Jun 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-528

એ મુનિ આત્મ-જ્ઞાનીઓમાં "આત્મા" થયા,સમદૃષ્ટિવાળાઓ જેને "પૂર્ણ" કહે છે તે થયા,
સઘળા "શાસ્ત્રો ના સિદ્ધાંત-રૂપ" થયા,સર્વના હૃદયમાં "વ્યાપક" થયા,અને જે સર્વ-રૂપ,સર્વમાં રહેલ અને સર્વનું "તત્વ" કહેવાય છે તે થયા.જે અત્યંત  "નિષ્ક્રિય" (ક્રિયાઓથી રહિત) છે,સૂર્ય-વગેરેને પણ પ્રકાશ આપે છે,અને "અખંડ અનુભવ-રૂપ" જ કહેવાય છે તે થયા.જે સ્વ-રૂપથી "એક" કહેવાય છે,અને માયાથી "અનેક" કહેવાય છે,
સ્વ-રૂપથી "નિરંજન" (અદ્વૈત) કહેવાય છે અને માયાથી "દ્વૈત"વાળું કહેવાય છે-તે થઈને રહ્યા.

જે સર્વ-રૂપ પણ કહેવાય છે અને સર્વથી ન્યારું પણ કહેવાય છે-તેવા થઈને રહ્યા.આમ તે -
મહા સમર્થ વીતહવ્ય મુનિ ક્ષણમાત્રમાં જન્મથી રહિત થયા,જરાથી રહિત થયા,આદિથી રહિત થયા,
દ્વૈતના અધિષ્ઠાન-રૂપ થયા,એક થયા,સર્વ-રૂપ થયા,અંશોથી રહિત થયા,અને
આકાશના સ્વરૂપ કરતાં પણ વધારે નિર્લેપ સ્થિતિ-વાળા થયા.

(૮૮) વૈદેહમુક્તિ  પછી પ્રાણાદિનો લય

વસિષ્ઠ કહે છે કે-હે રામ, સંસાર સીમાડાના અંત ને પ્રાપ્ત થઈને,દુઃખ-રૂપી સમુદ્રને પાર પામેલા,
એ વીતહવ્યમુનિ,એ રીતે મન નો નાશ થતાં સંપૂર્ણ શાંત થયા,જેમ જળનું બિંદુ સમુદ્રમાં સમુદ્ર-રૂપે શાંત
થાય છે,તેમ એ મુનિ પરિણામો વિનાના બ્રહ્મમાં,બ્રહ્મ-રૂપે સ્થિત થઇ,પરમ સુખ પામતાં,
ગુફામાં સ્થિર થઈને બેઠેલો તેમનો દેહ,અંદર રસ વિનાનો થઈને ગ્લાનિ પામ્યો.

તેમના દેહના પ્રાણો,જે તે નાડીઓમાંથી ઉડવાને લીધે,પક્ષીઓની જેમ આચરણ કરતા કરતા,
નાડીઓના સ્થાન ને છોડીને,હ્રદય-રૂપી માળામાં લીન થઇ ગયા.
બુદ્ધિ -આદિ સઘળા પદાર્થો પોતપોતાના કારણોમાં લીન થયા,અને અસ્થિઓના પિંજર-રૂપી દેહ,
ધરતી ઉપર જ રહ્યો.જીવ-ચૈતન્ય,બ્રહ્મ ચૈતન્ય ની સાથે એકરસ થઇ ગયું.અને ત્વચા તથા રુધિર-આદિ
ધાતુઓ પોતપોતાના કારણોમાં રહ્યા.આમ,મુનિ શાંત થતાં,સધળું પોતપોતાના સ્વરૂપ માં જ રહ્યું.

હે રામ,ઘણા વિચારોથી શોભતી,આ વીતહવ્યમુનિ ની કથા મેં તમને કહી સંભળાવી,
હવે તમારી બુદ્ધિથી,આ કથાનું વિવેચન કરો.પોતાની વિચાર-શક્તિ થી વૃદ્ધિ પામેલી-એવી બુદ્ધિથી,
સારભૂત તત્વનું અવલોકન કરીને તેમાં જ રહો,અને જીવનમુક્ત બનીને યોગ્ય વ્યવહારને નિભાવો.

હે રામ,જે આ સઘળું મેં તમને કહ્યું,હમણાં જે તમને કહું છું અને હવે પછી જે તમને કહીશ,
તે સઘળું,,હું કે જે ત્રિકાળદર્શી છું અને ચિરંજીવ છું,તેણે (એટલે કે મેં)
સંપૂર્ણ રીતે પોતાની રીતે વિચારેલું છે અને સંપૂર્ણ-પણે અનુભવ્યું છે.
માટે,આ નિર્મળ વિચારનું અવલંબન કરીને ઉત્તમ જ્ઞાનને મેળવો.કેમ કે જ્ઞાનથી જ મુક્તિ મળે છે,
જ્ઞાનથી જ દુઃખ દુર થાય છે,જ્ઞાનથી જ અજ્ઞાનનો ક્ષય થાય છે,અને જ્ઞાનથી જ પરમ સિદ્ધિ મળે છે.

હે રામ,સઘળા લાભો જ્ઞાન સિવાય બીજા કોઈ સાધનથી મળતા નથી,મહામુનિ વીતહવ્યે જ્ઞાનથી જ સઘળી આશાઓ સંપૂર્ણ રીતે કાપી નાખીને,ચિત્ત-રૂપી સઘળા પર્વતને કાપી નાખ્યો હતો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE