Feb 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-750

હે રામચંદ્રજી,જેમ,કસોટી (પથ્થર) પર ઘસવાથી સુવર્ણ પોતાનું નિર્મળ-પણું પ્રકાશિત કરે છે-
તેમ,શુદ્ધ અને પુણ્ય-કર્મ કરવાથી,સત્સંગ અને સેવાથી ચિત્ત નિર્મળ થઇ જાય છે.
અને જેમ પૂર્ણ-ચંદ્રનો ઉદય થવાથી,જગતમાં પ્રકાશ વધે છે,
તેમ,ચિત્ત શુદ્ધ થતાં શરીરમાં આનંદ વધવા માંડે છે,કે જેથી પ્રાણવાયુઓ પોતાના ક્રમ પ્રમાણે જ શરીરમાં સંચાર કરે છે અને અન્નને બરાબર રસ-રૂપ કરી પચાવી
દે છે,જેથી વ્યાધિ નાશ પામે છે.આ પ્રમાણે આધિ-વ્યાધિ ના નાશનો અને ઉત્પત્તિનો ક્રમ છે.

હવે,અહી,કુંડલિનીનો પ્રસંગ (વાત) ચાલતો હોવાથી તે વિષે તમને જે હાલ ઉપયોગી છે-તે કહું છું.
જેમ સુગંધનો આશ્રય માંજર (કે ફૂલ) હોય છે,તેમ,લિંગ-શરીર નામે ઓળખાતા "જીવ" ની,
"પ્રાણ" એવા નામથી કહેવામાં આવતી "કુંડલિની" જ મુખ્ય આધાર-રૂપ (આશ્રય-રૂપ) છે.
(મન-બુદ્ધિ-અહંકાર અને પાંચ તન્માત્રાઓથી બનેલા શરીરને લિંગ-શરીર કહે છે-તે જડ-શરીર નથી)

એ કુંડલિનીને પ્રાણાયામના અભ્યાસથી કંઠ-કૂપની નીચે "કૂર્મ-નાડી"માં લઇ જઈ,તેમાં મન નો "સંયમ" કરી
બરાબર રાખવામાં આવે -તો શરીરને મેરુ-પર્વતના જેવી સ્થિરતા પ્રાપ્ત થાય છે,જેને "ગરિમા" નામની સિદ્ધિ કહે છે.(એક જ વિષયમાં ધ્યાન-ધારણા-સમાધિ-એ ત્રણે કરવામાં આવે-તેણે "સંયમ" કહે છે-"યોગસૂત્ર")

પ્રાણને (ઉપર મુજબ અહીં કુંડલિની-એ અર્થે) જયારે પૂરક પ્રાણાયામથી પૂર્ણ થયેલા દેહની અંદર,
મૂલાધાર થી માંડીને બ્રહ્મરંઘ્ર સુધી ફેલાવી,(કુંભક ને લીધે) પ્રાણ-નિરોધથી થતી ગરમીને
અને તેથી થતા શારીરિક તથા માનસિક શ્રમને સહન કરવાને,
એ કુંડલિનીને ઉર્ધ્વ-ભાગમાં લઇ જવામાં આવે-ત્યારે તે કુંડલિની,
(લાકડીની પેઠે-લાંબી થઇ અને સર્પિણીની પેઠે ઉતાવળી થઇ,લતાની પેઠે કોમળ થઇ)
દેહમાં બંધાયેલ સર્વ નાડીઓને સાથે લઈને ઉર્ધ્વ ભાગમાં જાય છે.
(આગળ આવી ગયું છે -કે- સર્વ નાડીઓ કુંડલિની ને જઈને મળે છે)

પવન વગરના પૂર્ણ થયેલા આકાશને લીધે, હલકા થઇ ગયેલા આખા દેહને
આમ,એ કુંડલિની ઉંચે ચડાવે છે.જેને "આકાશ-ગમન" નામની સિદ્ધિ કહે છે.

(પતંજલિ ના યોગ-શાસ્ત્ર મુજબ-શરીરનો અને આકાશનો જે સંબંધ છે-તેના પર સંયમ કરવાથી,તેને લીધે શરીર રૂની પેઠે હલકું થઇ જવાથી આકાશ-ગમન ની સિદ્ધિ મળે છે.---સંયમની વ્યાખ્યા ઉપર આપી છે)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE