આત્મા કે જે દેશ-કાળ ની તથા વસ્તુની મર્યાદાથી પર છે,તેનું એ "મર્યાદાથી રહિત-પણું" ભૂલી જઈ,
દેહને જ આત્મા માનીને વિષયોના સુખની લાલચ રાખવામાં આવે તે-સંગ,બંધ-ના કારણરૂપ છે.પણ,
"આ સઘળું જગત આત્મા જ છે,માટે હું કોની ઈચ્છા કરું કે કોને ત્યજી દઉં? ઇચ્છવા કે ત્યજવા યોગ્ય કંઈ છે જ નહિ"  એમ સમજીને અસંગપણાથી રહેવું તે જીવનમુક્તની (અસંગની) સ્થિતિ કહેવાય છે.
"હું દેહ પણ નથી,અને દેહ મારાથી જુદો પણ નથી.માટે દેહ કે જે મિથ્યા જ છે,તેમાં વિષય-સુખો મળે તો પણ ભલે અને ના મળે તો પણ ભલે-હું તો અસંગ જ છું" એવી રીતનો જે મનનો નિશ્ચય છે તે જીવનમુક્ત ની સ્થિતિ છે.

જે પુરુષ કર્મોના ત્યાગને ન ઈચ્છે,કર્મો માં આસક્ત પણ ન થાય,સિદ્ધિ-અસિદ્ધિમાં સમાન બુદ્ધિવાળો રહે,અને
કર્મો ના ફળો નો ત્યાગ કરે-તે પુરુષ સંગ વિનાનો કહેવાય છે.
આત્મામાં જ નિષ્ઠા રાખનારા જે પુરુષનું મન,હર્ષને,ક્રોધને વશ થતું ના હોય,તે પુરુષ સંગ-રહિત કહેવાય છે.
જે પુરુષ સઘળા કર્મોનો અને તેનાં ફળ આદિનો ક્રિયાથી(કર્મોથી) નહિ પણ મનથી જ સારીરીતે ત્યાગ કરીદે,
તે પુરુષ સંગથી રહિત (અસંગ) કહેવાય છે.

જો એક- આસક્તિ ને જ ત્યજી દેવામાં આવે તો-અનેક પ્રકારના દુઃખોથી થતી ચેષ્ટાઓનું ઓસડ મળી આવે છે,અને મોક્ષ-રૂપી પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે.
આસક્તિને લીધેજ ઉદય પામતા સઘળા દુઃખોના સમૂહો,ખાડામાં ઊગેલાં કાંટાળાવૃક્ષોની જેમ સેંકડો શાખાઓથી ફેલાય છે.બળદ-આદિ પશુઓની નાકની નથ ખેંચવાથી ભય પામી ભારને તાણે છે તે આસક્તિનું જ ફળ છે.ઝાડ એક ઠેકાણે જ રહેનારા પોતાના શરીરથી ટાઢ-તડકો-વાયુ ના દુઃખને સહન કરે છે -તે આસક્તિનું જ ફળ છે.મનુષ્યો વારંવાર જન્મે-મરે છે અને નિરુપાય થઇ જાય છે તે આસક્તિનું જ કારણ છે.અનર્થથી ભરેલી આ સંસાર-રૂપી નદી,વૃદ્ધિ પામે છે તે આસક્તિ નું જ કારણ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE