Jun 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-541

(૯૨) તત્વજ્ઞાન,ચિત્ત-નાશ અને વાસના-ક્ષયનો સાથે જ અભ્યાસ
રામ કહે છે કે-હે ગુરુ મહારાજ,આપે શરીરથી માંડીને શબ્દાદિ વિષયો સુધી જે બીજો કહ્યાં,અને જીવાત્મા થી માંડીને બ્રહ્મ સુધીનાં જે બીજો કહ્યાં,તેઓમાં કયા બીજનો આશ્રય  કરવાથી,બ્રહ્મ-રૂપ પરમ પદની તુરત પ્રાપ્તિ થાય? તે મને કહો.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,મેં શરીરથી માંડીને શબ્દાદિ વિષયો સુધી જે દુઃખ-રૂપ બીજો કહ્યાં,તે સઘળાં એક પછી એકને દુર કરવાથી પરબ્રહ્મ-રૂપ પરમ પદની પ્રાપ્તિ તુરત થાય છે.
બળાત્કારે પુરુષ-પ્રયત્નથી તુરત જ વાસનાનો ત્યાગ કરીને પરબ્રહ્મ-રૂપ પરમ પદ કે જે-
સમષ્ટિ સત્તા થી (એટલે કે ઈશ્વરથી) પણ ઉપર છે તેનો સાક્ષાત્કાર કરીને-
તે પરમ-પદમાં ક્ષણમાત્ર -જો-ચિત્તની નિશ્ચલ-સ્થિતિ કરો-તો-
આ ક્ષણમાં જ એ સર્વોત્તમ પરબ્રહ્મ-રૂપ-પદને સારી રીતે પ્રાપ્ત થાઓ.

હે રામ,જો સ્વરૂપને શુદ્ધ કરીને તેમાં ચિત્તની સ્થિતિ બાંધશો,તો કંઇક વધારે પ્રયત્નથી,
પરબ્રહ્મ-રૂપને પ્રાપ્ત થઇ શકશો.પણ,
જો જીવાત્માના સ્વરૂપને શુદ્ધ કરીને તેમાં ચિત્તની સ્થિતિ બાંધશો,
તો ઉપરના પ્રયત્ન કરતાં  પણ થોડા વધારે પ્રયત્ન થી પરમ બ્રહ્મ-રૂપ પદને પામી શકશો.

હે રામ,"જેમ ઈશ્વરના તથા જીવાત્મા ના સ્વરૂપને -જડ ભાગથી રહિત કરવા-રૂપી શુદ્ધિ આપીને-
તેઓનું ધ્યાન કરવું એ બ્રહ્મ-પ્રાપ્તિનો ઉપાય છે-
તેમ-જડ ને ચૈતન્યમાંથી રહિત કરવા-રૂપી શુદ્ધિ આપીને જડનું ધ્યાન કરવું-
એ પણ બ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય શા માટે ના હોય?"
એવી શંકા રાખવી નહિ,કેમ કે,ચૈતન્ય વિના એકલા જડ પદાર્થનું સ્ફૂરણ થવું સંભવતું જ નથી.
ચૈતન્ય સર્વદા સર્વ માં વ્યાપક છે,માટે ચૈતન્ય વિના એકલા જડ નું ગ્રહણ થઇ શકે એમ જ નથી.

તમે જે કંઈ  ચિંતવો છો,જ્યાં જાઓ છો,જ્યાં ઉભા રહો છો,અને જે કરો છો-ત્યાં ચૈતન્ય રહેલું જ છે.
જેમ,રજ્જુ-સર્પના ભ્રમમાં,રજ્જુ વિના એકલો સર્પ હોતો જ નથી,
તેમ ચૈતન્ય વિના એકલું જડ  હોતું જ નથી.સઘળું જડ  ચૈતન્યમાં અધ્યસ્ત  છે,
માટે જેમ ચૈતન્ય જડ થી છૂટું પડી શકે છે-તેમ જડ  ચૈતન્યથી છૂટું પડી શકતું નથી.

હે રામ,વાસના નો ત્યાગ કરવામાં અને મનનો નાશ કરવામાં યત્ન કરો,તો તમારા સઘળા આધિ-વ્યાધિઓ,
ક્ષણમાત્રમાં શિથિલ થઈ જાય.પણ ઉપર કહેલા પ્રયત્નો કરતાં -આ પ્રયત્ન અઘરો લાગે છે-કેમ કે-
વાસનાનો ત્યાગ કરવો-વધારે દુઃસાધ્ય છે.
જ્યાં સુધી મનનો લય થાય નહીં,ત્યાં સુધી,વાસના નો ક્ષય થતો નથી,અને
જ્યાં સુધી વાસના નો ક્ષય ના થાય ત્યાં સુધી ચિત્ત શાંત થતું નથી.

જ્યાં  સુધી આ તત્વજ્ઞાન થયું ના હોય ત્યાં સુધી ચિત્તનો નાશ થતો નથી.અને
ચિત્તનો નાશ ના થાય ત્યાં સુધી તત્વજ્ઞાન થતું નથી.
તે જ રીતે જ્યાં સુધી વાસના નો નાશ થયો ના હોય ત્યાં સુધી તત્વજ્ઞાન થતું નથી,અને,
જ્યાં સુધી તત્વજ્ઞાન ના થયું હોય ત્યાં સુધી વાસના નો નાશ થતો નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE