Aug 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-587

હે મહામુનિ,પ્રત્યેક યુગમાં વિચિત્ર ગોઠવણોવાળાં,જે જે આખ્યાનો અને જે જે શાસ્ત્રો થઇ ગયા છે-તે બધાનું મને સ્મરણ છે. પ્રત્યેક યુગમાં વારંવાર તેને તે -અને બીજા પણ થતા અનેક પદાર્થો મારા જોવામાં આવ્યા છે-તેનું પણ મને સ્મરણ છે.
વિષ્ણુ હવે રાક્ષસોનો વિનાશ કરવાને માટે "રામ" એ નામથી અગિયારમી વાર અવતરશે,એ મારા જાણવામાં છે.વિષ્ણુએ નૃસિંહનું રૂપ ધારણ કરી,હિરણ્યકશિપુ નામના દૈત્યને માર્યો છે.અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે વસુદેવ નામના યાદવને ઘેર,તે જ વિષ્ણુ નો સોળમો અવતાર પણ થવાનો છે.તે મારા જાણવામાં છે.

આ જગતરૂપ ભ્રાંતિ મુદ્દલે છે જ નહિ,અને જો છે તો -તે જળમાં પરપોટાની જેમ પરમાત્મામાં રહેલી છે.
ઘણાં ઘણાં પરસ્પરથી એક સરખી કે વિષમ રચના-વાળાં-અર્ધાં મળતા આવતાં ત્રૈલોક્યો-મને સંભાળે છે.
કેટલાક પ્રાણીઓ,તેનાં તે અથવા પૂર્વના  જેવાં આચરણ કરનાર કે પૂર્વથી જુદાં આચરણ કરનાર
પણ મને સાંભળે છે.

પ્રત્યેક મન્વન્તરમાં જગતનો ક્રમ બદલાઈ જતાં,ગોઠવણ પણ બીજી રીતની થાય છે,
અને તેથી,પૂર્વના સઘળા પરિચિત લોકો જતા રહેતાં -મારા મિત્રો પણ બીજા જ થાય છે,બંધુઓ પણ બીજા જ થાય છે,અને રહેવાનાં સ્થાનો પણ બીજાં જ થાય છે.

કોઈ સમયે હું એકાંતમાં વિન્ધ્યાચળના જળ-વાળા પ્રદેશમાં માળો કરીને રહું છું,કોઈ સમયે સહ્યાદ્રીમાં રહું છું,
કોઈ સમયે હિમાલયમાં રહું છું અને કોઈ સમયે એની એ રચનાવાળો આ પર્વત થતાં,આ કલ્પવૃક્ષની શાખામાં
આવીને રહું છું,હે મહામુનિ,ગણતાં જેનો અંત આવતો નથી,એવા કેટલાક યુગો વીતી ગયા પછી,
આ વૃક્ષ પોતાના શરીરને ત્યજીને પાછું પૂર્વના જેવી જ-શાખાઓ ની ગોઠવણથી ઉત્પન્ન થયું છે.
માટે જુનું થઇ ગયું નથી.

મારા પિતા જીવતા હતા તે સમયમાં આ વૃક્ષની જે શોભા હતી તેવી જ શોભા આ કલ્પ-માં પણ થઇ છે.
હું પણ પૂર્વના જેવી જ  ગોઠવણ કરીને અહી રહ્યો છું.
મેં એકલા એ જ આ એકના એક દેહથી,બ્રહ્માની અનેક રાત્રિઓ વિતાવી છે.
હું ધારણાઓ કરીને,નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થયા પછી,જાગતાં ફરીવાર આ સૃષ્ટિને જોઇને,
"આ એનો એ મેરુ છે અને આ એનું એ વૃક્ષ છે" એ પ્રમાણે ઓળખતાં-
"પરમ તત્વમાં જ આ સૃષ્ટિ રહી છે" એમ જાણું છું.

સૂર્ય ની ગતિ પરથી અને અને નક્ષત્રોના ઉદય અને અસ્ત થવાના નિયમિત-પણાથી-
મેરુ-પર્વત -વગેરેની દિશાઓ ઓળખી શકાય છે.
કોઈ સૃષ્ટિમાં મેરુ બીજી રીતે ઉત્પન્ન  થતાં તેને લીધે તેની દિશાઓ બદલાઈ જાય છે.

આમ થવાને લીધે હું માનું છું કે-"આ જગત સત્ય પણ નથી તેમ અસત્ય પણ નથી -પરંતુ કેવળ બુદ્ધિના ભ્રમ-રૂપ જ છે અને આત્માના સ્ફુરણના ચમત્કારનો વૈભવ જ આ જગત-રૂપે દેખાય છે"

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE