May 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-499

વૈરાગ્ય-રૂપી-વીરતા થી ભરેલા પુરુષથી-મોહ ઉપજાવનારી સંસાર-સંબંધી-માયા નાસી જાય છે.ધીર પુરુષને ભોગો આનંદ આપતા નથી,આપદાઓ ખેદ આપતી નથી,અને દૃશ્ય-પદાર્થોની શોભાઓ તેને પોતાના ધૈર્યમાંથી ડોલાવી શકતી નથી.આત્માના તત્વને જાણનારો પુરુષ,રાગ-દ્વેષને પરવશ થઈને-તેઓથી ખેંચાતો નથી,પર્વત ની શિલાઓ ની જેમ નિર્વિકાર રહેનારો જ્ઞાની પુરુષ,ભોગોમાં રુચિ ધરાવતો નથી,પણ,આપોઆપ આવી પડેલા સઘળા ભોગોને આસક્તિ રાખ્યા વિના કેવળ લીલાથી જ ભોગવે છે.

જેમ,દેશ-કાળ અને ક્રમ પ્રમાણે,આવ્યા કરતી ઋતુઓમાં,પર્વત કોઈ પણ પ્રકારના ક્ષોભને પ્રાપ્ત થતો નથી,
તેમ,દેશ-કાળ અને પ્રારબ્ધના ક્રમ પ્રમાણે આવ્યા કરતા સુખ-દુઃખોમાં,જ્ઞાની ક્ષોભને પ્રાપ્ત થતો નથી.
હે રામ, તત્વને યથાર્થ જાણનારો પુરુષ,વાણી-આદિ-કર્મેન્દ્રીયોના વ્યાપારોથી વિષયોમાં ડૂબ્યો હોય,
તો પણ મનથી આસક્તિ વિનાનો હોવાથી,તેનું મન કોઈ પણ વિષયોમાં ડૂબતું નથી.

જેમ,જો સોનાની અંદર બીજી કોઈ ધાતુઓના મિશ્રણ-રૂપી કલંક હોય-તો જ સોનું કલંકિત કહેવાય છે,
પણ જો તે સોનું બહાર થી કાદવ વગેરે થી લેપાયેલું હોય તો-તેથી તે કલંકિત કહેવાતું નથી,
તેમ,જ્ઞાની પુરુષ જો વિષયોમાં આસક્ત હોય-તો જ તે આસક્ત કહેવાય છે,
પણ માત્ર બહારથી વિષયોને ભોગવતો હોય તો તે આસક્ત કહેવાતો નથી.

આત્માને શરીરથી જુદો જોયા કરતા વિવેકી પુરુષનાં સઘળાં અંગો કાપી નાખવામાં આવે,તો પણ તેનું કંઈ કપાઈ જતું નથી,અખંડ પ્રકાશ વાળું નિર્મળ તત્વ-એકવાર જાણવામાં આવ્યું,તો તે જાણેલું જ રહે છે,તે કદી પણ પાછું  ભુલાઈ જતું નથી.આત્મામાં થયેલી જગત-રૂપી ભ્રાંતિ એકવાર ટળી ગઈ પછી,ફરી પ્રાપ્ત થતી નથી.

જેમ,અગ્નિના તાપથી તપીને શુદ્ધ-પણાને પ્રાપ્ત થયેલું સોનું -કાદવમાં ડુબે તો પણ તેની અંદર મેલ જતો નથી,તેમ,વિવેકથી,શુદ્ધ થઈને બ્રહ્મપણાને પ્રાપ્ત થયેલું જ્ઞાની નું મન પાછું વ્યવહારમાં લાગે તો પણ અંદર મેલનું ગ્રહણ કરતુ નથી.એકવાર સત્ય જ્ઞાનથી દેહાભિમાન ટળી ગયું,તો પછી તે જ્ઞાનીને વિષયોથી પાછું કદી બંધન થતું નથી.જેમ,ફળ ઝાડથી છુટું પડી ગયા પછી પાછું ત્યાંજ ફરી ચોંટાડી શકાતું નથી,
તેમ,વિચારથી જુદા પાડેલ આત્માને અને અનાત્માને પાછા જોડવામાં કોઈ સમર્થ નથી.

જેમ,શુદ્ધ જળમાં થયેલી,દુધની ભ્રાંતિ,વિચાર કરવાથી ટળી જાય છે,
તેમ,આત્મામાં થયેલી સંસાર-રૂપી ભ્રાંતિ વિચાર કરવાથી ટળી જાય છે.
સમજુ પુરુષો અનાત્મા ને આત્મા સમજીને ત્યાં સુધી જ સ્વીકારે છે -કે-જ્યાં સુધી,"તે અનાત્મા છે" તેમ
જાણવામાં ના આવે,પણ જેવો તે અનાત્મા તરીકે જાણવામાં  આવે કે તરત જ તેને ત્યજી દે છે.

જેણે ગોળના મધુર રસનો અનુભવ કયો હોય,તે મનુષ્યને તેના તે -અનુભવ ને બદલવા માટે-તે મનુષ્યને
ડામ દઈને કે તેના અંગો કાપીને તે અનુભવને બદલાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ તે મનુષ્યને
ગોળનો જે અનુભવ થયો હોય તે બદલાતો નથી,
તેમ,જેને આત્મ-સ્વ-રૂપ ના આનંદનો અનુભવ થયો હોય,તે મનુષ્યને બીજા મનુષ્યો ગમે તેવી રીતે હેરાન કરીને તે બદલાવવાનો યત્ન કરે પણ-તેને થયેલો આત્મ-સ્વ-રૂપ નો અનુભવ બદલાતો નથી.
ઇન્દ્ર-આદિ દેવતાઓ પણ તેને પોતાને એ લાગણીમાંથી (આનંદ ના અનુભવમાંથી) ડોલાવી શકતા નથી.

એવો બ્રહ્મવેત્તા પુરુષ કદી પણ આંસુઓ વહેવાવતો નથી,
કપાઈ જાય તો પણ કપાતો નથી,બળી જાય તો પણ બળતો નથી અને મરી જાય તો પણ મરતો નથી.
શરીરના પ્રારબ્ધની ગતિથી,ગમે તેવાં ભારે સંકટો આવી પડતાં પણ તેના પર ધ્યાન નહિ આપનારો જીવનમુક્ત પુરુષ,ઘરમાં રહે તો પણ ભલે,રાજ્ય કરે તો પણ ભલે કે જંગલમાં ગુફાઓમાં રહે તો પણ ભલે.
તેને કોઈ જ જાતનો ફરક પડતો નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE