May 25, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-512

હે ચિત્ત, તું અનાદિ કાળથી મરેલું જ છે -માટે મુદ્દલે છે જ નહિ-એ આજ મારા સમજવામાં આવ્યું છે.તેથી,હું તારી આશા ત્યજીને કેવળ મારા-સ્વ-રૂપમાં જ રહું છું.કેમ કે -તું મરેલું છે -એમ  સમજ્યા પછી,તારા જેવા લુચ્ચાની સોબતમાં રહી પોતાનું આખું જીવન નકામું કાઢવું એ યોગ્ય ના જ કહેવાય.માટે હું તને ત્યજી દઉં છું.

હું ક્ષણ-માત્રમાં મન-રૂપી શઠને,દેહ-રૂપી ઘરમાંથી કાઢી મુકીને,આજ સ્વસ્થ થઈને રહ્યો છું,મારામાં જે ભૂત (મન-રૂપી-ભૂત) હતું તે નીકળી ગયું.
હે ચિત્ત,મેં તારાથી ઠગાઈને,લાંબા કાળ સુધી,ઘણાંઘણાં તોફાનો કર્યા,હવે એ તોફાનોને સંભારી-સંભારીને
હું હસું છું.ચિત્ત-રૂપી વૈતાલ શાંત થતા,પવિત્ર સ્થિતિને પ્રાપ્ત થયેલા,
આ શરીર-રૂપી નગરમાં હું આજ કેવળ સુખથી રહ્યો છું-તે બહુ સારું થયું.

કેવળ "વિચાર-રૂપી-મંત્ર" થી ચિત્ત મરી ગયું,ચિંતા પણ મરી ગઈ,અને અહંકાર-રૂપી રાક્ષસ પણ મરી ગયો.
આજે હું કેવળ સ્વસ્થ અને ભરપૂર -થઈને રહ્યો છું.
મારે ચિત્ત શું સગું થતું હતું?આશા શું સગી થતી હતી?અને અહંકાર પણ શું સગો થતો હતો?
મારો એ મફતનો પરિવાર આજ સંપૂર્ણ નાશ પામ્યો છે-એ બહુ સારું થયું.

હું કે જે "એક" જ છું,પૂર્ણકામ છું,નિત્ય છું,નિર્મળ સ્વ-રૂપવાળો છું,અને વિકલ્પો થી રહિત ચૈતન્ય-રૂપે પ્રકાશું છું,તેને જ હું વારંવાર પ્રણામ કરું છું.
હું કે જે શોકથી રહિત છું,મોહ થી રહિત છું,દેહાદિ-રૂપ નથી,અહંકાર-રૂપ નથી,કોઈ સમયે ના હોઉં તેમ પણ નથી,અને મારાથી કંઈ પણ જુદું ન હોવાને લીધે,સર્વ-રૂપ પણ છું-તેને જ હું વારંવાર પ્રણામ કરું છું.

મને આશાનો-કર્મોનો-સંસારનો અને દેહનો-પણ સંબંધ નથી,એટલા માટે હું કે જે -અસંગ-સ્વ-રૂપ છું-
તેને જ હું વારંવાર પ્રણામ કરું છું.
હું કે જે "આત્મા" એ શબ્દ થી પણ કહેવાઉં એવો નથી,બીજા કોઈ શબ્દથી પણ કહેવાઉં તેવો નથી,
"હું" એ શબ્દ નો વિષય નથી તેમ જ "અમુક" એ શબ્દ નો વિષય પણ નથી,
તેથી સર્વ-રૂપ-એવા મને જ વારંવાર પ્રણામ કરું છું.

હું કે જે સર્વનું આદિ-કારણ છું,સર્વને ધારણ કરનાર છું,ચૈતન્ય છું,જગત-રૂપ છું,અને દેશ-કાળની મર્યાદાથી દુર છું,તેને જ હું વારંવાર પ્રણામ કરું છું.
હું કે નિર્વિકાર છું,નિત્ય છું,અંશોથી રહિત છું,વ્યાપક છું,સર્વ-રૂપ છું અને સનાતન છું-તેને વારંવાર પ્રણામ કરું છું.હું કે જે રૂપથી રહિત,નામથી રહિત છું,સ્વયંપ્રકાશ અને વ્યાપક છું -તેને વારંવાર પ્રણામ કરું છું.

હું મારા સ્વ-રૂપમાં જ સત્તાને પ્રાપ્ત થયેલો છું,કે જે સત્તા સમાન રીતે સર્વમાં વ્યાપક છે-સૂક્ષ્મ છે-અને
સર્વ જગતને મુખ્ય પ્રકાશ આપનારી છે-આવી સત્તાને પ્રાપ્ત થયેલા  હું -ને-હું - વારંવાર પ્રણામ કરું છું.
દૃશ્યો (પર્વતો-નદીઓ-વગેરે) ની શોભા છે-તે હું નથી-અને હું જ છું પણ.જે જગત છે તે હું નથી અને હું છું પણ.
હું એવા સ્વરૂપ-વાળાઓ છું-માટે હું મને જ વારંવાર પ્રણામ કરું છું.

અવિદ્યાને અને અવિદ્યાનાં કાર્યોને દુર કરવામાં,શક્તિ ધરાવતું-મારું પોતાનું જ સ્વરૂપ કે જે-
મનના વિકલ્પોથી રહિત છે-આનંદથી ભરપૂર હોવાને લીધે સર્વને પ્રિય છે-
જગતથી રહિત હોવા છતાં પણ જગતને પ્રગટ કરનાર છે,અંત થી રહિત છે,જન્મથી રહિત છે,જરાથી રહિત છે,ત્રણે ગુણથી ન્યારું છે-અને અખંડિત છે તેને હું પ્રણામ કરું છું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE