Jul 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-551

ચૈતન્ય જ પોતાથી -જ-જીવ-રૂપે અને વાસના-આદિ-રૂપે સ્ફુરે છે,
તો તેમાં "જડ" એ શબ્દનો અને તે શબ્દના અર્થ નો -પ્રસંગ જ શો છે? તે તમે જ કહો.

તમે મોટાં મોટાં સ્ફુરણો-રૂપી તરંગો-વાળા,ગંભીર અને સ્વયંપ્રકાશ -આત્મા-ચૈતન્ય-રૂપ મહાસાગર છો,તથા આકાશની પેઠે નિશ્ચલ,સમ તથા સૌમ્ય છો.સમુદ્ર સમાન તમારા સ્વ-રૂપમાં "રામ" એ નામનું મોજું ઉઠેલું છે.

જેમ પ્રકાશ એ તેજથી ભિન્ન નથી,તેમ અનુભવ (વૃત્તિમાં પ્રતિબિમ્બિત ચૈતન્ય) પરબ્રહ્મથી ભિન્ન નથી.
જેમ તરંગ એ જળથી અભિન્ન છે તેમ જગત -એ ચૈતન્યથી અભિન્ન છે
ચૈતન્યથી અનુભવ ભિન્ન નથી,અનુભવથી અહંકાર ભિન્ન નથી,અહંકાર થી જીવ ભિન્ન નથી,
જીવથી મન ભિન્ન નથી,મનથી ઇન્દ્રિય ભિન્ન નથી,ઇન્દ્રિયથી શરીર ભિન્ન નથી,
શરીરથી જગત ભિન્ન નથી અને જગતથી ભિન્ન તો કંઈ છે જ નહિ,
માટે સઘળું જગત ચૈતન્યથી અભિન્ન છે.(સઘળું જગત ચૈતન્ય જ છે)

આ પ્રમાણે અનાદિ-કાળથી આ જગત-રૂપી મોટું ચક્ર પ્રવર્તેલું છે,પણ વાસ્તવિક રીતે જોતાં-
કંઈ પ્રવર્તેલું જ નથી,અને પ્રવર્તેલું ના હોવાને લીધે તેમાં લાંબો કે ટૂંકો-કાળ જેવી કોઈ મર્યાદા પણ નથી.

વળી,સઘળું સ્વયંપ્રકાશ છે,અનંત છે,અખંડિત છે,અને આકાશમાં આકાશ જેવું જ છે.
કોઈમાં કંઈ રહ્યું છે-એમ છે જ નહિ.
જે આ જગત છે -તે શૂન્ય જ શૂન્યમાં ઉપસેલું છે,બ્રહ્મમાં જ બ્રહ્મ અભિવૃદ્ધિ પામેલું છે અને
પૂર્ણમાં -પૂર્ણ જ રહેલું છે.

તત્વવેત્તા પુરુષ,વિષયોને,વિષયોના પ્રકારોને અને તેઓના સંકલ્પો કરવા છતાં પણ કંઈ કરતો નથી,
કેમ કે,તેની દૃષ્ટિમાં-એ સર્વ પોતાના સ્વ-રૂપથી ભિન્ન જ હોતું નથી.એથી તેને કર્તા-પણું છે જ નહિ.
"આ ગ્રાહ્ય છે" એવી બુદ્ધિથી જે કંઈ ગ્રહણ કરવામાં આવે-તે જ દુઃખ આપનાર થાય છે.
જેમ એક આકાશ,બે આકાશ અને ઘણાં આકાશો-એ શબ્દો જુદા જુદા હોવા છતાં પણ એક જ છે,
અને અર્થ વાળા હોવા છતાં પણ અત્યંત શૂન્ય-રૂપ જ છે-
તેમ,આત્મા ને જગત એ ભિન્ન-છતાં અભિન્ન જ છે,અને અર્થવાળા હોવા છતાં અર્થ વગરના જ છે.

તમે,પોતાની અંદર આકાશની પેઠે નિર્લેપ રહો,બહાર સદાચારમાં તત્પર રહો,અને
હર્ષ-ક્રોધના વિકારોમાં કાષ્ટ (લાકડા) જેવી સ્થિતિવાળા રહો.
તરત મારી નાખવાને તૈયાર થયેલા મોટા શત્રુને પણ
જે પુરુષ પોતાનો આત્મા ગણીને -તે શત્રુને અત્યંત પ્યારો ગણે તે જ પુરુષ તત્વવેત્તા છે.

જો રાગ-દ્વેષ અને તેઓના વિકારોના સ્વરૂપનો વિચાર કરવામાં આવે નહિ તો તે મહાત્મા નથી કહેવાતો.
જેને અહંકાર હોતો નથી,જેની બુદ્ધિ વિષયોથી લેપાતી નથી,તે પુરુષ સઘળા લોકોને મારી નાખે તો પણ તે કોઈને મારતો નથી અને દોષોથી બંધાતો પણ નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE