May 10, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-497

જેમ સૂર્યના તાપથી ઝાંઝવાનું જળ ઉત્પન્ન થાય છે-તેમ,આત્મામાં દેહના અધ્યાસથી સત્તા પામેલી,અને પુણ્ય-પાપ-આદિ અનેક અનર્થોથી ભરેલી,એ રાગ-દ્વેષ-રૂપી ખટપટથી સઘળું જગત ઉત્પન્ન થયું છે.

ચિત્તનો અને અહંકારનો ભેદ કહેવા માત્ર જ છે.વાસ્તવિક રીતે નથી.જે અહંકાર છે તે જ ચિત્ત છે અને જે ચિત્ત છે તે જ અહંકાર છેજેમ,વસ્ત્રનો ક્ષય થતાં,વસ્ત્રનો અને તેના ધોળા-પણાનો ક્ષય થાય છે તેમ,ચિત્ત અને અહંકાર-એ બેમાંથી,એક નો ક્ષય થતાં,બંને નો ક્ષય થાય છે.મોક્ષની બુદ્ધિ,બંધની બુદ્ધિ તથા તૃષ્ણા કે જેઓ ખોટાં જ છે,અને તુચ્છ જ છે,તેઓને ત્યજી દઈને,કેવળ વૈરાગ્ય અને વિવેકથી મન ને ક્ષીણ કરવું જોઈએ.

જો "મને મોક્ષ થાય તો ઠીક" એવી ચિંતા અંદર ઉઠી-તો મન ને ઉઠયું જ સમજવું.
અને મન જો ઉઠીને મનન કરવા લાગ્યું,તો તે મન શરીર-રૂપ થઈને અડચણો જ ઉભી કરે છે.
"દેહ હું છું" એવા મનથી જ બંધ ની તથા મોક્ષની ભ્રાંતિ થાય છે.માટે એવા મન ને જ ઉખેડી નાખો.

વાયુ ગતિ-રૂપ-ધર્મ-વાળો હોવાથી,દેહમાં ચાલવા લાગે છે(ગતિ કરે છે-હાથ-પગ વગેરે ચાલવા લાગે છે)
માટે આત્મા અંગોને ચલાવનારો છે તેમ સમજવું નહિ.(નોધ-વાયુ શક્તિ છે!!)
સર્વ-વ્યાપક અને સૂક્ષ્મ-ચૈતન્ય,પોતાથી કે બીજા કોઇથી પણ ડગતું નથી.
સર્વ પદાર્થોમાં પ્રતિબિમ્બિત થયેલું હોવા છતાં,
પોતાના સ્વરૂપમાં જ રહેલું,ચૈતન્ય,જ્ઞાન વડે દીવાની જેમ આ જગતને પ્રકાશિત કરે છે.

અવિદ્યા-રૂપી મોટી નદીનાં મોજાં અથડાવાથી ઉતપન્ન થયેલી ભ્રાંતિથી જ દેહમાં ચેતન-પણું અને
આત્મામાં કર્તા-ભોક્તા-પણું જોવામાં આવે છે.
આત્માના ખરા સ્વરૂપ ના અજ્ઞાનથી જ -"હું પરલોકમાં જનાર-આવનાર છું અને કર્તા-ભોક્તા છું"
એવી વાસના થાય છે.આ વાસના પણ ખોટી હોવા છતાં સાચા જેવી ભાસે છે.અને,
વિષયોની તૃષ્ણા-વાળા મન ને ખેંચે છે.

ઓળખવામાં આવેલી અવિદ્યા (એટલે કે અવિદ્યા જયારે ઓળખાઈ જાય છે ત્યારે)
જ્ઞાનીઓના મનમાંથી નાસી જાય છે.જાણવામાં આવેલી અવિદ્યા (માયા કે અજ્ઞાન) મન ને ખેંચતી નથી.
આત્માના બોધથી વાસના નષ્ટ થઇ જાય છે.અને પરમ-આનંદ-રૂપી પ્રકાશ પ્રાપ્ત થાય છે.
શાસ્ત્ર થી અને યુક્તિઓથી "અવિદ્યા મુદ્દલે છે જ નહિ" એવો નિશ્ચય થતાં,તે પીગળી જાય છે.
"આ જડ દેહ માટે ભોગોનું શું પ્રયોજન છે?" એવા નિશ્ચય-વાળો તત્વવેત્તા પુરુષ,આશા-રૂપી-મેલનો નાશ કરે છે.

હે રામ,આશાના પરિવાર-રૂપી દેહાભિમાન આદિને હૃદયમાંથી દૂર કરી નાખવામાં આવતાં,
નિર્મળતાને પ્રાપ્ત થયેલો પુરુષ,પૂર્ણિમાના ચંદ્રની જેમ પૂર્ણતા ને પ્રાપ્ત થાય છે.
તેવો પુરુષ અત્યંત શીતળ-પણા અને પરમસુખને પ્રાપ્ત થાય છે.
પ્રલયકાળના સમુદ્રની પેઠે પોતાના સ્વરૂપમાં માતો નથી,અને શાંત થયેલા સમુદ્રની પેઠે સ્વરૂપમાં રહે છે.
તે ધીરતારૂપી મોટી સ્થિરતાવાળો થાય છે,સ્વચ્છતા-પણાથી શોભે છે,અને શાંત થયેલા દીવાની પેઠે,
પોતાના સ્વાભાવિક-રૂપને પ્રાપ્ત થઈને તૃપ્ત થાય છે.
વળી,અંદર દીવા-વાળા ઘડાની પેઠે,તે અંદર પ્રકાશ પણાને પ્રાપ્ત થાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE