Aug 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-586

ભુશુંડ કહે છે કે-આ સૃષ્ટિ જેવી,આ સૃષ્ટિના જેવા જ આચાર-વાળી અને આ સૃષ્ટિના જેવી જ-
દિશાઓની ગોઠવણવાળી,પૂર્વે ત્રણ સૃષ્ટિઓ થઇ હતી,તેનું પણ મને સ્મરણ છે.
વળી,જેઓમાં આકારો,રચનાઓ,પૃથ્વી,દેવો તથા કાળ-એ સઘળાં એક સરખા જ હતાં
અને તે તે દેવો વગેરેની પદવીઓ વગેરેનો પણ અસુરો વગેરેથી કશો ફેરફાર થયો ન હતો-
એવી દશ સૃષ્ટિઓ થઇ ગઈ છે.તેનું પણ મને સ્મરણ છે.

પાંચ સૃષ્ટિઓમાં જળમાં ડૂબી ગયેલી પૃથ્વીને કચ્છપે જ બહાર કાઢી હતી.
જે,સમુદ્ર-મંથન કરીને -દેવો અને દાનવો અત્યંત વ્યાકુળ થઇ ગયા હતા,તેવાં સમુદ્ર -મંથનો પૂર્વ-કલ્પોમાં
અગિયાર થઇ ગયાં હતાં અને આ કલ્પ-માં બારમી વારનું થયું હતું,તેનું પણ મને સ્મરણ છે.
જેને દેવતાઓની પાસે કર લીધા હતા,એવો હિરણ્યાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને ત્રણ વાર પાતાળમાં લઇ ગયો હતો,વિષ્ણુએ વચમાં ઘણી ઘણી સૃષ્ટિઓમાં અવતાર લીધેલો
પણ હમણાં પરશુરામનો અવતાર લઈને ક્ષત્રિયો નો નાશ કર્યો તે -અવતાર છઠ્ઠી વારનો છે.

પ્રત્યેક યુગમાં પુરુષોની બુદ્ધિના ઓછા-વત્તા-પણાને લીધે,વેદ સંબંધી-તથા-બ્રહ્મચર્ય-આદિ ક્રિયાઓનો,
વેદોનાં છ અંગોનો અને વેદોના પાઠનો જે વિચિત્ર ફેરફાર થયો હતો તેનું પણ મને સ્મરણ છે.
પ્રત્યેક યુગમાં એક અર્થ-વાળાં પુરાણો જુદા જુદા -પાઠ-ફેરોથી ફેલાય છે.તે મારા સ્મરણમાં છે.
વેદ વગેરેને જાણનારા મહાત્માઓ પ્રત્યેક યુગમાં પાછા-
તેના તે ઈતિહાસોને અને કેટલાએક બીજા ઈતિહાસોને પણ રચે છે-તેનું પણ મને સ્મરણ છે.

"રામની જેમ નીતિથી જ વર્તવું અને રાવણની જેમ અનીતિ થી વર્તવું નહિ"
એવી રીતની યોગ્ય મતિને આપનાર ઉપદેશ,સહેલાઈથી જેમાં આપવામાં આવ્યો છે-
એ રામાયણ નામનો ગ્રંથ વાલ્મિકી મુનિએ રચ્યો છે -એનું મને સ્મરણ છે.
વાલ્મિકી હવે પછી,પણ બત્રીસ હજાર શ્લોકના એક યોગ-વસિષ્ઠ નામના ગ્રંથ ને બનાવશે-
કે- જેને હું (મારા) ત્રિકાળ-દર્શી પણાને લીધે જાણું છું.
અને તમે પણ કેટલાક કાળ પછી એ ગ્રંથને પ્રગટ થતો જાણશો.

વાલ્મિકી નામના એના એ જ જીવે -અથવા-એજ નામના બીજા જીવે,
પ્રત્યેક કલ્પ-માં કરવામાં આવતો એ યોગવસિષ્ઠ નામનો ગ્રંથ પરંપરાના નાશને લીધે હાલ ભૂલી જવાયો છે-
તે હવે બારમી વાર રચવામાં આવશે.
તેની જ કક્ષાનો-બીજો પૂર્વે વ્યારે લખેલો "ભારત" નામનો ગ્રંથ કે જે હાલ લોકોથી ભુલાઈ ગયો છે,

તેનું પણ મને સ્મરણ છે.એ ભુલાઈ ગયેલા ભારત નામના ગ્રંથને વ્યાસ નામનો એ નો એજ જીવ અથવા એ જ નામનો બીજો જીવ,હવે તેને સાતમી વાર રચશે.એ પણ હું જાણું છું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE