More Labels

May 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-511

ઉત્તમ અધિકારીનો આ તંતુ (મન નો મનન-રૂપી તંતુ) તો સહસા જ્ઞાન ઉત્પન્ન થતાં જ કપાઈ જાય છે,એટલે અજ્ઞાનની ભાવનાને છોડવા તેને વધારે પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી.
અજ્ઞાનના ક્ષય ને લીધે,મન ક્ષય પામી જતાં,એ પદાર્થોના દેખાવો અને મનના સંકલ્પ-આદિ,ફરીથી,કદી પણ પરસ્પરની સાથે,જોડાતા નથી.

ચિત્ત જ સઘળી,ઇન્દ્રિયોને જગાડનાર છે,એટલે માટે-જેમ, ઘરમાંથી પિશાચને કાઢી મુકવો જોઈએ-તેમ,શરીરમાંથી તે ચિત્તને જ કાઢી મુકવું જોઈએ.
હે ચિત્ત,તું મિથ્યા જ મસ્તી કર્યા કરે છે,પણ હવે,તારા બાધ નો ઉપાય મારા જાણવામાં આવ્યો છે,
તું આદિમાં ને અંતમાં અત્યંત તુચ્છ (અસત) છે,માટે વર્તમાનમાં પણ અત્યંત તુચ્છ જ છે.
હે ચિત્ત,તું ઇન્દ્રિયોએ પ્રાપ્ત કરેલા શબ્દ-સ્પર્શ-વગેરે પાંચ વિષયો ધારણ કરીને મારી અંદર વિના કારણ,
શા માટે મસ્તી કર્યા કરે છે?પણ ચિંતા નથી,તું તો માત્ર -જે ધણી-તને પોતાનું સમજે છે તેની આગળ જ તું મસ્તી કરે છે,પણ હું, કે જે તને પોતાનું સમજતો નથી,તેની આગળ,તારી મસ્તી ચાલે તેમ નથી.

હે દુષ્ટ ચિત્ત,તારી મસ્તીથી હું જરા પણ પ્રસન્ન થતો નથી,અને કચવાતો પણ નથી.
વિષયોની વૃત્તિઓ કે જે ઇન્દ્રજાલ ની રચનાઓ જેવી છે,તેની માટે તું વ્યર્થ શા માટે બળતરા રાખે છે?
હે ચિત્ત, તારે રહેવું હોય તો રહે અને જવું હોય તો જા,તું મારું નથી અને (મારે માટે) જીવતું પણ નથી.
તું કલ્પિત હોવાને લીધે સ્વાભાવિક રીતે સર્વદા મરેલું જ છે.અને વિચારથી તો અત્યંત મરી ગયેલું જ છે.

હે મરેલી આકૃતિવાળા ચિત્ત,તું શરીર-રહિત છે,જડ છે,ભ્રાંત છે,શઠ છે,અને અત્યંત અજ્ઞાન-વાળું એવું તું,
મૂઢ પુરુષને જ ભરમાવી શકે તેમ છે-ઉત્તમ વિચારો વાળાને નહિ.
મૂર્ખતા ને લીધે અમે -તને આમ તરત મરી જનારું જાણતા ન હતા,પણ હવે જાણી ગયા છીએ.
જેમ,દીવાઓની દ્રષ્ટિમાં અંધારું મરેલું જ છે,તેમ અમારી દ્રષ્ટિમાં (જ્ઞાન ને લીધે) તું મરેલું જ છે.
તું કે જે અત્યંત લુચ્ચું છે,તેને લાંબા કાળ સુધી,આ મારા દેહ-રૂપી આખા ઘરને રોકી લીધું હતું,
કે જેથી,એ (દેહ-રૂપી) ઘરમાં,શમ-દમ-આદિ સજ્જનો આવી શકતા જ નહોતા,

હે લુચ્ચા ચિત્ત,તું કે જડ છે,અને પ્રેત જેવા આકારવાળું (મિથ્યા) છે,તે જતું રહેવાથી,
આ મારું દેહ-રૂપી ઘર,શમ-દમ-આદિ સઘળા સજ્જનોને સેવવા યોગ્ય થયું છે.
તું પ્રથમ પણ નહોતું (ભૂતકાળમાં) હમણાં પણ નથી (વર્તમાન કાળમાં) અને હવે પછી પણ (ભવિષ્ય-કાળમાં)
હોવાનું  નથી જ-આ પ્રમાણે હું તને જાણું છું-તો પણ મારી પાસે ઉભું રહીને કેમ લજાતું નથી?
અહો,તારું નિર્લજ્જ-પણું ભારે છે.

હે ચિત્ત-રૂપી વૈતાલ,તું તૃષ્ણાઓ રૂપી પિશાચણીઓ સાથે અને ક્રોધ આદિ યક્ષોની સાથે-
મારા દેહ-રૂપી ઘરમાંથી નીકળી જા.
અહો,આ ચિત્ત-રૂપી દુષ્ટ પિશાચ-એ વિવેક-રૂપી મંત્રથી દેહ-રૂપી ઘરમાંથી નીકળી ગયો તે બહુ સારું થયું.
અહો,આ અત્યંત મોટું આશ્ચર્ય છે-કે જે -જડ અને ક્ષણમાત્રમાં તૂટી જનારા મન-રૂપી ધુતારાએ,
આ સઘળા લોકોને પરવશ કરી નાખ્યા છે.

હે ચિત્ત,તું લોકોની અંદર,"દેહ એ જ આત્મા છે" એવું સમજનાર નિર્બળ મનુષ્યને -અડચણ કરે છે-
તેમાં તારું શું પરાક્રમ છે? શું બળ છે? શું મોટાઈ છે? (કંઈ નથી)
જો તું હવે મારા એકલાની જ આગળ આવીને કંઈ પણ મસ્તી કરે તો -હું તને પરાક્રમી,બળવાન કે મોટું સમજુ.હે રાંક ચિત્ત,તું સર્વદા મરેલું જ છે-એટલે હું તને મારતો નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE