Apr 24, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-800

કર્તા,કર્મ અને કારણ વગરના એ પરબ્રહ્મમાં કારણપણું છે જ નહિ,
તેથી તેના કાર્ય-રૂપે જણાતું આ નામરૂપવાળું જગત થયું જ નથી.
માટે શુદ્ધ આકાશના જેવું બ્રહ્મ જ (કે જે તમારું સ્વરૂપ પણ છે તે જ) સત્તા-રૂપે સર્વત્ર રહેલ છે,
આથી તમે એવી જ (એ બ્રહ્મની જ) ભાવના રાખો.એ બ્રહ્મ જ અજ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં જગતના આકારે ફેલાઈ રહેલું દેખાય છે (તેને જગત જ દેખાય છે) અને જ્ઞાનીને જગત,નિર્વિકાર સત્ય-બ્રહ્મ,આકારે ભાસે છે.

હે રાજા,ચિત્ત પોતે ચંચળ હોવાથી સ્વભાવે જ આત્મ-સ્વ-રૂપને ભૂલી જાય છે,અને તેની ચડતી-પડતી થાય છે.
બહારની વૃત્તિઓને (રૂપ-વગેરેને) વશ થઇ,બ્રહ્મના સ્વરૂપને ભુલાવી દેવું,એ જ તે ચિત્તનું કામ છે,
જેથી ક્ષણમાત્ર પણ જે,પોતાના આત્મ-સ્વ-રૂપને ભુલાવી દે તો,તે ચિત્ત-રૂપી વૃત્તિનું જ પરિણામ છે.
અને તે ચિત્ત પ્રલયકાળ સુધી ચોંટી જાય છે.
સારી રીતે જ્ઞાન થવાથી,તે ચિત્ત પોતે મિથ્યા-રૂપ હોવાથી,તેના નાશ વડે મોક્ષ-સિદ્ધિ મળે છે.

જે જગત,જયારે,પરમાત્મામાં પ્રવેશ કરે એટલે કે પરમાત્મા સાથે એકરૂપ થઇ જાય,
ત્યારે તે જગત,પરમાત્મા-રૂપ જ થવાથી,પછી જુદી વસ્તુરૂપ ના રહે,
આમ જો તે જગત પોતે જ પોતાનો અભાવ અંગીકાર કરે (સ્વીકારે)
તો પછી તે પરમાત્માથી જુદી સત્તાવાળું કેમ કહેવાય?
જે પુરુષ ઊંચા હાથ કરી ઊંચા સ્વરથી કહે કે "હું શુદ્ર છું" તે શી રીતે બ્રાહ્મણ  હોય?

પોતાની અંદર અજ્ઞાન-રૂપી ભ્રાંતિ જ ચિત્ત શબ્દથી કહેવામાં આવે છે.જે મિથ્યા છતાં સત્ય ભાસે છે.
પદાર્થોનું જે ખરેખરું સ્વરૂપ ના ઓળખાય તે અજ્ઞાન અને બરાબર સ્વરૂપ ઓળખાય તે જ્ઞાન.
અજ્ઞાનથી  જે "હોવા-પણું" પ્રતીતિમાં આવે છે તે,જ્ઞાન વડે નાશ પામી જાય છે.
જેમ કે ઝાંઝવાનાં જે જળનું જ્ઞાન થવું,તે જ ખોટી ભ્રાંતિ જ છે,અને તે ભ્રાંતિ,એ ઝાંઝવાનું જળ સાચું નથી
એવું જ્ઞાન થતાં નાશ પામી જાય છે,હૃદયની અંદર "આ ચિત્ત છે" એવો અજ્ઞાનરૂપી ગાઢ મેલ ચોંટીને બેઠો છે,
પણ "તે ચિત્ત જ નથી" એવું ખરું જ્ઞાન થવાથી તે મૂળ સહિત નાશ પામી જાય છે.

ચિત્ત,મન,અહંકાર-આદિ જે કંઈ છે,તે સઘળું પોતાના આત્માની અંદર અજ્ઞાન વડે જ ઉત્પન્ન થયેલું છે,
બાકી ચિત્ત,મન,અહંકાર આદિ જે કંઈ -આ દેહ વગેરેમાં છે-તે (દેહ) પણ નથી.
પરંતુ એક માત્ર અત્યંત નિર્મળ આત્મા જ છે,કે જેણે અજ્ઞાન વડે મૂઢ બની જઈ,સંકલ્પ વડે,
ચિત્ત-આદિ સર્વ કલ્પી લીધું હતું.પણ,હવે સંકલ્પનો નાશ થઇ જતાં,જ્ઞાન થવાથી,એ મારા આત્માએ,
એ સર્વ ચિત્ત-આદિનો મિથ્યા સમજી ક્યારનો ય ત્યાગ કરી દીધેલો છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE