More Labels

May 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-500

(૭૫) અધિકારમાં રહેલા છતાં તેથી નહિ લેપાયેલાઓનાં નામ
વસિષ્ઠ કહે છે કે-હે રામ, જીવનમુક્ત થયેલો જનકરાજા રાજ્ય સંબંધી વ્યવહારો કર્યા કરતો હોવા છતાં,પણ,મનની અંદર સંતાપોથી રહિત,આસક્તિ વિનાની બુદ્ધિવાળો રહીને રાજ્ય કરે છે.તમારા દાદા દિલીપ-રાજા પણ,સઘળાં કામોમાં તત્પર રહેતા હતા,
તે છતાં પણ મનમાં કોઈ પ્રકારની આસક્તિ નહિ રાખતાં,લાંબા કાળ સુધી પૃથ્વીને ભોગવી હતી.

જ્ઞાની હોવાને લીધે,સુખ-દુઃખ-વગેરેના સંગથી દૂર રહીને,લોકોનું પાલન કરતા,વૈવસ્વત મનુએ લાંબા કાળ
સુધી રાજ્ય કર્યું હતું.માંધાતા રાજાએ પણ અનેક વ્યવહારો-યુદ્ધો-વગેરે કર્યા હોવા છતાં,મનમાં રાગ-દ્વેષ-થી રહિત-પણાને લીધે પરમ પદ પામ્યો હતો.બલિરાજા પાતાળમાં રહીને જાણે વ્યવહારને સાચો ગણતો હોય તે રીતે વ્યવહાર કર્યા કરે છે,તો પણ મનથી સર્વદા -સર્વનો ત્યાગ કરીને આસક્તિ વિનાનો હોવાને લીધે જીવનમુક્ત છે.

ઉદાર મનવાળા અને માન ધરાવનારા વૃત્રાસુરે પણ મનમાં શાંત રહીને દેવતાઓ સાથે સંગ્રામ કર્યો હતો,અને ઇન્દ્ર સાથે યુદ્ધ કરીને દેહનો ત્યાગ કર્યો હતો.પાતાળનો સ્વામી પ્રહલાદ,પણ દાનવોનાં રાજ્ય સંબંધી સઘળાં કાર્યો કરતો હોવા છતાં,પણ અવિનાશી અને વચનથી વર્ણવી શકાય નહિ તેવા,બ્રહ્માનંદ માં રહેલો છે.શમ્બરાસુર માયાઓ કરવામાં તત્પર રહેતો હતો તો પણ,પોતામાં બ્રહ્મ-સ્વ-રૂપની ભાવના કર્યા કરતો હતો અને,તેણે મનથી આ માયિક સંસારને ત્યજી દીધો હતો.

સઘળા દેવતાઓ "મુખ-રૂપ-અગ્નિ" થી અનેક કાર્યોમાં તત્પર રહે છે,અને લાંબા કાળથી યજ્ઞોમાં પૂજાય છે,
તથા,અગ્નિની આહુતિઓ ગ્રહણ કરે છે -તો પણ જીવનમુક્ત પણાથી રહ્યા છે.
દેવતાઓએ પોતાનું અમૃત પી લીધા છતાં પણ ચંદ્ર,બ્રહ્માકાર મનવાળો રહેવાથી -ક્યાંય સુખ-દુઃખ-આદિના
સંબંધને પ્રાપ્ત થતો નથી.દેવતાઓના ગુરુ બૃહસ્પતિ,સ્વર્ગમાં પુરોહિતપણા-સંબંધી વિચિત્ર કાર્યો કર્યા કરે છે,અને તેમણે પોતાની સ્ત્રી તારાને ચંદ્રના ઘરમાં થી પછી લેવા સારુ-ચંદ્રની સાથે યુદ્ધની ખટપટ ઉઠાવી હતી,તો પણ મનથી અસંગ હોવાને લીધે તે જીવનમુક્ત જ છે.

દૈત્યો ના ગુરુ,શુક્રાચાર્ય કે જે આકાશને પોતાની કાંતિથી પ્રકાશિત કરે છે,મહા પંડિત છે અને નીતિશાસ્ત્ર રચીને સર્વને ધન આદિનું પાલન કરવાની યુક્તિઓ બતાવનાર છે,તો પણ મનમાં નિર્વિકાર રહીને જ પોતાના આયુષ્યના સમયને વિતાવે છે.
વાયુ લાંબા કાળથી બ્રહ્માંડ ની અંદર રહેનારાં સર્વ પ્રાણીઓના શરીર ચલાવ્યા કરે છે તથા પોતે સર્વદા સઘળા જગતમાં વિચાર્યા કરે છે,તો પણ મનમાં હર્ષ-શોક-આદિ થી પર રહેવાને લીધે જીવનમુક્ત જ છે.

હે રામ,વિષ્ણુ ભગવાન જીવનમુક્ત હોવા છતાં પણ,
આ સંસારમાં લાંબા કાળથી અવતારો લઈને -જરા-મરણ-યુદ્ધ આદિ લીલાઓ કર્યા કરે છે.
સદાશિવ (શંકર) જીવનમુક્ત હોવા છતાં,જેમ કામી પુરુષ કામના-વાળી સ્ત્રીને ધરી રહે -
તેમ,પાર્વતીને પોતાના દેહના અર્ધ ભાગમાં ધરી રહ્યા છે.
કાર્તિકેય સ્વામી પોતે મુક્ત હોવા છતાં,તારકાસુર આદિ દૈત્યોની સાથે યુદ્ધો કર્યા હતાં.

નારદમુનિ જીવનમુક્ત છે,તો પણ લોકોમાં કજિયા-રૂપ કૌતુક ને પ્રવર્તાવનારી લીલા કરતા કરતા ફર્યા કરે છે.વિશ્વામિત્ર પોતે મનથી સઘળી આસક્તિઓ વિનાના રહીને,વેદોમાં કહેલી યજ્ઞ-આદિ ક્રિયાઓ કર્યા કરે છે.
સૂર્ય પણ જીવનમુક્ત રહીને જ દિવસ કરવાની ક્રિયા કરે છે અને
યમ પણ જીવનમુક્ત રહીને પાપી લોકોને શિક્ષા કર્યા કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE