May 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-812

વસિષ્ઠ કહે છે કે-રાજાનું આ વચન સાંભળીને,કુંભમુનિએ,ખેદથી કંઠ રૂંધાયો હોય તેવી,ગદગદ વાણીથી કહ્યું કે-જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી,સમાન ચિત્ત રાખી,હર્ષ-શોક વગેરે કોઈ પણ વિકાર ના પામતાં,જેઓ કર્મેન્દ્રિયોથી વ્યવહાર કરતા રહેતા નથી-તેઓ ખરેખર તત્વજ્ઞ નથી,પણ "દંભી" હોવાથી શઠ જ છે.હે રાજા,જેઓ તત્વને ના જાણવાથી અજ્ઞાનમાં જ ડૂબેલા રહે છે,તેઓ પોતાની બાળ-બુદ્ધિને લીધે,સ્વભાવથી જ દેહના યોગે ગ્રહણ કરાયેલી અવસ્થાઓથી ભયભીત થઈને નાસવા માંડે છે.



જ્યાં સુધી તલ હોય ત્યાં સુધી તેમાં જેમ તેલ રહ્યું જ હોય છે,તેમ જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી,પ્રારબ્ધથી રહેલી "દશા" પણ હોય છે જ.એટલે કે દેહ રહે ત્યાં સુધી,તે "દશાને  ના ભોગવવી" તે અસંભવિત જ છે.
દેહ-સંબંધી દશાઓનો ઉત્તમ ત્યાગ એ જ છે કે-યોગથી તેમાં ચિત્તની સમાનતા (નિર્વિકારતા કે અનાસક્તિ)
રાખી તે દશાને ભોગવવી,બાકી,કર્મેન્દ્રિયો તરફ ચિત્તની સ્થિતિ રાખી,તે દશાને હઠથી રોકી રાખવી,
એ દેહ-"દશા"ના (અને તેના સંબંધી-દુઃખોના) ત્યાગનો ઉપાય નથી.

હે રાજા,જ્ઞાની પુરુષે જ્યાં સુધી પોતાનો દેહ રહે,ત્યાં સુધી,એ દેહ-દશાઓમાં પોતાની કર્મેન્દ્રિયો વડે,
સદાચાર અનુસાર (અનાસક્તિથી) વ્યવહાર કરતા રહેવું,અને જ્ઞાનેદ્રિયોથી પણ કદી હર્ષ-શોક-આદિ વિકારવાળા થઈને રહેવું નહિ.બ્રહ્માથી માંડી સર્વ ઉત્તમ ચિત્ત-વાળા જીવનમુક્ત પુરુષો,પ્રારબ્ધથી પ્રાપ્ત,
દેહ-સંબંધી અવસ્થાઓમાં જ રહે છે.કેમ કે "દૈવ" નો એવો-પ્રારબ્ધભોગ ભોગવવાનો જ નિશ્ચય છે.

અજ્ઞાની જીવો,જ્ઞાની મહાત્માઓ અને જે કોઈ આ દૃશ્ય-વર્ગ-રુપે રહેલા છે,તેમની પ્રારબ્ધ-અનુકુળ જ પ્રવૃત્તિ થાય છે. જ્ઞાની પુરુષો,બુદ્ધિ-આદિને સમાન (નિર્વિકાર કે અનાસક્ત) રાખી,પોતાનો દેહ હોય ત્યાં સુધી,
ચાલુ રહેનાર પ્રારબ્ધને ભોગવવા માટે જ કર્મેન્દ્રિયોનો વ્યવહાર ચાલુ રાખે છે ને આયુષ્યનો બાકીનો સમય ગાળે છે.જયારે અજ્ઞાની પુરુષો પ્રારબ્ધ પ્રમાણે દેહની દશા આવી પડતાં,હૃદયમાં ખેદ પામે છે-તેથી તેમને જે સુખ-દુઃખ આવી પડે તેમાં આકુળ-વ્યાકુળ થઈને આસક્ત થઈને ભોગો ભોગવે છે,કે જે હજારો દેહો ધારણ કરવામાં કારણ બને છે,અને તેથી તેમનાં નસીબ પણ તરેહ તરેહનાં બદલાયા કરે છે.

હે રાજા,અમુક પ્રાણીએ અમુક જન્મમાં અમુક પ્રકારે સુખમાં,કે અમુક પ્રકારે દુઃખમાં રહેવું-
એવું જે કંઈ,જીવોના પોતાનાં કર્મો અનુસાર પોતપોતાના લલાટમાં લખાયેલું છે-
તે નસીબના નિર્માણને અનુસરીને જ વ્યવહાર કરવો પડે છે.
એટલે કે જીવ અજ્ઞાની હોય કે જ્ઞાની હોય,પરંતુ તે બંનેમાંથી કોઈ પણ નસીબ (પ્રારબ્ધ) ને ઓળંગી શકતું નથી.

(૧૦૫) કુંભને સ્ત્રી-ભાવની પ્રાપ્તિ

શિખીધ્વજ કહે છે કે-હે મહાત્મા,જો એમ જ છે,તો પછી તમે દેવ થઈને શા માટે ખેદ રાખો છો?
કુંભમુનિ કહે છે કે-હે રાજા,આજે ખેદ આપતો જે બનાવ મારી સાથે બની  ગયો છે,તે વિષે હું તમને કહું છું,
કેમ કે -દુઃખ ભલે ઘાટું હોય,પણ સુજ્ઞ-મિત્રને કહેવાથી તે અત્યંત હલકું  થઇ જાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE