May 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-811

તેઓ સાથે જ પૂજન કરતા,ભોજન લેતા અને બંનેની બુદ્ધિ સમાન હતી,તેથી પરસ્પર મિત્ર બની શોભતા હતા.
એ રીતે બંનેના કેટલાક દિવસો કોઈ વાસના વગર અને સમાન ચિત્ત-વાળા થઈને વીતવાથી,રાજા શિખીધ્વજ પણ કુંભમુનિના જેવો જ શોભવા લાગ્યો.
ત્યારે તે શિખીધ્વજ રાજાને દેવપુત્ર જેવો મનોહર શોભાવાળો જોઈ ચૂડાલાએ મનમાં વિચાર કર્યો કે-મારો પતિ સુશોભિત અંગવાળો અને ઉદાર દિલનો છે અને આ વનભૂમિઓ પણ બહુ રમણીય છે,આવી સ્થિતિ અનાયાસે પ્રાપ્ત થાય, તો એવી કોણ સ્ત્રી હોય કે,આવા સમયે કામ વડે છેતરાય નહિ?

જેઓ,જીવનમુક્ત બુદ્ધિ-વાળા છે,છતાં દૈવ-યોગથી દેહની "દશા" આવી મળે તે (ભોગ) નથી ભોગવતા,
તેઓની,ફક્ત એક "ભોગોની નિવૃત્તિના આગ્રહ-વાળી બુદ્ધિ"  તે,તુચ્છ મૂઢતા-વાળી જ છે.
સુશોભિત અંગ-વાળો અને ઉદાર દિલનો પોતાનો પતિ હોય,કોઈ આધિ (માનસિક પીડા) હોય નહિ,
યૌવન-વાળી ઉંમર હોય,પુષ્પોથી બનેલ સુંદર ઘર હોય,તેમ છતાં જે સ્ત્રી પોતાના પતિમાં કામાતુર ના થાય,
તે ભર્તા (પતિ) વડે ઉપભોગ નહિ પામવાથી તથા બીજા લોકનિંદા-વગેરે દોષોથી જીવતાં મરી ગયેલા જેવી જ છે.
માટે હું આ વનમાં એવો કોઈ પ્રપંચ કરું કે જેથી મારો પતિ,મારા જોડે રમણ કરે.(ભોગ ભોગવે)

(નોંધ-અહી બતાવેલ પ્રારબ્ધથી આવેલ દેહની "દશા"ને ભોગવવી એવો ઉલ્લેખ કરે છે,આ "દશા"
ગીતામાં બતાવેલ "કર્મ"થી સહેજ ફરક-વાળી બતાવી છે.ફરક એટલો જ છે,કે તે "કર્મ"માં પુરુષાર્થ રહેલો છે.
અહી,વસિષ્ઠજી,શિખીધ્વજ-ચૂડાલાના ઉદાહરણથી,ઘણું બધું,જુદીજુદી રીતે કહેવા માગે છે.આગળના પ્રકરણમાં આવે છે કે-ચૂડાલા,શિખીધ્વજની અનાશક્તિની (આ પ્રસંગ અનુસાર) પરીક્ષા કરે છે)

કુંભમુનિનો વેશ ધરનારી ચૂડાલા રાણી,શિખીધ્વજ ને કહે છે કે-ચૈત્ર માસના પડવાનો આજે મોટો દિવસ છે,
આજે સ્વર્ગમાં,ઇન્દ્રના દરબારમાં મોટો સમારંભ હોય છે,ત્યાં મારા પિતા નારદજી પાસે મારે હાજર રહેવું જોઈએ.
તમે મનમાં કોઈ ઉદ્વેગ ના લાવતાં,મારા પાછા આવવાની સાયંકાળ સુધી રાહ જોજો,હું અવશ્ય,આકાશમાર્ગે
આવી પહોંચીશ કારણકે સ્વર્ગ કરતાં પણ મને તમારો સંગ વધુ આનંદ આપનાર છે.
આમ કહી કુંભે ત્યાંથી વિદાય લીધી,અને રાજાએ જ્યાં સુધી નજર પહોંચી,ત્યાં સુધી તેમને જોયા કર્યું.

શિખીધ્વજની દ્રષ્ટિ-મર્યાદાનો અંત આવી જતાં,આકાશમાંજ તે રાણીએ કુંભ નો વેશ ત્યજીને,પોતાનું રાણીનું
મૂળ-રૂપ ધારણ કર્યું.અને રાજ્ય-સભામાં પહોંચી તેણે રાજ્યનું જરૂરી કામકાજ પતાવ્યું.અને
સાંજ પડતાં સુધીમાં તો તે ફરીથી પાછું કુંભમુનિનું રૂપ લઈને રાજા પાસે આવી પહોંચી.
રાણીએ તે વખતે પોતાના ચિત્તમાં કોઈ ખેદ નહિ લાવતાં,
માત્ર ઉપર ઉપરથી જ પોતાનું મુખ જાણે ખેદ વડે ઝાંખું થઇ ગયું હોય,તેવું કરી દીધું.

દેવપુત્રને આવતા જોઈએ,રાજા ઉભો થઇ ગયો,અને કુંભનો ઉદાસીન ચહેરો જોઈ રાજા પણ ઉદાસીન ચિત્ત-વાળો થયો,અને વિનય-પૂર્વક તે કહેવા લાગ્યો કે-તમે તો મહા-જ્ઞાન-વાન છો,માટે મનના તાપ છોડીને આ આસન ગ્રહણ કરો.જાણવાનું જે સર્વ જેણે જાણી લીધું છે-તેવા મહાત્માઓ,તો સદા સ્વસ્થ રહીને,કમળો જેમ જળ વડે ભીનાં થતાં નથી,તેમ હર્ષ-શોક વડે થયેલી,જુદી જાતની સ્થિતિને વશ થતા નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE