Jan 15, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-723

સાંખ્ય-યોગી કે યોગયોગી (હઠયોગી)ઓને તપના ફળથી મળેલા તત્વ-સાક્ષાત્કારથી પામવાનું પદ એક જ છે,કે જે પદ શાંત અને અકૃત્રિમ છે.કેટલાએક મહાત્માઓ સાંખ્યથી તો કેટલાએક મહાત્માઓ યોગથી -એ ફળને પામીને જીવનમુક્ત થયેલા છે.
જે પુરુષ,સાંખ્ય અને યોગથી એક જ પ્રકારનું ફળ મળે છે-એમ જાણે તેને વિચક્ષણ સમજવો.
જે પદને સાંખ્ય-યોગીઓ પામે છે તે જ પદને યોગી (હઠયોગી)ઓ પણ પામે છે.
જે સ્થિતિમાં પ્રાણ કે મનની વૃત્તિઓનો પત્તો જ મળતો નથી અને વાસના-રૂપી જાળ નાશ પામે છે-
તે સ્થિતિને પરમપદ સમજો.

વાસનાનો જે સમુદાય છે-તે જ ચિત્ત છે-એમ વિદ્વાનો કહે છે.અને તે ચિત્ત જ સંસારનું કારણ છે.
એ ચિત્ત,સાંખ્ય કે યોગથી લય પામીને ઇન્દ્રિયોના તથા પ્રાણ વગેરેના વ્યાપાર-રૂપ સંસારનું કારણ રહેતું નથી.
જેમ બાળક વેતાલને જુએ છે,તેમ ચિત્ત,દેહને દેખે છે,એ ચિત્ત પોતે જ પોતાનો લય કરી નાખે પછી દેહને જોતું નથી.દેહમાં અહંતાનું દર્શન થયા પછી જ સઘળો સંસાર થાય છે અને એ અહંતાના દર્શનનું મૂળ મન છે.
માટે મનની શાંતિ થાય તો સઘળા સંસારની શાંતિ થઇ જાય છે.

આત્મ-તત્વના અદર્શનને લીધે જ મિથ્યા મન ઉદય પામેલું છે અને જેમ સ્વપ્નમાં પોતાનું મરણ જોવામાં આવતું હોવા છતાં પણ તે મરણ ખોટું જ છે,તેમ,મન જોવામાં આવતું હોવા છતાં પણ ખોટું જ છે.
મન મુદ્દલે છે જ નહિ-અને એવા માંથી સંસાર ઉત્પન્ન થયો છે,માટે અહંતા શાની?મમતા શાની? સંસાર શાનો?
શિષ્ય શાનો?ઉપદેશ શાનો?ગુરુ શાનો? બંધન કે મોક્ષ શાનો?  (આ કશું નથી)
"એક-આત્મ-તત્વ"નું જ શ્રવણ-મનન-આદિથી અનુસંધાન,પ્રાણોના લય અને મનનો નિગ્રહ-
એ ત્રણ મોક્ષના જુદાજુદા ઉપાયો છે.

રામ કહે છે કે-હે મહારાજ,જો પ્રાણનો લય-પણ મોક્ષનું કારણ હોય,તો હું ધારું (વિચારું) છું કે-
સઘળા જીવો મરણ પામે-તો તરત મુક્ત  જ થાય છે.

વસિષ્ઠ કહે છે કે-એ ત્રણે (ઉપરના) ઉપાયો મનના નાશ દ્વારા જ મોક્ષના કારણ-રૂપ થાય છે.
એ ત્રણે ઉપાયોમાં મનની શાંતિ જ મુખ્ય સાધ્ય છે તેમ સમજો.મરણમાં મનનો કે પ્રાણનો નાશ થતો નથી,
પણ મન અને પ્રાણ એક દેહને છોડીને બીજા દેહમાં જાય છે,જો મનનો નાશ થાય તો -મોક્ષ પ્રાપ્ત થયેલો જ સમજવો.મરણમાં શરીર જયારે શબ્દ-આદિથી રહિત થાય છે,ત્યારે પ્રાણ શરીરને છોડી દઈને ભવિષ્ય-દેહની વાસનાને લઇ બહારના આકાશમાં,ભવિષ્ય-દેહના આરંભને અનુકુળ થયેલી પંચભૂતોની તન્માત્રાઓ સાથે સમાગમ પામે છે.

તે તે જીવોની વાસના-રૂપ એ તન્માત્રાઓ પણ તેવી જ -વાસનાઓથી ભરેલાં મનની સાથે જોડીને,
પ્રાણોની સાથે સંબંધ ધારણ કરે છે,(પણ બીજા પ્રાણોની સાથે સંબંધ રાખતી નથી.)
આ રીતે (આમ) વાસના-વાળા જ પ્રાણો બીજા દેહમાં ઉત્પન્ન થાય છે અને પૂર્વ-દેહને ત્યજી દે છે.
એ પ્રાણો-તે બીજા દેહના હૃદયકાશની સાથે અને તેની અંદર રહેલા વાયુઓની સાથે જોડાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE