Apr 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-494

આ રીતે જગત-કોઈ પણ પ્રકારે હર્ષને કે શોકને યોગ્ય ઠરતું જ નથી,તે છતાં,તેના સંબંધમાં તમે શા માટે મૂંઝાઓ છો? હે રામ, તમે નકામા વિચારોને તાજી દઈને યથાર્થ વિચાર કરો.
યથાર્થ વિચાર કરનારો પ્રૌઢ મનુષ્ય કોઈ પણ પદાર્થમાં મોહ પામે જ નહિ.
ઇન્દ્રિયોનો-અને-વિષયોનો સંબંધ થતા,જે સુખ અનુભવમાં આવે છે,તે સુખને-
ઇન્દ્રિયો અને વિષયો-રૂપી ઉપાધિઓના ત્યાગ કરીને વિચારીએ-તો-તે સુખ કેવળ "અનુભવ-રૂપ" જ અવશેષ રહે છે,અને જે "અનુભવ" છે તે-સર્વથી-સાર-ભૂત-પરબ્રહ્મ જ છે.એમ કહેવાય છે.

ઇન્દ્રિયોનો અને વિષયોનો સંબંધ થતાં જે સુખ થાય છે,
તેનું જો અજ્ઞાનને લીધે વિષયાકર વૃત્તિથી ગ્રહણ કરવામાં આવે -તો તે સુખ-સંસાર (બંધન) આપે છે-અને-
જો જ્ઞાનને લીધે બ્રહ્મ-ભાવનાથી ગ્રહણ કરવામાં આવે તો મોક્ષ આપે છે.
ઇન્દ્રિયો અને વિષયોનો સંબંધ થતા જે સુખ અનુભવમાં આવે છે-તે સુખ પોતાના લાભથી હર્ષને કે પોતાના નાશથી શોકને ઉત્પન્ન કરનાર- ના- થાય તો તે મુક્તિ જ છે -એમ વિદ્વાનો નું કહે છે.

ઇન્દ્રિયો અને વિષયોરૂપી ઉપાધિઓથી રહિત જે અખંડ પૂર્ણાનંદના સ્ફુરણ-રૂપ "અનુભવ" થાય છે,
તેનું જ અવલંબન કરીને તમે સંસારથી રહિત થાઓ.
"અખંડ અનુભવ"નું અવલંબન કરવાથી અજ્ઞાન જતું રહે છે.જ્ઞાનનો પ્રકાશ થાય છે,અને,
એ જ અનુભવ -જીવનમુક્તિ-એ નામથી કહેવાતી "તુર્યાવસ્થા" થાય છે.

હે,રામ,આવી "તુર્યાવસ્થા" થતાં એવો આત્મા અવશેષ રહે છે કે-જે આત્મા સ્થૂળ નથી,પ્રત્યક્ષ નથી,તેમ જ ના દેખાય તેવો પણ નથી.તે ચૈતન્યના આશ્રય-રૂપ નથી,જડ નથી,અસત નથી,ઉત્પત્તિથી સત્તાવાળો નથી.
હું કે અન્ય કહેવાતો નથી,એકપણા-રૂપ ગુણવાળો નથી,અનેક નથી અને અનેકવાળો નથી.
તે દૂર કે સમીપ રહેલો નથી,સત્તાનો આશ્રય નથી,નથી એમ પણ નથી,નહિ પામવા યોગ્ય નથી,સર્વ-રૂપ નથી,અને સર્વ-વ્યાપક પણ નથી.વચનથી નહિ કહી શકાય એવો હોવાને લીધે,પદાર્થોની પંક્તિમાં નથી,
પદાર્થ થી જુદો નથી,પંચભૂત સ્વભાવવાળો નથી અને પંચભૂત-રૂપ પણ નથી.

કેમ કે-પાંચ જ્ઞાનેન્દ્રિયોથી અને છઠ્ઠા મનથી જે કંઈ વિષયો-રૂપી જગત અનુભવમાં આવે છે,
તેથી ન્યારું (જુદું) આત્મ-સ્વ-રૂપ જગતની અંદરના કોઈ પદાર્થ-રૂપ જેવું હોય જ નહિ.
વાસ્તવિક રીતે જોનારા જ્ઞાનીને જગત જેવું બ્રહ્મ-રૂપ છે તેવું જ દેખાય છે,સઘળું જગત બ્રહ્મમય જ છે.
જગતનો કોઈ પણ અંશ બ્રહ્મથી ભિન્ન નથી.

આત્મા,પૃથ્વીમાં કઠિન-પણા-રૂપે,જળમાં પ્રવાહ-રૂપે,તેજમાં પ્રકાશ-રૂપે,વાયુમાં ગતિરૂપે,અને આકાશમાં
અવકાશ-રૂપે રહેલો છે.માટે જે કંઈ જગત છે તે આત્મા જ છે.

હે,રામ વસ્તુઓની જે જે સત્તા છે,તે તે સત્તા ચૈતન્યથી ભિન્ન નથી."જગત ચૈતન્યથી જુદું છે" એમ જો બોલવામાં આવે તો-તે ઘેલા નું જ બોલવું કહેવાય છે.સઘળા કાળમાં, અનંત કલ્પોના ક્રમોમાં,અને મધ્યમાં પણ જે જે જગતો છે,તથા તે જગતોમાં જીવોનાં જે જવા-આવવાં છે,તે સઘળાં આત્મા જ છે.આત્મા વિના બીજું કંઈ છે જ નહિ.માટે તમે એ પ્રમાણે બુદ્ધિ રાખો અને બુદ્ધિથી સંસાર તરી જાઓ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE