Jun 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-824

વસિષ્ઠ કહે છે કે-એ પ્રમાણેનાં પિતાનાં પરમ પવિત્ર વચન સાંભળી,કચ સર્વસ્વનો ત્યાગ કરીને એકાંત વનમાં ચાલ્યો ગયો.બૃહસ્પતિને તેના જવાથી કશો શોક થયો નહિ,કારણકે,મહાન પુરુષો સંયોગ-વિયોગના સંબંધમાં મેરુના જેવું દૃઢ અને મોટું મન રાખનારા તથા હર્ષ-શોકથી રહિત હોય છે.પછી,આઠ વર્ષ વીતી ગયા બાદ પોતાના પિતા બૃહસ્પતિની પાસે આવ્યો અને તેમનું પૂજન કરીને,પોતાની મનોહર વાણી વડે તેમને પૂછ્યું કે "હે પ્રિય પિતાજી,આજે મને સર્વત્યાગ કર્યે આઠ વર્ષ થયાં,પણ સ્તુતિ-પાત્ર શાંતિને હું મેળવી શક્યો નથી"

વસિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે કચ પોતાના દુઃખી વચનો કહેતો હતો,તેટલામાં તો "તું સર્વનો ત્યાગ કર" એમ કહીને બૃહસ્પતિ આકાશ તરફ ચાલ્યા ગયા.તેમના જતા રહ્યા પછી,કચે પોતાના દેહ પરથી વલ્કલ-આદિનો ત્યાગ કરી દીધો અને દિગંબર થઇને પર્વતની ગુફામાં રહ્યો.અને પોતાના શરીરને શાંત અને શૂન્ય-પણે ધારણ કર્યું.
એ રીતે બીજા ત્રણ વર્ષ વીતી ગયા,પછી ફરી પોતાના પિતા અને ગુરુ બૃહસ્પતિને મળ્યો.

કચ (બૃહસ્પતિને) કહે છે કે-હે પિતાજી,મેં શરીર પરથી વલ્કલ-અને બાકી સર્વ (કમંડળ-દર્ભાસન-વગેરે)નો પણ ત્યાગ કરી દીધો,તથાપિ (તેમ છતાં) મને પરમપદમાં શાંતિ મળી નથી માટે હવે શું કરું?

બૃહસ્પતિ કહે છે કે-હે પુત્ર,ચિત્ત જ સર્વથી પર કહેવામાં આવે છે,તેનો ત્યાગ કરવાથી તું અપૂર્વ શોભા-વાળો થઈશ (પરમપદને પામીશ) તત્વવેત્તાઓએ ચિત્તનો ત્યાગ એ જ સર્વત્યાગ છે-એમ નિશ્ચય કરેલો છે.

વસિષ્ઠ કહે છે કે-બૃહસ્પતિ એ પ્રમાણે પુત્રને કહીને આકાશ તરફ ચાલ્યા ગયા પછી કચે પોતાની બુદ્ધિમાં કોઈ જાતનો ખેદ લાવ્યા વિના ચિત્તને (તેનો ત્યાગ કરવા સારું) શોધવા માંડ્યું.
બહુ વિચાર કરવા છતાં પણ જયારે તે ચિત્તને ખોળી શક્યો નહિ ત્યારે બુદ્ધિ વડે પિતાજીનું ચિંતન કર્યું અને તેમની પાસે જવાનું ધાર્યું.પછી તે બૃહસ્પતિ પાસે ગયો અને તેમને વંદન કરી એકાંતમાં પૂછ્યું કે-
"હે મહારાજ,ચિત્ત શું છે? કૃપા કરી એ ચિત્તનું સ્વરૂપ બતાવો,કે જેથી હું તેનો ત્યાગ કરું"

બૃહસ્પતિ કહે છે કે-ચિત્તના સ્વરૂપને જાણનારા વિવેકી પુરુષો,પોતાના "અહંકાર"ને જ ચિત્ત કહે છે.
મનુષ્યની અંદર "હું" એવો જે ભાવ રહ્યો છે-તે અહંકાર જ ચિત્ત કહેવાય છે.

કચ કહે છે કે-હે ગુરુ મહારાજ,અહંકાર જ ચિત્ત છે-એમ શી રીતે છે? તે આપ મને કહો.હું એમ માનું છું કે-
એ ચિત્તનો ત્યાગ થવો બહુ દુષ્કર છે અને તે સિદ્ધ થતો નથી.તો એ ચિત્તનો શી રીતે ત્યાગ કરી શકાય?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE