Dec 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-700

જ્ઞેયોથી રહિત જે સ્વભાવિક જ્ઞાન છે -અને દ્રશ્યોથી રહિત જે સ્વભાવિક દર્શન છે-તે જ પરમપદ છે એમ સમજો.
તે જ ઉત્તમ દ્રષ્ટિ છે,તે જ ઉત્તમ મહિમા છે,તે જ ઉત્તમ માન્ય છે,તે જ આત્મા છે,તે જ વિજ્ઞાન છે,તે જ સર્વથી શૂન્ય બ્રહ્મ છે,તે જ પર છે,તે જ શ્રેષ્ઠ છે,તે જ શાંત શિવ છે,તે જ વિદ્યા છે,અને તે જ સર્વોત્તમ સ્થિતિ છે.


તે આત્મા-ચિત્તની અંદર જ સઘળા પ્રકારના અનુભવ-રૂપ છે અને જેની સત્તાથી જ સઘળાં દ્રવ્યો રહેલા છે.
તે આત્મા જ જગત-રૂપી ઘરમાં દીવા-રૂપ છે,જગત-રૂપી ઝાડમાં રસ-રૂપ છે.
"જે કંઈ છે-તે સઘળું આત્મા જ છે" એવી રીતે સમજવાથી જ-તે -આત્મા પ્રાપ્ત થાય છે.
જગત-સંબંધી સઘળા પદાર્થો,જ્યાં સુધી સુક્ષ્મ વિચારથી જોવામાં આવે નહિ,ત્યાં સુધી સંસારમાં સાર લાગે છે.

એટલે  "તે સઘળા પદાર્થો વાસ્તવમાં છે જ નહિ" એમ વિચારવામાં આવે તો -
તે મિથ્યા ભ્રાંતિઓના સમૂહ-રૂપ જગતની જાળમાં-કયા પદાર્થ સાથે રાગ બાંધવો?
"મારે અને બુદ્ધિને શો સંબંધ છે? આદિ-મધ્ય-અંત-રૂપ મર્યાદાઓ (માપ) તથા સંકલ્પોની રચનાઓ પણ હું જ છું.હું આદિ-અંતથી રહિત બ્રહ્માકાશ છું,અને (તો પછી) મારા સ્વરૂપને કઈ મર્યાદા હોય?"
એવી રીતનો જે પુરુષના મનમાં નિશ્ચય હોય-તે પુરુષની સ્થિતિ,વ્યવહારના સમયમાં પણ ડગતી નથી.

સર્વદા બ્રહ્મમાં રહેલું જેનું મન,આકાશની શૂન્યતા ની પેઠે અસ્ત અને ઉદય પામતું નથી,
તે મહાત્મા પુરુષ બ્રહ્મ જ કહેવાય છે,અને તે ઉદય-અસ્ત થી રહિત સ્થિતિ-વાળો જ હોય છે.
વ્યવહારથી નહિ-પણ-ભાવનાથી-અદ્વૈતપદમાં આરૂઢ થયેલો પુરુષ વ્યવહાર કરે તો પણ -
સાક્ષીપણામાં સ્થિતિને લીધે,અરીસામાં પડેલા પ્રતિબિંબની જેમ હર્ષ કે ખેદને પ્રાપ્ત થતો નથી.
વ્યવહાર કરવા છતાં પણ,
જે પુરુષના હૃદયમાં,જરા પણ માન-અપમાન વગેરેનું દુઃખ ના થાય-તેને જીવનમુક્ત સમજવો.

જેમ અરીસામાં દેખાતો લોકોનો વ્યવહાર,અરીસામાં કશા વિકારને ઉત્પન્ન કર્યા વિના જ પ્રતિબિંબવાળો થાય છે,તેમ,ચૈતન્યના અતિ-નિર્મળ-પણાને લીધે,જીવનમુક્ત પુરુષમાં જણાતો વ્યવહાર ,
હર્ષ-શોક-આદિ કોઈ પણ વિકારને ઉત્પન્ન કર્યા વિના જ પ્રતિબિંબ જેવો થાય છે.
ચૈતન્યનો ચમત્કાર જ આ જગત-રૂપે પ્રતીત થાય છે,માટે તેમાં એકત્વ-કે દ્વિત્વ-એવું કશું પણ નથી.

અર્થ-રૂપ,શબ્દ-રૂપ,શિષ્યો-રૂપ,શિષ્યોની ચેષ્ટાઓ-રૂપ,ગુરુઓ-રૂપ અને ગુરુઓના વાક્યો-રૂપ,
એવા ચમત્કારોથી ભરેલો આ મારો ઉપદેશ પણ ચૈતન્ય-મય જ છે.
શાંત બ્રહ્મ-ચૈતન્ય,પોતે પોતામાં જ વિવર્ત પામ્યા કરે છે,અને જે વિવર્ત છે-તે જ આ સંસાર છે.
ચૈતન્યનું જે "ઉલટી રીતે નહિ દેખાવું" તે જ પરમ-પદ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE