May 11, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-498

પોતાનો આત્મા કે જે સર્વાત્મક છે અને સર્વમાં રહેલો છે-તેને જ એ પુરુષ -તરીકે દેખે છે.
વિષયી-લોકોના સંગથી તથા વિષયોના રાગ થી અલિપ્ત રહેલો,આત્મામાં જ રુચિવાળો,શાંત-પણાથી બેસતો,પૂર્ણ થયેલો,પવિત્ર મનવાળો,રાગ-દ્વેષ આદિ ભયોથી રહિત થયેલો,સંસાર-રૂપી સમુદ્રને તરી ચૂકેલો,જેમાંથી પાછા વળવું પડતું નથી તેવા પદને પામેલો,જેનું ચરિત્ર મન-વાણી-ક્રિયાથી સર્વ લોકોએ ઇચ્છવા યોગ્ય હોય છે,જેના આનંદ ને સર્વ લોકો વખાણે છે,જેનો કામ-રૂપી કાદવ ધોવાઈ ગયેલો હોય છે,
બંધ-રૂપી ભ્રાંતિ છેદાઈ ગઈ હોય છે,તથા મનનો મન-રૂપી તાવ શાંત થઇ ગયો હોય છે-
એવો જીવનમુક્ત પુરુષ  કશું ઈચ્છતો નથી,કોઇથી રાજી થતો નથી,કશું આપતો નથી,કશું લેતો નથી,
કોઈની સ્તુતિ કે નિંદા કરતો નથી,અસ્ત કે ઉદય પામતો નથી,આનંદ કે શોક કરતો નથી.

જે પુરુષ સઘળા આરંભોને છોડી દેનારો,સઘળી ઉપાધિઓથી રહિત થયેલો
અને સઘળી આશાઓ વિનાનો હોય-તે જીવનમુક્ત કહેવાય છે.
હે રામ,તમે સઘળી આશાઓનો ત્યાગ કરીને ચિત્તથી શાંત થઇ જાઓ.
ચંદ્રના જેવી શીતળતા-વાળી નિસ્પૃહતા,અંતઃકરણને જેવું સુખ આપે છે,
તેવું સુખ આલિંગનથી અંગોમાં વીંટાઈ રહેલી રૂપાળી સ્ત્રી પણ આપતી નથી.
નિસ્પૃહપણાથી જેવું પરમ સુખ પ્રાપ્ત થાય છે તેવું,પરમ સુખ રાજ્ય થી કે સ્વર્ગથી પણ મળતું નથી.

હે રામ,જે મળવાથી ત્રૈલોક્ય ની લક્ષ્મીઓ પણ તરણા જેવી લાગે છે,એવી પરમ શાંતિ નિસ્પૃહપણાથી જ મળે છે.નિસ્પૃહ-પણું કે જે આપદા-રૂપી કાંટાના ઝાડને કાપી નાખવામાં કુહાડા-રૂપ છે,પરમ શાંતિના સ્થાન-રૂપ છે,અને શમ-રૂપી વૃક્ષનાં પુષ્પોના ગુચ્છ-રૂપ છે-તેનું અવલંબન કરો.
નિસ્પૃહપણાથી શોભી રહેલા પુરુષને,પૃથ્વી ગાયના પગલા જેવડી લાગે છે,રત્નોથી ભરેલો મેરુ-પર્વત
ઝાડના ઠૂંઠા જેવો લાગે છે,દિશાઓ નાની દાબડીઓ જેવી લાગે છે અને ત્રૈલોક્ય તરણા જેવું લાગે છે.

આશાઓથી રહિત થયેલા મહાત્મા પુરુષો-આપવું,લેવું,ધન ભેગું કરવું,વિહાર કરવા,વૈભવો ભોગવવા-
ઇત્યાદિ-જગત સંબંધી ક્રિયાઓની હાંસી કરે છે-કારણકે-એ ક્રિયાઓ ઘણા પરિશ્રમો આપનારી,
તુચ્છ ફળ આપનારી,અને ઘણા અનર્થો ઉત્પન્ન કરનારી છે.

જેના હૃદયમાં કદી પણ આશાઓ પગ ના મૂકતી હોય એવા અને
તેથી જ ત્રૈલોક્ય ને તરણાની જેમ ગણનારા પુરુષને કોની ઉપમા આપી શકાય?
જેના હૃદયમાં "આ વસ્તુ મને મળે તો ઠીક અને આ વસ્તુ મને કદી નાપણ મળે તો પણ ઠીક"
એવી કલ્પના જ ઉત્પન્ન થતી હોય-તે પુરુષને લોકો કોના જેવો ગણી શકે? (એટલે કે)
જેને પોતાનું મન સ્વાધીન  થઇ ગયું હોય તેને કોઈની ઉપમા લાગુ પડે જ નહિ.

હે રામ,નિસ્પૃહપણું કે જે સઘળાં સંકટોના છેડા-રૂપ છે,સુખ-રૂપ છે,અને બુદ્ધિનું પરમ સૌભાગ્ય છે -
તેનું અવલંબન કરો.આશાઓનું અવલંબન કરો નહિ.આ જગતને મિથ્યા ભ્રાંતિ-રૂપ છે એમ સમજો.
ધીર પુરુષો જગતને આત્મા-રૂપ સમજીને કોઈ જાતની મૂંઝવણ કરતા જ નથી.
હે રામ,સઘળા પદાર્થોને આત્મા-રૂપ સમજવાથી-બુદ્ધિને અત્યંત આશ્વાસન આપનારું નિસ્પૃહપણું પ્રાપ્ત થાય છે,
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE